નરેન્દ્ર મોદીની સુરક્ષામાં તહેનાત મહિલા કમાન્ડોની તસવીર વાઇરલ

29 November, 2024 02:21 PM IST  |  Delhi | Gujarati Mid-day Correspondent

વડા પ્રધાનના પ્રોટેક્શન માટેના સ્પેશ્યલ પ્રોટેક્શન ગ્રુપમાં કુલ ૧૦૦ મહિલા કમાન્ડો

વાયરલ તસવીર

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પાછળ સ્પેશ્યલ પ્રોટેક્શન ગ્રુપ (SPG)ની મહિલા કમાન્ડો ચાલી રહી હોય એવી તસવીર હાલમાં વાઇરલ થઈ રહી છે; પણ સૂત્રોએ જણાવ્યું હતું કે આ કંઈ પહેલી વાર નથી, વડા પ્રધાનની સુરક્ષામાં મહિલા SPG કમાન્ડો પહેલેથી જ તહેનાત છે. ૨૦૧૫ બાદ વડા પ્રધાનની ક્લોઝ પ્રોટેક્શન ટીમ (CPT)માં મહિલા SPG કમાન્ડોને તહેનાત કરવામાં આવી છે. SPGમાં કુલ ૧૦૦ મહિલા કમાન્ડો છે અને તેમને વિશેષ જવાબદારી સોંપવામાં આવે છે.

આ મુદ્દે મળતી જાણકારી મુજબ મહિલા SPG કમાન્ડોને શરૂઆતમાં ઍડ્વાન્સ ડિપ્લૉયમેન્ટ માટે તહેનાત કરવામાં આવતી હતી. હાલમાં જે તસવીર વાઇરલ થઈ છે એ સંસદભવનની અંદરની છે અને સંસદભવનની અંદર મહિલા SPG કમાન્ડોને તહેનાત કરવામાં આવી છે. આ મહિલા SPG કમાન્ડો સંસદભવનમાં પહેલેથી જ વડા પ્રધાનની સુરક્ષાને લઈને આવતા-જતા દરેક પર નજર રાખે છે અને વડા પ્રધાનને મળવા આવતી કોઈ પણ મહિલા ગેસ્ટનું ગેટ પર ફ્રિસ્કિંગ કરે છે. તેઓ એની સાથે વડા પ્રધાનની ઑફિસ સુધી પહોંચે છે. એટલું જ નહીં, વડા પ્રધાન જ્યારે વિદેશપ્રવાસ પર જાય છે ત્યારે મહિલા કમાન્ડોને પણ તેમની સાથે મોકલવામાં આવે છે. ત્યાં તેઓ ઍડ્વાન્સ સિક્યૉરિટી લાયેઝન માટે કામ કરે છે. તેઓ સુરક્ષાને લઈને તમામ બાબતોનું ધ્યાન પણ રાખે છે.

૧૯૮૫માં SPGની સ્થાપના કરવામાં આવી હતી. એના પર વડા પ્રધાન અને તેમના પરિવારજનોની સુરક્ષાની જવાબદારી સોંપવામાં આવી છે. દુનિયામાં SPGના કમાન્ડોને સૌથી વધુ પ્રશિક્ષિત અને સશક્ત સુરક્ષારક્ષકોમાં એક માનવામાં આવે છે.

ભારત કી શાન, નારીશક્તિ કી પહચાન
કેન્દ્રીય પ્રધાન રવનીત બિટ્ટુએ સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર આ તસવીર પોસ્ટ કરીને લખ્યું હતું કે ‘ભારત કી શાન, નારીશક્તિ કી પહચાન. SPG ડ્યુટીમાં તહેનાત આપણી સાહસી મહિલા સુરક્ષા-અધિકારી દેશની સેવા અને સુરક્ષામાં નવો માપદંડ સ્થાપિત કરે છે. વડા પ્રધાન મોદીના નેતૃત્વમાં નારીશક્તિ દરેક ક્ષેત્રમાં અગ્રણી ભૂમિકા ભજવી રહી છે. આ નવું ભારત છે જ્યાં મહિલાઓ આત્મનિર્ભરતા અને તાકાતની મિસાલ બની રહી છે.’

national news india social media indian government