08 March, 2025 12:48 PM IST | Varanasi | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે બરસાનામાં રાધા રાની મંદિરમાં પૂજા-અર્ચના કરતા અને ભક્તો પર પુષ્પવર્ષા કરતા યોગી આદિત્યનાથ.
ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે ગઈ કાલે મથુરાના બરસાનામાં ‘રંગોત્સવ ૨૦૨૫’નો આરંભ કરાવ્યો હતો અને જણાવ્યું હતું કે અયોધ્યા અને પ્રયાગરાજમાં વિકાસકાર્યો કરવામાં આવ્યા બાદ હવે મથુરા અને વૃંદાવનનો વારો છે, આ ધાર્મિક સ્થળોના વિકાસ માટે રાજ્ય સરકાર કોઈ કસર નહીં છોડે.
આ સંદર્ભમાં મુખ્ય પ્રધાને સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પરની એક પોસ્ટમાં લખ્યું હતું કે આ વખતે અમે બજેટમાં એક ખાસ જોગવાઈ કરી છે; તમે ખાતરી કરી શકો છો, અમને આશીર્વાદ આપતા રહો; હવે ‘બ્રજભૂમિ’નો વારો છે.
આ કાર્યક્રમ દરમ્યાન મુખ્ય પ્રધાને ફૂલો અને લાડુમાર હોળીની ઉજવણીની સત્તાવાર શરૂઆત કરતાં પહેલાં શ્રી લાડલી મહારાજ મંદિરમાં પ્રાર્થના કરી હતી.
બ્રજભૂમિના આધ્યાત્મિક અને સાંસ્કૃતિક મહત્ત્વ પર પ્રકાશ પાડતાં યોગી આદિત્યનાથે કહ્યું હતું કે શ્રી રાધારાણી અને લીલાધારી ભગવાન કૃષ્ણ બ્રજભૂમિની દરેક ધૂળ અને કણમાં હાજર છે, જે છેલ્લાં ૫૦૦૦ વર્ષથી ભારતની શાશ્વત સંસ્કૃતિને નવી ઊર્જાથી ભરી રહી છે.
બરસાનામાં ‘રંગોત્સવ ૨૦૨૫’ની ભવ્ય ઉજવણી એ રંગો, આનંદ અને ભક્તિના તહેવાર હોળીની શરૂઆત છે. આ પ્રસંગે યોગી આદિત્યનાથે હોળીના પવિત્ર તહેવાર પર રાજ્ય અને દેશના તમામ લોકોને શુભકામના આપતાં ‘જય શ્રી રાધે’ કહ્યું હતું.
મુખ્ય પ્રધાને બ્રજભૂમિના દિવ્ય સારનું વર્ણન કરતાં કહ્યું હતું કે ‘બરસાના ભગવાન બ્રહ્માનું પ્રતીક છે, નંદગાંવ ભગવાન શિવશંકરનું પ્રતિનિધિત્વ કરે છે અને ગોવર્ધન ખુદ ભગવાન વિષ્ણુ પોતે છે. આ ત્રણેયનો સંગમ આપણી બ્રજભૂમિને પવિત્ર બનાવે છે.’