મંગળવારે એક જ દિવસમાં બૉમ્બની ૭૭ ધમકી

23 October, 2024 06:47 AM IST  |  Delhi | Gujarati Mid-day Correspondent

ઍરલાઇન્સની હાલત ખરાબ, સિસ્ટમ પર ભારે પ્રેશર : અત્યાર સુધી આવી ૧૯૧ ધમકી મળી છે

પ્રતીકાત્મક તસવીર

ભારતમાં છેલ્લા ૧૦-૧૨ દિવસથી વિમાનમાં બૉમ્બ મુકાયો છે એવી ધમકી મળી રહી હોવાથી એવિયેશન સેક્ટરને હાઈ અલર્ટ પર રાખવામાં આવ્યું છે ત્યારે ધમકીઓના બીજા દોરમાં ગઈ કાલે એકસાથે ૭૭ ફ્લાઇટ્સમાં બૉમ્બ મુકાયા હોવાની ધમકી મળી હતી અને એની સર્વિસ પર અસર પડી હતી. વિસ્તારા, ઍર ઇન્ડિયા, અકાસા ઍર અને ઇન્ડિગો ઍરલાઇન્સની સર્વિસને એનાથી સૌથી વધારે ફટકો પડ્યો હતો. આને પગલે પ્રશાસને દેશભરનાં ઍરપોર્ટ પર સુરક્ષા-વ્યવસ્થા સઘન કરી દીધી છે. પ્રવાસીઓનું સિક્યૉરિટી ચેકિંગ પણ ચીવટપૂર્વક થઈ રહ્યું છે. અત્યાર સુધી ૧૯૧ ફ્લાઇટ્સમાં બૉમ્બ મુકાયાની ધમકીઓ મળી છે.

ગઈ કાલે જે રીતે ધમકી મળી હતી એ વિશે માહિતી આપતાં બ્યુરો ઑફ સિવિલ એવિયેશન સિક્યૉરિટી (BCAS)ના અધિકારીએ જણાવ્યું હતું કે ‘ગઈ કાલે વહેલી સવારની ફ્લાઇટ્સ અને પછી સાંજની ધસારાના સમયની ફ્લાઇટ્સમાં બૉમ્બ મુકાયાની ધમકી મળી હતી. સવારે ૩૧ અને સાંજે ૪૬ મળીને કુલ ૭૭ ફ્લાઇટ્સને આવી ધમકી મળી હતી. દરરોજ મળતી ધમકીની સંખ્યા પણ વધી રહી છે. આને કારણે સિસ્ટમ પર તાણ પડી રહી છે. અમને ખબર છે કે ૯૯.૯૯ ટકા કેસમાં આ ધમકીઓ ખોટી પુરવાર થાય છે, પણ ૦.૦૧ ટકા કેસમાં ચાન્સ ન લઈ શકાય.’

વિમાનમાં બૉમ્બ મુકાયો છે એવી ધમકી મળ્યા બાદ શું થાય છે?

વિમાનમાં બૉમ્બ મુકાયો છે એવી ધમકી મળ્યા બાદ BCASના પ્રોટોકૉલ મુજબ સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યૉરિટી ફોર્સ (CISF)ને જાણ કરવામાં આવે છે. ત્યાર બાદ BCAS અને CISFની બનેલી બૉમ્બ થ્રેટ અસેસમેન્ટ કમિટી (BTAC) આ ધમકી કયા પ્રકારની છે એ મૂલવે છે. તેઓ નક્કી કરે છે કે આ ધમકી સ્પેસિફિક છે કે નૉન-સ્પેસિફિક છે.

તેમના આ અસેસમેન્ટ વખતે એ જોવામાં આવે છે કે આ ધમકી કેવી રીતે મળી છે : ઈ-મેઇલ, કૉલ કે મેસેજ દ્વારા? ત્યાર બાદ તેઓ ધમકીના ઉદ્ગમને શોધવાનો પ્રયાસ કરે છે. જો આ ધમકી નૉન-સ્પેસિફિક હોય તો વધુ તપાસની જરૂર રહેતી નથી. જો એ સ્પેસિફિક હોય તો તપાસ હાથ ધરવામાં આવે છે. ગ્રાઉન્ડેડ વિમાનોને ઍરપોર્ટના નિર્જન વિસ્તારમાં મોકલી દેવામાં આવે છે અને પ્રવાસીઓને નીચે ઉતારી લેવામાં આવે છે. જો વિમાન હવામાં હોય તો પાઇલટો ઍર ટ્રાફિક કન્ટ્રોલ (ATC) સાથે કો-ઑર્ડિનેટ કરે છે અને નજીકના ઍરપોર્ટ પર વિમાનને ઉતારે છે. વિમાનમાં બૉમ્બ ડિસ્પોઝલ સ્ક્વૉડ અને સ્નિફર ડૉગ્સ મોકલવામાં આવે છે જે વિમાનનું સઘન ચેકિંગ કરે છે, જેમાં પ્રવાસીઓનાં લગેજ અને કાર્ગોનો પણ સમાવેશ થાય છે. એને એક્સ-રે મશીનમાં ચેક પણ કરવામાં આવે છે. એક વાર વિમાનને સલામત જાહેર કરવામાં આવે એ પછી ઍર ઑપરેશન શરૂ કરવામાં આવે છે.

national news india vistara air india indigo Crime News