13 June, 2023 06:53 PM IST | Bhubaneswar | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર
ઓડિશાના ઢેનકનાલમાંથી સ્ટીમ લીકેજની ઘટના સામે આવી છે. આ અકસ્માત BFPP 2 પાવર પ્લાન્ટમાં થયો હોવાની માહિતી મળી રહી છે. આ અકસ્માતમાં પાવર પ્લાન્ટમાં કામ કરી રહેલા કેટલાક કર્મચારીઓ ગંભીર રીતે ઘાયલ થયા હોવાની માહિતી મળી રહી છે. આ સ્ટીમ લીકની દુર્ઘટના ટાટા સ્ટીલ પ્લાન્ટમાં બની છે.
ટાટા સ્ટીલ કંપનીએ જણાવ્યું હતું કે, “તેમણે અકસ્માત બાદ અસરગ્રસ્ત કર્મચારીઓના પરિવારજનોનો સંપર્ક સાધ્યો છે. કંપની દ્વારા તેમને તમામ શક્ય મદદ કરવામાં આવી રહી છે.” ઉલ્લેખનીય છે કે ટાટા સ્ટીલે આ અકસ્માત અંગે પોતાનું નિવેદન જાહેર કર્યું છે. નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, `ઓડિશાના ઢેનકનાલમાં ટાટા સ્ટીલ મેરામમંડલી વર્ક્સમાં સ્ટીમ નિકળવાને કારણે BFPP2 પાવર પ્લાન્ટમાં અકસ્માતના સમાચારથી અમને દુઃખ થયું છે. અકસ્માત આજે બપોરે 1.00 કલાકે થયો હતો. નિરીક્ષણ કાર્ય દરમિયાન એવું જાણવા મળ્યું છે કે સ્થળ પર કામ કરતા કેટલાક કર્મચારીઓને અકસ્માતની અસર થઈ છે. જેમને સારવાર માટે તાત્કાલિક ધોરણે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માત પછી તરત જ તમામ ઇમરજન્સી પ્રોટોકોલ સેવાઓ સક્રિય કરી દેવામાં આવી હતી અને ઘટના વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો હતો.
મળતી પ્રાથમિક માહિતી મુજબ આ સ્ટીમ લીકને કારણે લગભગ 19 લોકો દાઝી ગયા છે. ગંભીર રીતે ઘાયલ થયેલા કર્મચારીઓને તાત્કાલિક કટકની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. આ દુર્ઘટના સ્ટીમ લીકેજને કારણે થઈ હોવાની માહિતી મળી રહી છે. ઉલ્લેખનીય છે કે, જેમાં બ્લાસ્ટ ફર્નેસનું નિરીક્ષણ કરી રહેલા કામદારો અને એન્જિનિયરોને વધુ ઈજા થઈ હોવાના સમાચાર સામે આવી રહ્યા છે.
મળતી માહિતી અનુસાર TATA કંપની અસરગ્રસ્ત કર્મચારીઓના પરિવારોને તમામ જરૂરી સહાય પૂરી પાડી રહી છે. કંપની વતી એવું કહેવામાં આવ્યું હતું કે અમે ગ્રાઉન્ડ લેવલ પર સંબંધિત અધિકારીઓ સાથે બનતા તમામ પ્રયત્નો કરી રહ્યા છીએ. કંપનીએ અકસ્માતનું કારણ જાણવા માટે આંતરિક તપાસ પણ શરૂ કરી દીધી છે. ઉપરાંત કંપનીએ જણાવ્યું હતું કે, ‘સુરક્ષા અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે.’
આ પણ વાંચો: ભારત જ નહીં, ચીન અને પાકિસ્તાનમાં પણ અનુભવાયા આંચકા, જાણો ભૂકંપ વખતે શું કરવું..
આ સ્ટીમ લીક અંગે ઢેનકનાલ એસપી જ્ઞાનરંજન મહાપાત્રાએ આ ઘટનામાં લગભગ 19 લોકો ઘાયલ થયા હોવાનું જણાવ્યું હતું.
કટકની અશ્વિની હૉસ્પિટલના ડૉક્ટર ડૉ. સુબ્રત જેનાએ જણાવ્યું હતું કે, “ઢેનકનાલના ટાટા સ્ટીલના મેરામમંડલી પ્લાન્ટમાંથી કુલ 19 દર્દીઓને અહીં ખસેડવામાં આવ્યા હતા. તે બધા દાઝી ગયા હતા. ઉપરાંત 19 દર્દીઓમાંથી 2 દર્દીઓને ફ્રેક્ચર પણ થયું છે. જેમાંથી 6 લોકો 40 ટકા કરતા વધુ દાઝી ગયા છે. એક દર્દી 70 ટકાથી વધુ દાઝી ગયો છે. તેની સારવાર ICUમાં ચાલી રહી છે.