02 October, 2024 01:48 PM IST | Uttar Pradesh | Gujarati Mid-day Correspondent
શાલુબહેને અત્યાર સુધી 3000+ બિનવારસ મૃતદેહોના અંતિમ સંસ્કાર કર્યા છે.
માણસ કે પશુ-પક્ષીના અંતિમ સંસ્કાર આપણે જોયા-સાંભળ્યા છે, પરંતુ એક વૃક્ષના અંતિમ સંસ્કાર થયા હોય એવું કદાચ પહેલી વાર બન્યું હશે. ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગર જિલ્લાનાં ૩૭ વર્ષનાં શાલુ સૈનીએ શુક્રવારે ૨૦૦ વર્ષ જૂના સેલમના વિશાળ વૃક્ષની અંતિમ વિધિ કરી હતી. જેમના કોઈ જ વારસ ન હોય એવા લોકોના મૃતદેહોના અંતિમ સંસ્કાર કરવાનું સેવાકાર્ય કરતાં શાલુબહેને કહ્યું કે બુધવારે ધોધમાર વરસાદ અને ભારે પવન ફૂંકાયો હતો એમાં ગંગાનગર પાસે ઊભેલું આ વૃક્ષ ધરાશાયી થઈ ગયું હતું, એ વૃક્ષ પડ્યું ત્યારે પરિવારના કોઈ વડીલને ગુમાવ્યા જેવું દુઃખ થયું હતું. સેલમના આ વૃક્ષે ઓછામાં ઓછી પાંચ પેઢીને તો છાંયડો આપ્યો જ છે એવું કહીને વ્યથિત થયેલાં શાલુબહેને કહ્યું કે ‘છોડમાં પણ રણછોડ હોય છે. વૃક્ષો જીવિત હોય છે એટલે પૂજારીની સલાહ લઈને હિન્દુ રિવાજ પ્રમાણે એના અંતિમ સંસ્કાર કરવાનું નક્કી કર્યું અને નયી મંડી સ્મશાનમાં વિધિ કરી હતી. એમાં વૃક્ષનાં કેટલાંક ડાળખાં અને લાકડાંને અગ્નિદાહ આપ્યો હતો.’ તેમણે એવું પણ કહ્યું કે ‘બાબા મહાકાલનો આદેશ મળશે તો હું વૃક્ષોના અંતિમ સંસ્કાર કરવાનું ચાલુ રાખીશ. વૃક્ષો આપણને ઑક્સિજન, છાંયડો, ફૂલ અને ફળ આપે છે. મને લાગે છે કે વૃક્ષોને પણ સન્માનપૂર્વક વિદાયનો અધિકાર છે.’