24 January, 2023 11:05 AM IST | Ankara | Gujarati Mid-day Correspondent
સુલતાન કોસેનને ૨૦૧૪માં લંડનમાં વિશ્વના સૌથી ઠીંગણા વ્યક્તિ ચંદ્રબહાદુર ડાંગીને મળવાનો મોકો મળ્યો હતો.
ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સમાં સૌથી વધુ ઊંચા કદના વ્યક્તિ તરીકે ૮ ફુટ કરતાં વધુ ઊંચાઈ ધરાવતા સુલતાન કોસેનનું નામ છેલ્લાં ૨૦ વર્ષથી નોંધાયેલું છે. લગભગ ત્રણેક અઠવાડિયાં પહેલાં ઘાનાના ૨૯ વર્ષના સુલેમાન અબ્દુલ સામદે ૯ ફુટ ઇંચની હાઇટ સાથે સુલતાનના રેકૉર્ડને પડકાર્યો હતો. જોકે ઘાનામાં ઊંચાઈ માપવા માટેનાં યોગ્ય સાધનોની ઊણપને કારણે બીબીસીએ સુલેમાનના ઘરે જઈને માપતાં તેની ઊંચાઈ ૭ ફુટ ૪ ઇંચ નોંધાઈ હતી, જેને કારણે સુલતાનનો રેકૉર્ડ કાયમ રહ્યો હતો.
જોકે આથી પણ વધારે આશ્ચર્યભરી વાત એ છે કે વિશ્વના સૌથી ઊંચા કદના સુલતાન કોસેનને ૨૦૧૪માં લંડનમાં વિશ્વના સૌથી ઠીંગણા વ્યક્તિ ચંદ્રબહાદુર ડાંગીને મળવાનો મોકો મળ્યો હતો. એનાં ચાર વર્ષ બાદ તે વિશ્વની સૌથી ઠીંગણી મહિલા ઇજિપ્તની જ્યોતિ આમગેને મળ્યા હતા. આ ઐતિહાસિક મુલાકાતની વાત યાદ કરતાં સુલતાન કોસેને કહ્યું કે ક્યાંક ભૂલથી તેમનો પગ ચંદ્રબહાદુર ડાંગી કે જ્યોતિ આમગે પર ન પડી જાય એ માટે તેઓ સતત અધિકારીઓને પોતાનાથી સલામત અંતરે તેમને દૂર રાખવા જણાવી રહ્યા હતા. જોકે બન્નેનાં કદને કારણે તેઓ તેમને સાંભળી નહોતા શકતા, પણ તેમની સાથેના ફોટો ઘણા સારા આવ્યા હતા.