આ વર્ષે અલગ-અલગ કંપનીઓના ૩૨,૦૦૦ ટેક્નૉલૉજી કર્મચારીઓની જૉબ છૂટી ગઈ છે એનું કારણ શું?

07 February, 2024 10:35 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ટેક કંપનીઓમાં સતત છટણીનું મુખ્ય કારણ આર્થિક પરિબળ છે, ઘણી કંપનીઓ આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (એઆઇ)ની રેસમાં જોડાવા માટે છટણી માટેના એક પરિબળ તરીકે આને ધ્યાનમાં લઈ રહી છે

પ્રતીકાત્મક તસવીર

ટેક ઇન્ડસ્ટ્રીઝનું ૨૦૨૪નું વર્ષ બહુ સારું નથી શરૂ થયું. આ વર્ષની  શરૂઆત જ જૉબ કટ સાથે કરી છે. આ જૉબ કટ ગયા વર્ષે મોટા પાયે થયેલી છટણી બાદ પણ ચાલુ જ છે. Layoffs.fyi એક એવું સ્ટાર્ટઅપ છે જે કોવિડ બાદ ટેક ઉદ્યોગમાં થયેલી જૉબ કટ પર નજર રાખે છે. તેમના જણાવ્યા અનુસાર ૨૦૨૪માં લગભગ ૩૨,૦૦૦ ટેક કર્મચારીઓએ નોકરી ગુમાવી છે. બ્લૂમબર્ગના રિપોર્ટ મુજબ આનું તાજું ઉદાહરણ સ્નૅપ ઇન્ક છે જેણે સોમવારે જાહેરાત કરી હતી કે એ લગભગ ૧૦ ટકા અથવા ૫૪૦ કર્મચારીઓને છૂટા કરી રહી છે.

આ મહિનાની શરૂઆતમાં સૉફ્ટવેર કંપની ઑક્ટા ઇન્કે જણાવ્યું હતું કે એ ખર્ચ ઘટાડવા માટે એના ૭ ટકા કર્મચારીઓને છૂટા કરી રહી છે. પરિણામે લગભગ ૪૦૦ કર્મચારીઓને અસર થશે. એટલું જ નહીં, જૉબ કટ કરતી કંપનીઓની યાદી ઘણી લાંબી છે; જેમાં ઍમેઝૉન, સેલ્સફોર્સ અને મેટા જેવી મોટી કંપનીઓનો સમાવેશ થાય છે. Layoffs.fyiના ફાઉન્ડર રૉજર લીએ એક ઈ-મેઇલમાં લખ્યું છે કે આ વર્ષે ટેક કંપનીઓ હજી પણ કોવિડ દરમ્યાની તેમની ઓવર-હાયરિંગને સુધારવાનો પ્રયાસ કરી રહી છે. 

ટેક કંપનીઓમાં સતત છટણીનું મુખ્ય કારણ આર્થિક પરિબળ છે, ઘણી કંપનીઓ આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (એઆઇ)ની રેસમાં જોડાવા માટે છટણી માટેના એક પરિબળ તરીકે આને ધ્યાનમાં લઈ રહી છે, કારણ કે તેઓ એઆઇ ટૅલન્ટ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે રિસોર્સિસ બદલી રહી છે.

offbeat videos offbeat news social media viral videos