બેંગ્લોરની કંપાવનારી ઘટના: માતાને જ ઉતારી મોતને ઘાટ, મૃતદેહને સૂટકેસમાં ભર્યો

13 June, 2023 02:56 PM IST  |  Bengaluru | Gujarati Mid-day Online Correspondent

સોમવારે 39 વર્ષીય ફિઝિયોથેરાપિસ્ટ મહિલાએ સૌ પ્રથમ પોતાની માતાની હત્યા કરી હતી. હત્યા બાદ મહિલા બપોરે સુમારે એક વાગ્યે મૃતદેહને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી

પ્રતીકાત્મક તસવીર

બેંગ્લોર(Baglaluru)માંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે. જ્યાં એક મહિલાએ તેની માતાની હત્યા કરી નાખી છે. એટલું જ નહિ પણ મહિલા હત્યા કર્યા બાદ મૃતદેહને સૂટકેસમાં ભરીને પોલીસ સ્ટેશને પહોંચી હતી. સૂટકેસમાં મૃતદેહ જોઈને પોલીસકર્મીઓ પણ દંગ રહી ગયા હતા.

આ કિસ્સો કર્ણાટક(Karnataka)ની રાજધાની બેંગ્લોરમાંથી સામે આવ્યો છે. સોમવારે 39 વર્ષીય ફિઝિયોથેરાપિસ્ટ મહિલાએ સૌ પ્રથમ પોતાની માતાની હત્યા કરી હતી. હત્યા બાદ મહિલા બપોરે સુમારે એક વાગ્યે મૃતદેહને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. જ્યાં તેણે પોતે પોતાનો ગુનો કબૂલ્યો હોવાનું જાણવા મળ્યું છે. સરેન્ડર કર્યા બાદ પોલીસે તેની ધરપકડ કરી લીધી હતી. મહિલાએ જણાવ્યું કે તે તેના પતિ સાથે રહે છે અને તેણે માતાને ઊંઘની ગોળીઓ આપીને હત્યા કરી હતી.

તે લાશને ટ્રોલી બેગમાં ભરીને પોલીસ સ્ટેશન પહોંચી હતી. સૂટકેસમાં મૃતદેહ જોઈને પોલીસકર્મીઓ પણ ઉભા થઈ ગયા હતા. મળતી માહિતી મુજબ આ ઘટના બેંગ્લોરના એક રહેણાંક એપાર્ટમેન્ટમાં બની છે. આરોપી મહિલાની ઓળખ સેનાલી સેન તરીકે આપવામાં આવી છે.

પોલીસને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે સેન અને તેની માતા વચ્ચે કોઈ વાતને લઈને ઝઘડો થયો હતો. પરંતુ આ નજીવી બાબતે થોડી જ વારમાં ખૂબ જ ભયાનક સ્વરૂપ લઈ લીધું હતું. પરિસ્થિતિ એટલી હદ સુધી વધી ગઈ હતી કે ગુસ્સામાં આવીને મહિલા ફિઝિયોથેરાપિસ્ટે પોતાની જનેતાની જ હત્યા કરી નાખી હતી. ઉલ્લેખનીય છે કે, પોલીસના જણાવ્યા મુજબ મહિલા ફિઝિયોથેરાપિસ્ટે પોતાના ગુનાની કબૂલાત કરી લીધી છે. તેણે જણાવ્યું હતું કે, “તેની માતા અને તેની વચ્ચે અવારનવાર ઝઘડો થતો હતો.”

પોલીસ દ્વારા પોલીસ સ્ટેશન પહોંચેલી મહિલાની ધરપકડ કરી લેવામાં આવી છે. મહિલા વિરુદ્ધ આઈપીસી કલમ 302 અને અન્ય કલમો હેઠળ કેસ નોંધીને આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. પોલીસ તરફથી સતત આ ઘટના પાછળ અન્ય કોઈ કારણ છે કે કેમ તે પણ જાણવાનો પ્રયાસ થઈ રહ્યો છે. મહિલા તેના શબ્દો દ્વારા પોલીસને ફસાવવાનો પ્રયાસ કરી રહી છે કે કેમ તે અંગે પણ પોલિસ તપાસ કરી રહી છે.

આ પણ વાંચો: પાંચ વર્ષ પહેલાંનો કમકમાટીભર્યો કેસ: આંતરડાં કાઢી નાંખનારને આજીવન કેદની સજા

મહિલા મૃતદેહ ભરીને પોલીસ સ્ટેશન પહોંચી હતી. એ સૂટકેસનો વીડિયો પણ સામે આવ્યો છે. પોલીસને પૂછપરછ દરમ્યાન જાણવા મળ્યું છે કે આરોપી મહિલા પશ્ચિમ બંગાળની રહેવાસી છે અને હાલમાં તેની માતા સાથે બેંગલુરુમાં એક ફ્લેટમાં રહેતી હતી. મળેલી માહિતી મુજબ આરોપી મહિલા પરિણીત છે અને ઘટના સમયે તેનો પતિ ઘરે હાજર નહોતો. આ ઘટના બની ત્યારે મહિલાની સાસુ પણ ત્યાં હાજર હોવાનું પણ સામે આવ્યું છે. સેને એક રૂમની અંદર આ ઘટનાને અંજામ આપ્યો હોવાથી તેમને આ ઘટનાની જાણ પણ થઈ ન હતી એમ તેઓનું કહેવું હતું. 

karnataka bengaluru murder case national news india