મુંબઈમાં `શક્તિ પ્રદર્શન` પહેલાં કૉંગ્રેસને મોટો ફટકો, આ ધારાસભ્ય અજિત પવાર સાથે દેખાયા

19 August, 2024 07:43 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

જીશાન સિદ્દીકીના પિતા અને પૂર્વ ધારાસભ્ય બાબા સિદ્દીકીએ તાજેતરમાં કૉંગ્રેસ છોડીને અજિત પવારના નેતૃત્વવાળી પાર્ટીમાં જોડાયા હતા

તસવીર: પીટીઆઈ

Zeeshan Siddique Joins Ajit Pawar Rally: મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી પહેલાં મહા વિકાસ અઘાડી (MVA) ગઠબંધન વચ્ચે ખેંચતાણ વધી રહી છે. કૉંગ્રેસના ધારાસભ્ય જીશાન સિદ્દીકીએ સોમવારે નાયબ મુખ્યપ્રધાન અજિત પવારના નેતૃત્વમાં રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટીની જન સન્માન યાત્રામાં ભાગ લીધો હતો. આ દરમિયાન તેમણે કહ્યું કે, કૉંગ્રેસ તેમની અવગણના કરી રહી છે. આ યાત્રા બપોરે મુંબઈના બાંદ્રા ઈસ્ટ પહોંચી, જ્યાંથી સિદ્દીકી કૉંગ્રેસના ધારાસભ્ય છે. સિદ્દીકીના પિતા અને પૂર્વ ધારાસભ્ય બાબા સિદ્દીકીએ તાજેતરમાં કૉંગ્રેસ છોડીને અજિત પવારના નેતૃત્વવાળી પાર્ટીમાં જોડાયા હતા. ગયા મહિને રાજ્યમાં MLCની ચૂંટણી દરમિયાન કૉંગ્રેસના છ ધારાસભ્યોએ `ક્રોસ વોટિંગ` કર્યું હતું. એવી ચર્ચા હતી કે તે 6 ધારાસભ્યોમાં ઝીશાન સિદ્દીકીનો પણ સમાવેશ થાય છે.

ઝીશાન સિદ્દીકીએ કહ્યું કે, “મહારાષ્ટ્રના નાયબ મુખ્યપ્રધાનનું સ્વાગત કરવાની જવાબદારી હું લઈ રહ્યો છું, કારણ કે તેમની રેલી મારા વિધાનસભા ક્ષેત્રમાંથી પસાર થશે. હું સરકારની મારી લાડકી બહેન યોજના માટે મારું સમર્થન વ્યક્ત કરવા માટે આ તક લઈ રહ્યો છું, જેનાથી આપણા રાજ્યની ઘણી મહિલાઓને લાભ થશે.” કૉંગ્રેસ પર પ્રહારો કરતાં સિદ્દીકીએ કહ્યું કે તેમની પાર્ટી તેમને કાર્યક્રમો અને સભાઓમાં આમંત્રિત કરતી નથી. તેમણે દાવો કર્યો કે, “થોડા દિવસો પહેલાં સાંસદ વર્ષા ગાયકવાડે મુંબઈમાં ન્યાય રેલીનું આયોજન કર્યું હતું, જે મારા વિધાનસભા ક્ષેત્રમાંથી પસાર થઈ હતી. કૉંગ્રેસમાં હોવા છતાં મને તેમાં ભાગ લેવા માટે ન તો સલાહ આપવામાં આવી કે ન તો મને આમંત્રણ આપવામાં આવ્યું હતું. મારી સાથે આવો વ્યવહાર કરવામાં આવી રહ્યો છે.”

જીશાન સિદ્દીકી કેમ છે નારાજ?

બાંદ્રા પૂર્વના ધારાસભ્યએ કહ્યું કે, “કૉંગ્રેસે ઉમેદવારોને ઉમેદવારી પત્રોનું વિતરણ શરૂ કરી દીધું છે. જો કે, જ્યારે મારા પ્રતિનિધિએ પક્ષનો સંપર્ક કર્યો ત્યારે તેમને ઉમેદવારી પત્રો આપવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો. મારા માટે સંદેશ સ્પષ્ટ છે. તેમ છતાં, હું આગામી વિધાનસભાની ચૂંટણી લડવા માટે મક્કમ છું.” કૉંગ્રેસના ધારાસભ્ય ઝીશાન સિદ્દીકીએ આ પગલું એવા સમયે લીધું છે જ્યારે મુંબઈમાં MVA નેતાઓ ફરી એક જ મંચ પર જોવા મળશે. ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર 20 ઑગસ્ટે પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની જન્મજયંતિ નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં રાહુલ ગાંધી સાથે જોડાશે. કૉંગ્રેસે કહ્યું કે, બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સમાં એક રેલીનું આયોજન કરવામાં આવશે, જેમાં કૉંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને મહારાષ્ટ્રના AICC પ્રભારી રમેશ ચેન્નીથલા પણ હાજરી આપશે.

ચૂંટણી પહેલાં MVAમાં ટગ ઑફ વૉર શરૂ

કૉંગ્રેસે રાજીવ ગાંધીની જન્મજયંતિ નિમિત્તે તેમના જન્મસ્થળ મુંબઈમાં અનેક કાર્યક્રમોનું આયોજન કરવાનું નક્કી કર્યું છે. મહાવિકાસ અઘાડીમાં સમાવિષ્ટ કૉંગ્રેસ, NCP (SP) અને શિવસેના (UBT)એ આગામી મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી સાથે મળીને લડવાની જાહેરાત કરી છે. જોકે, તેમની વચ્ચે સીટોની વહેંચણી પર કોઈ સહમતિ સધાઈ નથી. MVA ઘટકો વચ્ચે 16 ઓગસ્ટે એક બેઠક યોજાઈ હતી, જેમાં શિવસેના (UBT) પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ એક મહત્વપૂર્ણ માંગણી કરી હતી. એવું કહેવામાં આવ્યું હતું કે ઓક્ટોબર-નવેમ્બરમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં દરેક ઘટકને કેટલી બેઠકો મળે છે તે જોવાને બદલે ગઠબંધને પોતાનો મુખ્ય પ્રધાનપદનો ચહેરો અગાઉથી જાહેર કરવો જોઈએ. આવી સ્થિતિમાં, એમવીએની અંદર એક પ્રકારની ખેંચતાણની વચ્ચે, અજિત પવાર સાથે કૉંગ્રેસના ધારાસભ્યનો દેખાવ ચિંતા પેદા કરે છે.

baba siddique ajit pawar congress nationalist congress party bandra mumbai news mumbai news