આજે ફરી સુપ્રીમ કોર્ટમાં હાજર થશે Baba Ramdev, ભ્રામક જાહેરાતો પતંજલિને પડી મોંઘી

02 April, 2024 10:47 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Baba Ramdev: ગત સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે પતંજલિના નિર્દેશોનું પાલન ન કરવા પર નારાજગી વ્યક્ત કરી હતી. પતંજલિને તેના ઉત્પાદનોની તમામ જાહેરાતો રોકવાનો પણ નિર્દેશ આપવામાં આવ્યો હતો

બાબા રામદેવ અને સુપ્રીમ કોર્ટની તસવીરનો કોલાજ

યોગ ગુરુ તરીકે જાણીતા થયેલા બાબા રામદેવ (Baba Ramdev) આજે સુપ્રીમ કોર્ટમાં હાજર થઈ શકે છે. તમને જણાવી દઈએ કે પતંજલિ આયુર્વેદ પર છેલ્લા કેટલાક સમયથી ભ્રામક જાહેરાતો આપવાના કેસમાં સુનાવણી ચાલી રહી છે. ગત સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે પતંજલિના નિર્દેશોનું પાલન ન કરવા પર નારાજગી  વ્યક્ત કરી હતી. આ જ કેસને અંતર્ગત સુપ્રીમ કોર્ટે બાબા રામદેવ (Baba Ramdev) અને કંપનીના એમડી બાલકૃષ્ણને આજે વ્યક્તિગત રીતે કોર્ટ સમક્ષ હાજર થવાનો આદેશ આપ્યો હતો.

પતંજલિ પાસેથી માફી પણ માંગવામાં આવી હતી 

તમને જણાવી દઈએ કે સુપ્રીમ કોર્ટની સલાહ બાદ પતંજલિ પાસેથી માફી ભ્રામક જાહેરાતોને અંગે માફી પણ માંગવામાં આવી હતી. માફી માંગતાં કંપનીએ કહ્યું હતું કે અમારો એકમાત્ર ઉદ્દેશ્ય દેશના નાગરિકોને અમારા ઉત્પાદનોનો ઉપયોગ કરીને સ્વસ્થ જીવન જીવવા માટે પ્રોત્સાહિત કરવાનો છે.

જ્યારે આ કેસની ફેબ્રુઆરીમાં સુનાવણી ચાલી રહી હતી ત્યારે સુપ્રીમ કોર્ટે પતંજલિને કોર્ટની નોટિસના જવાબો દાખલ કરવામાં નિષ્ફળતા બદલ ટકોર પણ કરી હતી. તેટલું જ નહીં કોર્ટને આપવામાં આવેલી બાંયધરીનું ઉલ્લંઘન કરવા બદલ તેમની સામે તિરસ્કારની કાર્યવાહી શા માટે શરૂ ન કરવી જોઈએ તેવું પણ કહેવામાં આવ્યું હતું.

જસ્ટિસ હિમા કોહલી અને અહસાનુદ્દીન અમાનુલ્લાની બેન્ચે રામદેવ (Baba Ramdev)ને કારણ બતાવવા માટે નોટિસ પણ જારી કરી હતી કે શા માટે તેમની સામે અવમાનનાની કાર્યવાહી શરૂ ન કરવી જોઈએ.

સુપ્રીમ કોર્ટે પતંજલિને તમામ ઉત્પાદનો માટેની જાહેરાતો પર રોક લગાવવાનો પણ કર્યો હતો નિર્દેશ 

તમને જણાવી દઈએ કે સુપ્રીમ કોર્ટ તરફથી પતંજલિને તેના ઉત્પાદનોની તમામ જાહેરાતો રોકવાનો પણ નિર્દેશ આપવામાં આવ્યો હતો. જેમાં તેણે ડ્રગ્સ એન્ડ મેજિક રેમેડીઝ (વાંધાજનક જાહેરાતો) એક્ટ, 1954માં ઉલ્લેખિત બિમારીઓ અને વિકારોની સારવાર કરવાનો દાવો કર્યો હતો. આમ તો ગયા વર્ષે જ નવેમ્બર મહિનામાં આ મામલાએ ચગવાની શરૂઆત કરી હતી. ઇન્ડિયન મેડિકલ એસોસિએશન તરફથી સુપ્રીમ કોર્ટમાં આ અંગે અરજી દાખલ કરવામાં આવી હતી. 

પતંજલિ તેની દવાઓ અંગે ખોટા દાવા કરી રહી હોવાનું જણાવાયું હતું અરજીમાં 

પતંજલિ તેની દવાઓ અંગે ખોટા દાવા કરી રહી હોવાનું તે અરજીમાં જણાવવામાં આવ્યું હતું. પતંજલિ જે જાહેરાતો ઈલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયામાં ચાલી રહી છે તેમાં તે ખોટા દાવા કરી રહી હોવાનું જણાવાયું હતું. આ જાહેરાતોમાં ક્યાંક એલોપેથીની દવા અને તેના ડોક્ટરોને હલકી ગુણવત્તાવાળા બતાવવામાં આવ્યા હતા. આવા અનેક ઉદાહરણો IMAએ સુપ્રીમ કોર્ટમાં જ્યારે અરજી કરી ત્યારે આપ્યા હતા.

નવેમ્બર 2023માં પણ સુપ્રીમ કોર્ટે પતંજલિ આયુર્વેદ (Baba Ramdev)ને આધુનિક દવા પ્રણાલી વિરુદ્ધ ભ્રામક દાવાઓ અને જાહેરાતો બંધ કરવા માટે જણાવ્યું જ હતું. ત્યારે પતંજલિએ કોર્ટને આવા કોઈપણ નિવેદનો અથવા અપ્રમાણિત દાવા કરશે નહીં તેવું કહ્યું હતું.

supreme court baba ramdev national news india