30 August, 2024 04:14 PM IST | Amritsar | Gujarati Mid-day Correspondent
કંગના રનૌતે તેની ફિલ્મ ‘ઇમર્જન્સી’માં સિખ સમુદાયનું વાંધાજનક નિરૂપણ કર્યું છે એના વિરોધમાં ગઈ કાલે અમ્રિતસરમાં તેનું પૂતળું બાળવામાં આવ્યું હતું.
વિવાદિત સ્ટેટમેન્ટ કર્યા બાદ કંગનાએ BJPના પ્રમુખ જે. પી. નડ્ડાની મુલાકાત લીધી હતી અને તેમણે તેને ફરીથી આવી કમેન્ટ ન કરવા કહ્યું હતું. જોકે ત્યાર બાદ ગઈ કાલે ફરી પાછી કંગના પાર્ટીના પ્રમુખને મળવા ગઈ હતી.
થોડા દિવસ પહેલાં કંગના રનૌતે કિસાન આંદોલન સંદર્ભે એક વિવાદિત ટિપ્પણી કરી હતી અને એ માટે તેની પાર્ટી ભારતીય જનતા પાર્ટી (BJP)એ સત્તાવાર સ્પષ્ટતા કરવી પડી હતી. મંડીની સંસદસભ્ય કંગનાએ કહ્યું હતું કે ‘જો ભારતનું નેતૃત્વ મજબૂત હાથોમાં ન હોત તો કિસાન આંદોલને પણ આપણા દેશમાં બંગલાદેશના આંદોલન જેવું સ્વરૂપ લઈ લીધું હોત. આ આંદોલનમાં મૃતદેહો લટકતા જોવા મળ્યા હતા અને એ દરમ્યાન બળાત્કાર પણ થતા હતા.’
આમ તો આ મામલો BJPની સ્પષ્ટતા બાદ શાંત પડી ગયો હતો, પણ ગઈ કાલે કંગનાના બળાત્કારવાળા સ્ટેટમેન્ટ સંદર્ભે ભૂતપૂર્વ સંસદસભ્ય અને શિરોમણિ અકાલી દળ (અમ્રિતસર)ના નેતા સિમરનજિત સિંહે વિવાદિત ટિપ્પણી કરી હતી. કંગનાના સ્ટેટમેન્ટ વિશે પૂછવામાં આવતાં તેમણે કહ્યું હતું કે ‘તમે કંગના રનૌતને પૂછી શકો છો કે રેપ કેવી રીતે થાય છે? એને લીધે તે લોકોને સમજાવી શકાશે કે રેપ કેવી રીતે થાય છે? તેને આનો ઘણો અનુભવ છે.’