કોણ છે ૨૦ વર્ષનો અભિજ્ઞ આનંદ જેણે ત્રણ અઠવાડિયાં પહેલાં કરી હતી વિનાશક ધરતીકંપની ભવિષ્યવાણી?

30 March, 2025 08:40 AM IST  |  Karnataka | Gujarati Mid-day Correspondent

એક ટીવી-ચૅનલ સાથેની વાતચીતમાં અભિજ્ઞએ જણાવ્યું હતું કે આ માર્ગે જવા માટે મને ભગવાન કૃષ્ણએ ગાઇડ કર્યો છે

અભિજ્ઞ આનંદ

મ્યાનમાર અને થાઇલૅન્ડમાં શુક્રવારે આવેલા શક્તિશાળી ધરતીકંપની આગાહી ૨૦ વર્ષના અભિજ્ઞ આનંદે ત્રણ અઠવાડિયાં પહેલાં તેની યુટ્યુબ ચૅનલ પર કરી હતી એવો દાવો કરવામાં આવી રહ્યો છે. અભિજ્ઞ આનંદનો આ સંદર્ભમાં એક વિડિયો પહેલી માર્ચે અપલોડ કરવામાં આવ્યો છે જેમાં જણાવવામાં આવ્યું હતું કે આગામી થોડાં અઠવાડિયાંમાં કે વર્ષના મધ્યમાં ભીષણ ધરતીકંપથી તબાહી મચી જશે. તેણે ભવિષ્યવાણી સાથે કેટલીક જગ્યાઓના નકશા પણ બતાવ્યા હતા અને ધરતીકંપની તારીખો પણ આપી હતી.

અભિજ્ઞ આનંદ ૨૦ વર્ષનો છે અને છેલ્લાં ૧૧ વર્ષથી જ્યોતિષવિદ્યા ભણી રહ્યો છે. તે કર્ણાટકના મૈસૂરનો નિવાસી છે અને હાલમાં સૌથી નાની ઉંમરનો જ્યોતિષી છે. તેને માત્ર ૭ વર્ષની ઉંમરે ભગવદ્ગીતા કંઠસ્થ થઈ ગઈ હતી. તે નાનપણથી સંસ્કૃત શીખી રહ્યો છે અને આ માટે તેને તેની માતાએ પ્રેરિત કર્યો હતો. અભિજ્ઞ સંસ્કૃત અને જ્યોતિષ શીખ્યો છે એટલું જ નહીં, હાલમાં તે ૧૨૦૦ બાળકો અને ૧૫૦ રિસર્ચ-સ્ટુડન્ટ્સને તેની ઇન્સ્ટિટ્યૂટ પ્રજ્ઞા જ્યોતિષના માધ્યમથી ભણાવી રહ્યો છે. ૨૦૧૮માં એની સ્થાપના થઈ હતી. ૧૨ વર્ષની ઉંમરે તેણે વાસ્તુશાસ્ત્રમાં ગ્રૅજ્યુએશનની ડિગ્રી મેળવી લીધી હતી. અભિજ્ઞ હાલમાં એક યુટ્યુબ ચૅનલ ચલાવે છે જેમાં ઘણા વિડિયો અપલોડ કરે છે. આ વિડિયોમાં તેણે ઘણી ભવિષ્યવાણી કરી છે.

એક ટીવી-ચૅનલ સાથેની વાતચીતમાં અભિજ્ઞએ જણાવ્યું હતું કે આ માર્ગે જવા માટે મને ભગવાન કૃષ્ણએ ગાઇડ કર્યો છે. અભિજ્ઞની ચૅનલે દાવો કર્યો છે કે આ પહેલાં ઘણી ભવિષ્યવાણી કરવામાં આવી હતી જે સાચી પડી છે. ૨૦૨૦માં કોવિડ, ૨૦૨૨માં રશિયા-યુક્રેન યુદ્ધ, ૨૦૨૩માં હમાસ દ્વારા ઇઝરાયલ પર હુમલો, ૨૦૨૪માં બંગલાદેશમાં થનારા સત્તાપરિવર્તનની પણ તેણે આગાહી કરી હતી એ‍વો દાવો કરવામાં આવ્યો છે.

national news karnataka astrology myanmar thailand earthquake