04 May, 2023 04:58 PM IST | Dehradoon | Gujarati Mid-day Online Correspondent
તસવીર સૌજન્ય ઈન્સ્ટાગ્રામ
સોશિયલ મીડિયા પર લાખો લોકો તેને ફૉલો કરતા હતા. તેને સુપર બાઈકનો શોખ હતો. 20 લાખની જમ્બો બાઈકથી જ્યારે તે નીકળતો તો અલગ જ સ્પીડ હતી. યુવાનો તેના વીડિયોઝના દીવાના હતા પણ દેહરાદૂનના 22 વર્ષના યૂટ્યૂબર અગસ્ત્ય ચૌહાણનું કાલે યમુના એક્સપ્રેસવે પર રોડ એક્સિડેન્ટમાં મોત નીપજ્યું. એક દિવસ પહેલા જ તેણે પોતાની યૂટ્યૂબ ચેનલ પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો. આ તેને છેલ્લે વીડિયો બની ગયો. આમાં તેણે જણાવ્યું હતું કે તે દેહરાદૂનથી દિલ્હી માટે નીકળી રહ્યો છે અને ચ્યાં પહોંચીને પોતાની બહેને આપેલી ભેટ ખોલશે. આ નવયુવાનનો વીડિયો જોઈ ફૉલોઅર્સ આજે ખૂબ જ દુઃખી છે. ટ્વિટર, ઈન્સ્ટાગ્રામ અને યૂટ્યૂબ પર દુઃખદ મેસેજિસ જોવા મળી રહ્યા છે. યૂટ્યૂબ પરના પોતાના છેલ્લા વીડિયોમાં અગસ્ત્ય કહે છે, "મિત્રો તમને ખબર છે મારી બહેન અત્યારે લંડનથી આવી છે. તે મારે માટે ભેટ લાવી હતી પણ 20 દિવસથી આમ જ પડ્યું છે. ત્યારથી અનબૉક્સ નથી કર્યું. આને પણ દિલ્હી જઈને અનબૉક્સ કરીશ." અને તે દિવસ આવ્યો જ નહીં.
અગસ્ત્યએ જણાવ્યું હતું કે પોતાની સુપરબાઈકને દિલ્હી પહોંચીને મોડિફાઈ કરાવશે. ઘણા સમયથી પ્લાન કરી રહ્યો હતો પણ મોકો જ ન મળ્યો. ઉત્તરાખંડની સીમા પાર કરતા યૂટ્યૂબરે બાઈકની સ્પીડ વધારી દીધી હતી. રસ્તામાં હાઈવે પર તે એકબીજા બાઈકરાઈડર સાથે રેસ પણ કરે છે. હેલમેટમાં લાગેલા કેમેરાથી યૂટ્યૂબર પોતાની વાતો ચાલુ રાખે છે. તે કહે છે કે આજે હું 300ની ઉપર જઈશ અને ખબર પડશે કે ZX બાઈક કેટલી સ્પીડ લઈ શકે છે. આની સાથે જ તે એક્સીલેટર વધારે છે.
279 પર પહોંચી સ્પીડ અને ઘટી અશુભ ઘટના
દેહરાદૂનથી દિલ્હીના રસ્તે બાઈકનો અવાજ વધે છે, હવાનો અવાજ પણ સાંભળી શકાય છે અને એક્સીલેટર વધતાની સાથે જ મીટરનો કાંટો 279 કિમી પ્રતિ કલાકની ઝડપે પહોંચી જાય છે. ત્યારે જ રસ્તામાં એક ટ્રક દેખાય છે અને બાઈકની સ્પીડ ધીમી પડે છે. અગસ્ત્ય બોલે છે, "અરે બાપ રે, મને નથી ખબર કેટલા સુધી ગયો. હવાનું દબાણ ખૂબ જ ખતરનાક છે ભાઈ. પાંચમાં ગિયરમાં હવાનો જે ધક્કો લાગે છે ભયંકર, જાણે કોઈ પાછળ ખેંચી રહ્યું છે. તમે લોકો વિશ્વાસ નહીં કરો, એવું લાગી રહ્યું છે જાણે કોઈ પાછળ ખેંચે છે. ZX 10R ઘોડો છે ભાઈ ઘોડો" નજીકમાંથી બીજી બાઈક પણ ઝડપી ગતિએ નીકળે છે.
આ પણ વાંચો : UP: STFના એન્કાઉન્ટરમાં માર્યો ગયો વધુ એક ગેંગસ્ટર: જામીન પર હતો બહાર, જાણો વિગત
જ્યારે અગસ્ત્ય દેહરાદૂનથી દિલ્હી માટે બાઈકથી નીકળ્યો હતો, રસ્તામાં ગાડીનું પેનલ તૂટી ગયું હતું. તેણે કહ્યું દિલ્હી પહોંચ્યો નથી અને ખર્ચો પહેલા થઈ ગયો... યૂટ્યૂબરે કહ્યું હતું કે ચેન ટટાઈટ કરાવી લઉં છું, જો ચેન તૂટી ગઈ તો આખી રાઈડ ખરાબ થઈ જશે. પણ ચેન ટાઈટ ન થઈ શકી અને થોડોક સમય બાદ સમાચાર આવ્યા કે યમુના એક્સપ્રેસવે પર બાઈકર્સ સાથે ફરવા નીકળેલા અગસ્ત્યનું રોડ અકસ્માતમાં મૃત્યુ થયું છે.