04 December, 2020 08:12 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
તસવીર સૌજન્યઃ મહેન્દ્ર મેઘાણીનું ફેસબુક પેજ
કલા અને સાંસ્કૃતિક નગરી ભાવનગરની આગવી ઓળખ સમા જયંત મેઘાણીનું નિધન થયું છે. સાહિત્યના પ્રચાર અને પ્રસાર થકી અનેક પેઢીઓને વાંચનનો શોખ જગાવનાર જયંત મેઘાણીના નિધનથી સાહિત્ય જગતમાં શોક વ્યાપી ગયો છે. જયંતી મેઘાણી ગુજરાતના પ્રસિદ્ધ સાહિત્યકાર ઝવેરચંદ મેઘાણીના પુત્ર છે.
કોમ્પ્યુટર પર કામ કરી રહ્યા હતા ત્યારે અંતિમ શ્વાસ લીધા હતા. જયંતભાઈની ઈચ્છા મુજબ તેમના પરિવાર દ્વારા દેહદાન કરવામાં આવ્યું છે. જયંતભાઈના અવસાનથી મેઘાણી પરિવારમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે.
જયંત મેઘાણીના નિધન પર રાજ્યના મુખ્ય પ્રધાને ટ્વીટ કરીને દુખ વ્યક્ત કર્યું છે.
પિતાના પગલે જયંત મેઘાણીએ પણ સાહિત્ય જગતમાં અદભૂત ચાહના મેળવી છે. જયંત મેઘાણી સપ્તપર્ણી, ધ સ્ટોરી ઓફ ગાંધી, અનુકૃતિ, રવિન્દ્ર-પુત્રવધુ જેવા અનેક પુસ્તકોના સર્જક છે. 82 વર્ષની જૈફ વયે તેમનું અવસાન થતાં તેઓની ઈચ્છા મુજબ દેહદાન કરવામાં આવ્યું હતું.
જયંત મેઘાણી એ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના બીજા નંબરના પુત્ર હતા. ‘પ્રસાર’ નામથી ભાવનગર ખાતે તેમણે ગુજરાતી પુસ્તકોના પ્રકાશન, વિતરણ અને વાચન માટે બેનમૂન સંસ્થા ચલાવી હતી. વાચકોની બબ્બે પેઢીને ઉત્તમ ગુજરાતી સાહિત્ય સુલભ બનાવનાર જયંતભાઈ પોતે ઉત્તમ કક્ષાના સર્જક અને અનુવાદક પણ હતા.
તેમણે સપ્તપર્ણી, ધ સ્ટોરી ઓફ ગાંધી, રવિન્દ્ર પુત્રવધુ અને અનુકૃતિ નામે પુસ્તકો આપ્યાં છે. છેલ્લી ઘડી સુધી સાહિત્ય સેવાને સમર્પિત રહ્યા હતા.