19 December, 2022 11:18 AM IST | Bhopal | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : મિડ-ડે ગુજરાતી)
ભોપાલ : ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં શાનદાર જીતથી ચોક્કસ જ બીજેપીમાં ઉત્સાહનો માહોલ છવાઈ ગયો હતો. જોકે હવે મધ્ય પ્રદેશમાં બીજેપીના કેટલાક વિધાનસભ્યો અને નેતાઓને એના લીધે ડર લાગી રહ્યો છે. તેમને ભય છે કે ગુજરાતની ફૉર્મ્યુલાનો મધ્ય પ્રદેશમાં પણ અમલ કરવામાં આવશે. નોંધપાત્ર છે કે ગુજરાતમાં ગયા વર્ષે સમગ્ર કૅબિનેટને રિપ્લેસ કરવામાં આવી હતી અને અનેક વિધાનસભ્યોને ટિકિટ આપવામાં નહોતી આવી.
મધ્ય પ્રદેશમાં આ મુદ્દે શાસક બીજેપીમાંથી જુદા-જુદા અભિપ્રાય વ્યક્ત કરવામાં આવી રહ્યા છે. સિનિયર લીડર્સ સહિત પાર્ટીના અનેક વિધાનસભ્યોને આ રાજ્યમાં સત્તાવિરોધી લહેરની અસરો દૂર કરવા માટે ગુજરાતની ફૉર્મ્યુલાને રિપીટ થવાની ચિંતા છે. અહીં આવતા વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે.
બીજેપી લગભગ બે દશકથી મધ્ય પ્રદેશમાં સત્તા પર છે. મધ્ય પ્રદેશના એક સિનિયર લીડરે નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે ‘આપણે ખેતી માટે જમીન તૈયાર કરવા માટે એને ખેડવાની જરૂર પડે છે અને નવાં બીજ રોપતાં પહેલાં ખરાબ મૂળિયાંને કાઢી નાખવા પડે છે. જેને આપણે અત્યારની રાજકીય વ્યવસ્થામાં ગુજરાત-ફૉર્મ્યુલા કહી શકીએ છીએ.’
બીજેપીના રાષ્ટ્રીય મહાસચિવ કૈલાસ વિજયવર્ગીયને એના વિશે પૂછવામાં આવતાં તેમણે ગુજરાત-ફૉર્મ્યુલા વિશે ખાસ જણાવ્યા વિના કહ્યું હતું કે ‘એનો મધ્ય પ્રદેશમાં જ નહીં, પરંતુ સમગ્ર દેશમાં અમલ કરવામાં આવશે. ગુજરાત આદર્શ રાજ્ય બન્યું છે. સાતમી વખત ચૂંટણીમાં જીત મેળવ્યા બાદ પણ બીજેપીની તરફેણમાં વોટશૅર વધ્યો છે. આઝાદી પછી પહેલી વખત કોઈ રાજ્યમાં એમ બન્યું છે.’
વિજયવર્ગીયે વધુમાં કહ્યું હતું કે પશ્ચિમ બંગાળમાં કમ્યુનિસ્ટ્સે સૌથી લાંબા સમય ૪ વર્ષ સુધી શાસન કર્યું હતું, પરંતુ દર ચૂંટણીની સાથે તેમના મતોની ટકાવારીમાં ઘટાડો થતો રહ્યો હતો.