06 June, 2023 08:15 AM IST | Madrid | Gujarati Mid-day Correspondent
કિરાન હૅરિસ
‘નામમાં શું બળ્યું છે’ જેવી કહેવત છે તો ‘નામની મોકાણ’ જેવી કહેવત પણ છે, પણ સ્પેનમાં રહેતા કિરાન હૅરિસ પર તેના નામને લઈને ઈઝીજેટ નામની ઍરલાઇન્સે પ્રતિબંધ મૂકી દીધો હતો. ૨૫ મેએ તે અલિકાન્ટી શહેરમાં જવાનો હતો. એક મહિના પહેલાં તેણે ફ્લાઇટમાં ટિકિટ બુક કરાવી હતી, પણ પ્રવાસના એક દિવસ પહેલાં ઍરલાઇન્સે ઈ-મેઇલ કરીને જણાવ્યું કે કિરાન હૅરિસ પર પ્રતિબંધ છે. ઈ-મેઇલમાં જણાવ્યું કે અગાઉના ખરાબ વર્તનને કારણે ૨૦૩૧ની ૧૫ માર્ચ સુધી તમારા પર પ્રતિબંધ છે. એમાં એવું પણ જણાવાયું હતું કે ૨૦૨૧માં આ કંપનીની ફ્લાઇટમાં નશામાં ધૂત કિરાન હૅરિસ નામની વ્યક્તિએ ખરાબ વર્તન કર્યું હતું એને લીધે તેને ૧૨ સપ્તાહની જેલની સજા પણ ફટકારવામાં આવી હતી. વળી કિરાન હૅરિસ નામની વ્યક્તિનું નામ અને જન્મતારીખ પણ એકસરખી છે.
જોકે આ કંઈ પહેલી વાર નથી થયું ગયા વર્ષે પોલીસ તેને ખોટો કિરાન હૅરિસ સમજી બેઠી હતી અને તેના ઘરે આવી હતી અને આખા ઘરની ચકાસણી કરી હતી. આવી બધી ઘટના બાદ કિરાન હૅરિસ પોતાનું નામ બદલવાનું વિચારી રહ્યો છે. ઈઝીજેટે કિરાન હૅરિસ પાસે તેનો પાસપોર્ટ મગાવ્યો અને એ જોયા બાદ તેના પરનો પ્રતિબંધ હટાવી દીધો હતો.