09 December, 2022 09:43 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર
જયપુર: રાજસ્થાનના કોટા જિલ્લામાં રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા દરમ્યાન ગઈ કાલે એક યુવકે આત્મવિલોપનની કોશિશ કરી હતી. સાથે જ આ યુવકે પોતાની જાતને રાહુલનો વિરોધી ગણાવ્યો હતો. પોલીસે તેની અટકાયત કરી છે. આ યુવકનું નામ કુલદીપ શર્મા જણાવવામાં આવ્યું છે, જે બુંદી જિલ્લાના નૈનવાનો નિવાસી છે.
આ ઘટનાના સમયે રાહુલ રાજીવ ગાંધીની પ્રતિમા પર ફૂલોનો હાર પહેરાવવા માટે આગળ વધી રહ્યા હતા ત્યારે જ મંચ પર આવેલા કુલદીપ શર્માએ પોતાની જાતને આગ લગાવવાની કોશિશ કરી હતી. જોકે તેની આસપાસના લોકોએ તરત જ આગને ઓલવી નાખી હતી.
આ ઘટના બાદ હંગામો મચી ગયો. રાહુલ મંચ તરફ નહોતા જઈ શક્યા. પોલીસે આ યુવકને કસ્ટડીમાં લીધો હતો અને તેની પૂછપરછ કરી હતી. કુલદીપ વિશ્વ હિન્દુ પરિષદનો ભૂતપૂર્વ કાર્યકર હતો. તે જાતે જ હિન્દુત્વની વિચારધારા સાથે જોડાઈને કામ કરી રહ્યો છે.