10 January, 2025 10:52 AM IST | Louisville | Gujarati Mid-day Correspondent
જોક્લેટા વિલ્સન
ડાન્સર અને બિઝનેસ-વુમન તરીકે રિટાયર થઈ ચૂકેલાં જોક્લેટા વિલ્સન અત્યારે અમેરિકામાં લુઈવિલમાં આવેલા હોમ ડેપોના ‘ઓલ્ડેસ્ટ એમ્પ્લૉઈ’ છે. તેઓ કૅશિયર તરીકે કામ કરે છે. હોમ ડેપોમાં આવતા કસ્ટમર્સને માનવામાં જ નથી આવતું કે આ જાજરમાન મહિલા ૧૦૦ વર્ષનાં છે. લેડી વિલ્સનનું કહેવું છે કે ‘હું ઘરમાં બેસી જ શકતી નથી. ઘરની બહાર જવું, કામ કરવું, લોકોને મળવું, તેમની સાથે વાતો કરવી અને સમાજમાં આજુબાજુ શું ચાલી રહ્યું છે એ જાણવાનું મને બહુ ગમે છે.’
ગયા વર્ષે ઑક્ટોબરમાં ૧૦૦ વર્ષ પૂરાં કરનાર લેડી વિલ્સને ૮૦ મહેમાનો અને બે પિયાનો-પ્લેયર્સ સાથે શાનદાર રીતે માઇલસ્ટોન જન્મદિન ઊજવ્યો હતો અને હોમ ડેપોએ પણ મોટી પાર્ટી રાખી હતી. ૧૦૦ વર્ષની વયે ડાન્સ કરી શકતાં આ ડાન્સર લેડીને પોતાની જે ઉંમર છે એનાથી દસકાઓ ઓછી લાગે છે. તેમનું કહેવું છે કે મને તો લાગે છે કે હજી આ મારો ચાલીસમો જન્મદિન છે.
૧૦૦ વર્ષની ઉંમરે લેડી વિલ્સન તેમના ઘરમાં સ્વતંત્ર રીતે રહે છે. કાર ચલાવીને જૉબ પર જાય છે, શૉપિંગ કરે છે અને પોતાના માટે રસોઈ પણ બનાવે છે. બહુ નાની વયે બ્રેસ્ટ કૅન્સર થયેલું જેને તેમણે માત આપી હતી. હાર્ટની સમસ્યાને કારણે પેસમેકર બેસાડેલું છે અને છતાં લેડી વિલ્સન હંમેશાં હસતાં રહે છે અને કહે છે કે ‘બધું બરાબર છે.’
લાંબું, સ્વસ્થ અને સંતોષસભર જીવન જીવવા માટે તેઓ સિમ્પલ ટિપ્સ આપતાં કહે છે, ‘સતત કામ કરતા રહો અને શરીરને ઍક્ટિવ રાખો. શરીરના સ્વાસ્થ્ય માટે ખોરાકમાં જરૂરી બદલાવ કરવા તૈયાર રહો. ક્રીએટિવ રહો. નાની-નાની વાતોને મન પર ન લો. ગુસ્સે ન થાઓ. નકારાત્મકતા છોડીને હંમેશાં પૉઝિટિવ સકારાત્મક રહો.’