28 January, 2023 09:36 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બ્રાયન જૉનસન
દુનિયાભરમાં અત્યારે ઍન્ટિ એજિંગ ટેક્નૉલૉજી પર કામ થઈ રહ્યું છે. વળી લોકો પણ યંગ દેખાવા માટે વર્કઆઉટ સહિત જાતજાતની કોશિશ કરે છે, પણ ૪૫ વર્ષના એક સૉફ્ટવેર ડેવલપરે તો હદ કરી નાખી. તે તેની યુવાની પાછી મેળવવા માટે દર વર્ષે ૨૦ લાખ ડૉલર (૧૬.૩૧ કરોડ રૂપિયા)નો ખર્ચ કરે છે. તેનું નામ છે બ્રાયન જૉનસન. તેણે તેને માટે એક ડેઇલી રૂટીન બનાવ્યું છે અને એનો દાવો છે કે આ ડેઇલી રૂટીનને કારણે તેનું હૃદય ૩૭ વર્ષનું, સ્કિન ૨૮ વર્ષની, ફેફસાંની કૅપેસિટી અને ફિટનેસ ૧૮ વર્ષના યુવાન
જેટલી છે.
જૉનસન પાસે ૩૦ ડૉક્ટર્સ અને રીજનરેટિવ હેલ્થ એક્સપર્ટ્સની ટીમ છે; જે જૉનસનની હેલ્થ, ડેઇલી
રૂટીન અને વર્કઆઉટનો ખાસ ખ્યાલ રાખે છે.
જૉનસન કહે છે કે મારો અલ્ટિમેટ ગોલ એ છે કે દિમાગ, લિવર, કિડની અને સ્કિન સહિત મારાં તમામ મહત્ત્વનાં અંગો હું યુવાન હતો ત્યારે જે રીતે કામ કરતાં હતાં એ જ રીતે અત્યારે ફરી કામ કરે.
જૉનસન સ્ટ્રિક્ટ વીગન ડાયટ પર છે. તે દિવસની ૧૯૭૭ કૅલરી લે છે. જૉનસન સવારે પાંચ વાગ્યે જાગે છે, બે ડઝન સપ્લિમેન્ટ્સ લે છે, એક કલાક સુધી વર્કઆઉટ કરે છે, હેલ્ધી જૂસ પીએ છે.