સામેથી ૨૦ લાખ રૂપિયા આપવાની ‘ચીફ ઑફ સ્ટાફ’ની નોકરી માટે ઝોમાટોને ૧૦,૦૦૦ અરજી મળી

22 November, 2024 12:53 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

અરજી કરવા માટે ગુરુવારે સાંજે ૬ વાગ્યા સુધીનો સમય આપ્યો હતો, આ પોસ્ટમાં કેટલીક શરતો વિચિત્ર હતી

ઝોમાટોના CEO દીપિન્દર ગોયલ

ફૂડ ડિલિવરી ચેઇન ઝોમાટોના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર (CEO ) દીપિન્દર ગોયલ કંપની માટે ‘ચીફ ઑફ સ્ટાફ’ શોધે છે. આ વિશે તેમણે સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર આ નોકરી માટેની શરતો, લાયકાતો અને પગાર વિશેની માહિતી વિસ્તારપૂર્વક મૂકી છે. અરજી કરવા માટે ગુરુવારે સાંજે ૬ વાગ્યા સુધીનો સમય આપ્યો હતો. આ પોસ્ટમાં કેટલીક શરતો વિચિત્ર હતી. પહેલી શરત એ મૂકી હતી કે આ નોકરી મેળવનારને ૧ વર્ષ સુધી કોઈ પગાર નહીં મળે. બીજી શરત પ્રમાણે ઉમેદવારે ‘ફીડિંગ ઇન્ડિયા’ને ૨૦ લાખ રૂપિયાનું દાન કરવું પડશે. ‘ફીડિંગ ઇન્ડિયા’ એ ઝોમાટોની જ નૉન-ગવર્નમેન્ટલ ઑર્ગેનાઇઝેશન (NGO) છે અને આખા ભારતમાં વંચિતોને ભોજન કરાવવા સહિતની સેવાની પ્રવૃત્તિઓ કરે છે. આ દાનની સામે કંપની પણ ઉમેદવારની ઇચ્છા હોય ત્યાં ચીફ ઑફ સ્ટાફના પગાર જેટલા ૫૦ લાખ રૂપિયા દાન કરશે. પોસ્ટમાં દીપિન્દર ગોયલે આ વિગતો આપવાની સાથે લખ્યું છે કે કોઈ પણ ટોચની મૅનેજમેન્ટ સ્કૂલમાંથી બે વર્ષમાં જેટલું શીખવા મળશે એના કરતાં ૧૦ ગણું આ નોકરીમાંથી શીખવા મળશે. પહેલું વર્ષ પૂરું થાય એ પછી બીજા વર્ષથી ચીફ ઑફ સ્ટાફને પગાર ચૂકવવાનું શરૂ થશે અને એ ૫૦ લાખ રૂપિયાથી વધુ હશે એની ખાતરી પણ દીપિન્દર ગોયલે આપી છે. આકર્ષક અને સારા પગારવાળી નોકરી શોધતા હોય એવા લોકોને આ પોસ્ટ માટે અરજી ન કરવા પણ તેમણે કહ્યું હતું. અનુભવ વિશે તેમનું કહેવું હતું કે ‘આ નોકરી માટે અમારે શીખવાની ઇચ્છા રાખનાર લોકો જોઈએ છે, બાયોડેટા લાવનારા નથી જોઈતા. આને નોકરી નહીં પણ શિક્ષણ-કાર્યક્રમ તરીકે જોશો તો તમે સફળ થાઓ કે ન થાઓ એ પછીની વાત છે, પરંતુ વ્યક્તિગત અને વ્યાવસાયિક એમ બન્ને વિકાસ તમને જોવા મળશે.’

આવા વિચિત્ર નિયમો સાથેની નોકરી હોવા છતાં ગઈ કાલે બપોર સુધીમાં જ ૧૦,૦૦૦ અરજી ઝોમાટોને મળી ગઈ હતી.

zomato life masala national news