26 November, 2024 09:46 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
વડા પ્રધાન નરેન્દ્ર મોદી
સંસદના શિયાળુ અધિવેશનનો ગઈ કાલે આરંભ થયો હતો અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે લોકસભામાં આવ્યા ત્યારે સત્તાધારી બેન્ચના સંસદસભ્યોએ ‘મોદી, મોદી’ અને ‘એક હૈં તો સેફ હૈં’ના સૂત્રોચ્ચારથી તેમનું સ્વાગત કર્યું હતું. બે હાથ જોડીને વડા પ્રધાન નરેન્દ્ર મોદી લોકસભામાં પ્રવેશ્યા હતા અને તેમના સ્થાન પર જઈને બેઠા હતા. તેમણે સૌનું અભિવાદન ઝીલ્યું હતું. શનિવારે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીનું પરિણામ જાહેર થયું હતું અને એમાં પ્રચાર વખતે વડા પ્રધાન મોદીએ ‘એક હૈં તો સેફ હૈં’ સૂત્ર આપ્યું હતું. આ નારાના પ્રભાવથી મહારાષ્ટ્રમાં BJP પ્રણિત મહાયુતિને ભવ્ય વિજય મળ્યો હતો અને વિરોધ પક્ષોનો સફાયો થયો હતો.
બંગલાદેશમાં હિન્દુઓ પર થયેલા અત્યાચારના પગલે ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે ‘બટેંગે તો કટેંગે’નો નારો આપ્યો હતો અને એનું સૉફ્ટ વર્ઝન વડા પ્રધાન મોદીએ ‘એક હૈં તો સેફ હૈં’ આપ્યું હતું.
સંસદના અધિવેશન પૂર્વે નરેન્દ્ર મોદીએ કૉન્ગ્રેસ પર પ્રહાર કરતાં કહ્યું હતું કે ‘જે નેતાઓને લોકો વારંવાર નકારી કાઢે છે તેઓ સંસદમાં ચર્ચા થવા દેતા નથી. તેઓ ગુંડાગીરી કરીને સંસદ પર કન્ટ્રોલ મેળવવા માગે છે. દેશના લોકો આ બધું જુએ છે અને જ્યારે સમય આવે છે ત્યારે તેમને સજા કરે છે.’
૨૦ ડિસેમ્બર સુધી ચાલનારા શિયાળુ અધિવેશનમાં વક્ફ ઍક્ટ (સંશોધન) બિલ સહિત અનેક મહત્ત્વના ખરડા રજૂ થવાના છે.
અદાણી કેસ અને સંભલની હિંસાના મુદ્દે વિપક્ષોના વિરોધ વચ્ચે સંસદની કાર્યવાહી બુધવાર સુધી સ્થગિત
સંસદના શિયાળુ અધિવેશનનો ગઈ કાલે આરંભ થયો હતો, પણ વિરોધ પક્ષોએ અનેક મુદ્દે જોરદાર વિરોધ નોંધાવતાં હંગામો થયો હતો અને પરિણામે લોકસભાની કાર્યવાહી કંઈ પણ કામકાજ વિના સ્થગિત કરી દેવામાં આવી હતી. બપોરે પણ જેવી કાર્યવાહી શરૂ થઈ કે ફરી વિપક્ષોએ ઉત્તર પ્રદેશના સંભલમાં હિંસાના વિરોધમાં સૂત્રોચ્ચાર કર્યો હતો અને અમેરિકાની અદાલતમાં ઉદ્યોગપતિ ગૌતમ અદાણી સામે લગાવવામાં આવેલા લાંચના આરોપોના મુદ્દે તપાસની માગણી કરી હતી. ફરી હંગામો થતાં સ્પીકરે કાર્યવાહી બુધવાર સુધી સ્થગિત કરી દીધી હતી. બીજી તરફ રાજ્યસભામાં પણ હંગામો થતાં કાર્યવાહી બુધવાર સુધી સ્થગિત કરવામાં આવી હતી.
બંધારણસભામાં બંધારણને અપનાવવાની ૭૫મી ઍનિવર્સરી નિમિત્તે આજે સંસદના બંધારણ હૉલમાં વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હોવાથી સંસદની કાર્યવાહી આજે થવાની નથી.