23 January, 2025 10:31 AM IST | Rajasthan | Gujarati Mid-day Correspondent
દલિત યુવાન વિજય રેગર ઘોડી પર ચડીને પરણવા ગયો ત્યારનો ફોટો
રાજસ્થાનના અજમેરના નસીરાબાદ તાલુકાના લવેરા ગામમાં ૨૧ જાન્યુઆરીએ દલિત યુવાન વિજય રેગર ઘોડી પર ચડીને પરણવા ગયો ત્યારે જાનમાં જાનૈયા ઓછા અને પોલીસો ઝાઝા દેખાતા હતા. જાન નીકળે ત્યારે પોલીસ-સુરક્ષા પૂરી પાડવામાં આવે એવી કન્યાના પિતાની વિનંતીના પગલે આ વ્યવસ્થા કરવામાં આવી હતી. જાનમાં ઍડિશનલ પોલીસ સુપરિન્ટેન્ડન્ટ દીપક કુમાર સહિત ૭૫ ઑફિસરો અને પોલીસ-જવાનો મોજૂદ રહ્યા હતા. પોલીસના જવાનો ઢોલ-નગારાની સાથે જ ચાલતા નજરે પડ્યા હતા.
૨૦ વર્ષ પહેલાં કન્યા અરુણા ખોરવાલના પિતા નારાયણ ખોરવાલની બહેનનાં લગ્ન થયાં ત્યારે વરરાજા ઘોડી પર બેસીને આવતાં મોટો વિવાદ થયો હતો. જોકે હવે ગામમાં વાતાવરણ શાંત છે, પણ ભૂતકાળની ઘટનાનું પુનરાવર્તન ન થાય એ માટે પોલીસને વિનંતી કરવામાં આવી હતી. ખૂબ જ શાંતિપૂર્વક અરુણા ખોરવાલનાં લગ્ન શ્રીનગરના રહેવાસી વિજય રેગર સાથે સંપન્ન થયાં હતાં.