૧૧ વર્ષની છોકરીને બકરીના બદલામાં અઢી કરોડ રૂપિયા મળશે

08 November, 2024 11:21 AM IST  |  California | Gujarati Mid-day Correspondent

જેસિકા લૉન્ગે ૨૦૨૨માં ૧૧ વર્ષની દીકરી માટે ૪ મહિનાની સીડર નામની બકરી પાળી હતી

પ્રતીકાત્મક તસવીર

કૅલિફૉર્નિયામાં ૧૧ વર્ષની છોકરીને તેની બકરીએ કરોડપતિ બનાવી દીધી છે. જેસિકા લૉન્ગે ૨૦૨૨માં ૧૧ વર્ષની દીકરી માટે ૪ મહિનાની સીડર નામની બકરી પાળી હતી. શાસ્તા ડિસ્ટ્રિક્ટ મેળામાં લિલામ કરવા માટે બકરીનું રજિસ્ટ્રેશન કરાવ્યું હતું, પણ એ છોકરીને સીડર પ્રત્યે એટલીબધી લાગણી બંધાઈ ગઈ કે મેળામાં લિલામ કરવાની ના પાડી દીધી. લૉન્ગ પરિવારે મેળાના આયોજકોને બકરીની લિલામી કરવાની ઇચ્છા નથી એવું કહ્યું છતાં શાસ્તા કાઉન્ટી શેરિફના બે અધિકારી તેના ફાર્મ પર જઈને બકરીને પકડી લાવ્યા. પરિવારે કાલાવાલા કર્યા, પણ ૯૦૨ ડૉલર (અંદાજે ૭૫૮૬૩ રૂપિયા) આપીને બકરી ખરીદી લીધી અને પછી એને મારી નાખી. એ છોકરી આ આઘાત સહન ન કરી શકી અને બેભાન થઈ ગઈ. તેણે શાસ્તા કાઉન્ટી શૅરિફ ઑફિસ, બકરીની લિલામી કરનાર મેળા અને કર્મચારીઓ સામે કેસ કર્યો. અદાલતે કહ્યું કે ‘એક છોકરીની વહાલી પાળેલી બકરી’ વેચવા અને એની હત્યા કરવા બદલ શેરિફની ઑફિસે છોકરીને ૩ લાખ ડૉલર (આશરે અઢી કરોડ રૂપિયા) ચૂકવવા પડશે. 

california offbeat news international news world news