આટલા વર્ષોમાં પુરુષો થઈ જશે ધરતી પરથી વિલુપ્ત? જાણો શું છે આખો મામલો

03 September, 2024 04:33 PM IST  |  Mumbai | Manav Desai

સ્ત્રીઓમાં XX રંગસૂત્રો હોય છે અને પરુષોમાં XY રંગસૂત્રો હોય છે. પુરુષ પાસેથી મળતો Y રંગસૂત્ર આવનાર બાળકનું લિંગ નક્કી કરે છે. પણ તાજેતરમાં આવેલા એક અહેવાલ મુજબ પુરુષોમાં રહેલો આ Y રંગસૂત્ર હવે ધીમે ધીમે વિલુપ્ત થઈ રહ્યો છે.

y રંગસૂત્ર (ગુણસૂત્ર) માટે વાપરવામાં આવેલી પ્રતીકાત્મક તસવીર (મિડ જર્ની)

સ્ત્રી પુરુષ સમાનતા માટે ભલે સમાજ બે પક્ષમાં વિભાજિત થાય, પણ વિજ્ઞાન કુદરતના આ બે પરિબળોમાં જન્મથી જ તફાવત કરે છે. આ તફાવત શક્તિ, આવડત કે વિચારોથી નહીં પણ રંગસૂત્રોથી થાય છે. શાળા શિક્ષણ દરમ્યાન આપણે બધા જ આ રંગસૂત્રો અથવા Chromosome વિશે ભણ્યા હશું. સરળતાથી સમજવાનો પ્રયાસ કરીએ તો સ્ત્રીઓમાં XX રંગસૂત્રો હોય છે અને પરુષોમાં XY રંગસૂત્રો હોય છે. પુરુષ પાસેથી મળતો Y રંગસૂત્ર આવનાર બાળકનું લિંગ નક્કી કરે છે. પણ તાજેતરમાં આવેલા એક અહેવાલ મુજબ પુરુષોમાં રહેલો આ Y રંગસૂત્ર હવે ધીમે ધીમે વિલુપ્ત થઈ રહ્યો છે. (y chromosome disappearing)

Y રંગસૂત્રની ભૂમિકા અને તેનું મહત્વ 
મનુષ્યના દરેક કોષમાં 23 જોડી રંગસૂત્રો હોય છે. રંગસૂત્ર એ કોશિકાઓમાં જોવા મળતી થ્રેડ જેવી રચના છે અને તે જીવતંત્રની આનુવંશિક સામગ્રીથી બનેલી છે. 23મી રંગસૂત્ર જોડી બીજી બધી જોડીઓથી અલગ હોય છે અને બાળકની જાતિ નક્કી કરે છે. આ જાતિ નક્કી કરવામાં પુરુષો પાસેથી મળતું y રંગસૂત્ર એક મહત્ત્વનો ભાગ ભજવે છે. Y રંગસૂત્ર, X રંગસૂત્રના 900ની સરખામણીમાં માત્ર 55 genes સાથે ઘણું નાનું હોવા છતાં, ગર્ભ વિકાસને ટ્રિગર કરીને પુરૂષ જાતિ નક્કી કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. વિભાવના (Conception) પછી લગભગ 12 અઠવાડિયામાં, Y રંગસૂત્ર પરનો મુખ્ય gene, જેને SRY (લિંગ-નિર્ધારણ ક્ષેત્ર Y) તરીકે ઓળખવામાં આવે છે, તે પુરુષ પ્રજનન અંગોની રચના કરવાની શરૂઆત કરે છે.

Y રંગસૂત્રમાં ઘટાડાના મુખ્ય કારણો

મોટાભાગના સસ્તન પ્રાણીઓ સમાન X અને Y રંગસૂત્રનું માળખું ધરાવે છે. રસપ્રદ વાત એ છે કે, ઓસ્ટ્રેલિયાના પ્લેટિપસમાં સંપૂર્ણપણે અલગ જાતિના રંગસૂત્રો છે, જે પક્ષીઓની જેમ દેખાય છે. એટલે સસ્તન પ્રાણીઓના X અને Y રંગસૂત્રો એક સમયે સામાન્ય રંગસૂત્રો હતા. મનુષ્યો અને પ્લેટિપસ અલગ થયા ત્યારથી ૧૬૬ મિલિયન વર્ષોમાં, Y રંગસૂત્રે નોંધપાત્ર સંખ્યામાં પોતાના જીન્સ ગુમાવ્યા છે. એક સમયે ૯૦૦ જીન્સ ધરાવતા y રંગસૂત્રમાં હવે માત્ર ૫૫ જીન્સ બચ્યા છે. જો ઘટાડાનું આ વલણ ચાલુ રહ્યું, તો Y રંગસૂત્ર (y chromosome disappearing)આગામી ૧૧ મિલિયન વર્ષોમાં સંપૂર્ણપણે વિલુપ્ત થઈ શકે છે. દેશ અને દુનિયાના વૈજ્ઞાનિકોમાં રંગસૂત્રના ઘટાડાનો આ વિષય ગંભીર ચર્ચાનું કારણ બન્યો છે. ટેસ્ટ ટ્યુબ ટેક્નોલોજી વડે ભલે બાળકનો જન્મ કરવાની પદ્ધતિ આપણને આવડતી હોય, પણ પ્રજનન ક્રિયામાં સ્ત્રી અને પુરુષ બન્ને ઘટકોનું હોવું જરૂરી છે. 

તો શું હવે આપણને પુરુષો વગરની દુનિયા જોવા મળશે?
માનવ અને તેના અસ્તિત્વનો આધાર હવે બીજા માનવ સાથે નહીં પણ ઊંદરો સાથે સંકળાયેલો છે. હા, તમે સાચું વાંચ્યું. પૂર્વીય યુરોપના મોલ વોલ્સ અને જાપાનના કાંટાવાળા ઊંદરો-એ પહેલેથી જ તેમના y  રંગસૂત્ર ગુમાવી દીધા છે અને તેમ છતાં તેમણે ઉત્ક્રાંતિની દોડમાં પોતાનું સ્થાન ગુમાવ્યું નથી. Y રંગસૂત્ર ગુમાવ્યા બાદ પણ ઉંદરોનીઆ પ્રજાતિમાં વિકાસ અને પ્રજનન ક્રિયાઓ પહેલાંની જેમજ થતી જોવા મળી છે. આ પ્રજાતિઓમાં, X રંગસૂત્ર નર અને માદા બંનેમાં રહે છે, પરંતુ Y રંગસૂત્ર અને SRY જનીન (genes) અદૃશ્ય થઈ ગયા છે.

અજાતીય રીતે પ્રજનન કરી શકનારા જીવો સિવાય મનુષ્યો અને સસ્તન પ્રજાતિના જીવોને પ્રજનન માટે શુક્રાણુની જરૂર પડે છે. પુરુષ પાસેથી વીર્ય મળ્યા વગર બાળકનો જન્મ થવું શક્ય નથી. y રંગસૂત્રનું ઘટી જતું અસ્તિત્વ ચોક્કસ માનવજાતિનો અંત લાવી શકે છે પરંતુ વિજ્ઞાન અને ટેક્નોલોજીમાં થતી નવીન શોધો આપણાં માટે આશાની કિરણ સમાન છે. જેમ ઉંદરોંએ જીવન આગળ વધારવાનો માર્ગ શોધી કાઢ્યો છે તેમ માણસો પણ પોતાનો માર્ગ ચોક્કસ જ શોધી કાઢશે. ઉત્ક્રાંતિ કોઇની રાહ જોતી નથી. પાષાણ યુગથી આપણે જેમ આધુનિક યુગમાં આવ્યા એમ આ સમસ્યા પણ આધુનિકીકરણ સાથે પોતાનો ઉકેલ ગોતી લેશે. આવનારા વર્ષોમાં કદાચ મનુષ્યને મનુષ્યની જ એક નવી પ્રજાતિ જોવા મળે. 

national news international news world health organization health tips technology news