અમૃતપાલ કરશે આત્મસમર્પણ? પંજાબમાં તમામ પોલીસ-કર્મચારીઓની રજા કૅન્સલ

08 April, 2023 10:37 AM IST  |  Punjab | Gujarati Mid-day Correspondent

ખાલિસ્તાન સમર્થક અને ભાગેડુ અમૃતપાલ સિંહ દ્વારા આત્મસમર્પણની ચર્ચા વચ્ચે ગઈ કાલે ભગવંત માન સરકારે એક મોટો નિર્ણય લીધો છે.

અમૃતપાલ સિંહ

પંજાબ : ખાલિસ્તાન સમર્થક અને ભાગેડુ અમૃતપાલ સિંહ દ્વારા આત્મસમર્પણની ચર્ચા વચ્ચે ગઈ કાલે ભગવંત માન સરકારે એક મોટો નિર્ણય લીધો છે. પંજાબ સરકારે બૈસાખીનો તહેવાર હોવા છતાં પ્રદેશ પોલીસની તમામ રજા રદ કરી છે અને પંજાબ પોલીસને અલર્ટ મોડ પર રહેવા કહ્યું છે. 
ભગવંત માન સરકારે ૧૪ એપ્રિલ સુધી પંજાબના પોલીસ-કર્મચારીઓની રજા રદ કરી છે. કટ્ટરપંથી સિખ ઉપદેશક અમૃતપાલ સિંહે ગયા મહિનાના અંતમાં સિખ નેતાઓને મળવાની માગણી કરી હતી. પંજાબમાં બૈસાખી ઉત્સવના એક અઠવાડિયા પહેલાં શ્રી અકાલ તખ્ત સાહિબ પાસે સિખ મુદ્દાઓ પર ચર્ચા કરવા ‘સરબત ખાલસા’ યોજવાની માગણી કરી પંજાબ પોલીસને ચોંકાવી દીધી હતી. ત્યાર બાદથી પંજાબ પોલીસ અલર્ટ મોડ પર છે. અમૃતપાલ સિંહે અપીલ કર્યા બાદ ગુરુવારે છઠ્ઠી એપ્રિલે અકાલ તખ્તના લીડર જ્ઞાની હરપ્રીત સિંહે બૈસાખી મનાવવા માટે તખ્ત દમદમા સાહેબમાં ત્રણ દિવસીય વાર્ષિક સમાગમની ઘોષણા કરી હતી. આ પહેલાં સરબત ખાલસા સભાનું આયોજન ૨૦૧૫ અને ૧૯૮૬માં થયું હતું. 
હકીકતમાં ‘વારિસ પંજાબ દે’ના પ્રમુખ અમૃતપાલ સિંહ ૧૮ માર્ચથી ફરાર છે અને પંજાબ પોલીસ એ દિવસથી જ તેની તલાશ કરી રહી છે. દરમ્યાન અમૃતપાલ સિંહે છુપાયાના બે વિડિયો અને એક ઑડિયો-ક્લિપ બહાર પાડ્યાં હતાં. દરમ્યાન અમૃતપાલ સિંહ બૈસાખી પહેલાં આત્મસમર્પણ કરે એવા સમાચાર ફરી રહ્યા છે.

national news punjab