29 November, 2024 12:56 PM IST | Thiruvananthapuram | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
કેરલામાં ગરીબ અને વૃદ્ધ લોકો માટેનું પેન્શન રાજ્ય સરકારના ૧૪૫૮ કર્મચારીઓ ખાઈ ગયા છે. આ ‘ખાઈબદેલા’ કર્મચારીઓમાં ગૅઝેટેડ ઑફિસરો અને કૉલેજના પ્રોફેસરો પણ આવી ગયા.
રાજ્યનો સમાજ કલ્યાણ વિભાગ રાજ્યના ૬૦ લાખ ગરીબો અને વૃદ્ધોને મહિને ૧૬૦૦ રૂપિયાનું કલ્યાણ પેન્શન ફાળવે છે. એનો લાભ આ બધા પણ લેતા હતા. ઇન્ફર્મેશન કેરલા મિશન નામની સંસ્થાએ કરેલી તપાસમાં આ ભોપાળું બહાર આવ્યું છે. રાજ્યના નાણાવિભાગના આદેશ પછી આ તપાસ કરવામાં આવી હતી. ગેરરીતિ બહાર આવ્યા પછી નાણાપ્રધાન કે. એન. બાલગોપાલે કહ્યું કે લાભાર્થીઓની યાદીમાં સરકારી કર્મચારીઓ હોય એ ચોંકાવનારી વાત છે. તેમણે કહ્યું કે ‘ગેરકાયદે લીધેલાં નાણાંની વસૂલાત થશે, તપાસ પણ થશે અને નકલી દસ્તાવેજ બનાવવામાં મદદ કરનાર અધિકારીઓ સામે કાર્યવાહી પણ થશે; આ પેન્શન ગરીબ લોકો માટેનું છે, એ લોકોએ આવું નહોતું કરવા જેવું.’
૬૦ વર્ષથી વધુ વયના સમાજના નબળા વર્ગના લોકો અથવા ૫૦ વર્ષની વયની અપરિણીત મહિલાઓને કલ્યાણ પેન્શન અપાય છે. ખોટી રીતે પેન્શન લેનારા ૧૪૫૮ કર્મચારીમાંથી ૩૭૩ આરોગ્ય વિભાગના, ૨૨૪ સામાન્ય શિક્ષણ વિભાગના અને ૧૨૩ તબીબી શિક્ષણ વિભાગના છે. આ સિવાય ટેક્નિકલ શિક્ષણ, હોમિયોપથી, મહેસૂલ, કૃષિ, અદાલત, સામાજિક ન્યાય વિભાગના કર્મચારીઓ છે.