ટ્રાવેલ્સ બસની માફક હવે ઇન્ડિગોમાં પણ `લેડીઝ` સીટનો વિકલ્પ

29 May, 2024 01:15 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

Women Seat In Indigo: ઇન્ડિગોમાં સફર કરતી મહિલાઓ માટે સારા સમાચાર, તમારે કોની બાજુમાં બેસવું છે જાતે જ નક્કી કરી શકશો

પ્રતીકાત્મક તસવીર

ભારત (India) ની સૌથી મોટી અને લોકપ્રિય લો-કોસ્ટ એરલાઇન, ઇન્ડિગો એરલાઇન્સ (IndiGo Airlines) એ મહિલા મુસાફરો માટે સારા સમાચાર આપ્યા છે. એરલાઇન્સે ઘોષણા કરી છે કે, તે મહિલા મુસાફરોને અન્ય મહિલા મુસાફરોની બાજુમાં બેઠકો પસંદ કરવાની સુવિધા (Women Seat In Indigo) આપશે. મહિલાઓની મુસાફરીને વધુ આરામદાયક બનાવવા માટે એરલાઇન દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. ફ્લાઇટ્સમાં વારંવાર બનતા અણબનાવોને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવાયો હોવાનું જણાય છે.

ઇન્ડિગોએ મહિલા મુસાફરો માટે એક વિશેષ સુવિધાની ઘોષણા કરી છે. હવે, ઇન્ડિગોની ફ્લાઇટમાં બુકિંગ કરાવનાર મહિલાઓ વેબ ચેક-ઇન સમયે જોઈ શકશે કે કઈ બેઠકો મહિલાઓ દ્વારા પહેલેથી બુક કરાઈ છે. તે પછી, તે પોતાની બેઠક કોઈ મહિલા પેસેન્જરની બાજુમાં પસંદ કરી શકશે.

ઇન્ડિગો એરલાઇન્સનું કહેવું છે કે, આ સુવિધા મહિલા મુસાફરો માટે મુસાફરીના અનુભવને વધુ આરામદાયક બનાવવાના ઉદ્દેશ્યથી શરૂ કરવામાં આવી છે. આવા નિર્ણય લેતા પહેલા સંશોધન પણ કરવામાં આવ્યું છે.

એક નિવેદનમાં ઇન્ડિગો એરલાઇન્સે જણાવ્યું છે કે, આ સુવિધા માત્ર ને માત્ર મહિલા મુસાફરોને મળશે, જે વેબ ચેક-ઇન કરશે. આ સુવિધા ખાસ કરીને મહિલા મુસાફરો માટે જ તૈયાર કરવામાં આવી છે, ભલે તે એકલી મુસાફરી કરી રહી હોય અથવા તો તે પરિવાર સાથે બુકિંગ કરી રહી હોય.

આ સુવિધાના અંતર્ગત, જ્યારે કોઈ મહિલા વેબ ચેક-ઇન કરતી વખતે બેઠક પસંદ કરે છે, ત્યારે તેમને તે બેઠકો દેખાડશે, જે મહિલા મુસાફરો દ્વારા પહેલેથી જ બુક કરાઈ છે. આ પ્રકારી સુવિધા પાછળનો તર્ક એ છે કે મહિલા મુસાફરો, ખાસ કરીને જો તેઓ એકલી મુસાફરી કરી રહી હોય, તો સુરક્ષા કારણોસર તેઓ અન્ય મહિલાની બાજુમાં બેઠક બુક કરી શકે.

નોંધનીય છે કે, ગયા વર્ષે એર ઇન્ડિયા (Air India) ની ફ્લાઇટમાં એક પુરુષ મુસાફરે વૃદ્ધ મહિલા પેસેન્જર પર મૂત્ર વિસર્જન કર્યું હતું. જેને કારણે મહિલાની પરિસ્થિતિ કફોડી બની હતી. આ ઘટના ખૂબ ચર્ચામાં રહી હતી અને તેની જાણકારી ઘણી મોડી જાહેર થઈ હતી. છેલ્લા થોડાક સમયમાં ફ્લાઇટમાં અનેક ર્દુઘટનાઓ બની છે. તેથી મહિલા મુસાફરોની સલામતી અંગે સવાલો ઉભા થયા હતા.

મહિલા મુસાફરોની સલામતી અને સુખદ પ્રવાસને ધ્યાનમાં રાખીને ઇન્ડિગો દ્વારા મહિલા મુસાફરોની સીટનો મહત્વનો નિર્ણય લેવાયો છે. ઇન્ડિગો એરલાઇન્સના આ નિર્ણયને લોકો દ્વારા વધાવવામાં આવ્યો છે. સોશ્યલ મીડિયા (Social Media) પર લોકો ઇન્ડિગો એરલાઇન્સ અને તેના આ પગલાંના વખાણ કરી રહ્યાં છે. વધુ એક સારા નિર્ણયથી ભારતની સૌથી મોટી અને લોકપ્રિય લો-કોસ્ટ એરલાઇન ઇન્ડિગો એરલાઇન્સ વધુ મજબુત બનવાની આશા છે.

indigo india national news