09 October, 2024 09:26 AM IST | Haryana | Gujarati Mid-day Correspondent
હરિયાણાના મુખ્ય પ્રધાન નાયબ સિંહ સૈની અને તેમનાં પત્ની સુમન સૈનીને તિલક કરી પોંખવામાં આવ્યાં હતાં.
એક્ઝિટ પોલનાં તારણોને ખોટાં પાડીને હરિયાણામાં BJPની હૅટ-ટ્રિક : મતગણતરી વખતે કૉન્ગ્રેસે શરૂઆતમાં લીડ મેળવી, પણ પછી હાંફી ગઈ : ત્રીજી વાર સત્તા મેળવવા છતાં BJPના ચાર પ્રધાન પરાજિત : BJPને ૪૮, કૉન્ગ્રેસને ૩૭, INLDને બે અને અપક્ષને ત્રણ બેઠક મળી : AAPનું ખાતું પણ ન ખૂલ્યું
હરિયાણા વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (BJP)એ સતત ત્રીજી વાર સત્તા મળવીને હૅટ-ટ્રિક કરી છે. એક્ઝિટ પોલના લગભગ તમામ વરતારા કૉન્ગ્રેસની જીત દર્શાવતા હતા, પણ મુખ્ય પ્રધાન નાયબ સિંહ સૈનીની સરકારે સત્તામાં વાપસી કરી છે. BJPને ૪૮ બેઠક મળી છે, કૉન્ગ્રેસને ૩૭, ઇન્ડિયન નૅશનલ લોક દળ (INLD)ને બે અને અપક્ષોને ત્રણ બેઠક મળી છે. આમ આદમી પાર્ટી (AAP)નું હરિયાણામાં ખાતું પણ ખૂલ્યું નથી અને લગભગ તમામ બેઠક પર તેમના ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત થઈ છે. સવારે આઠ વાગ્યે મતગણતરી શરૂ થયા બાદ શરૂના કલાકોમાં કૉન્ગ્રેસને લીડ મળતી હોવાનું અને એ સત્તામાં આવશે એવું ચિત્ર દેખાતું હતું, પણ જેમ મતગણતરીના રાઉન્ડ આગળ વધતા ગયા એમ BJPની લીડ વધવા લાગી હતી અને બપોરે એક વાગ્યા સુધીમાં ચિત્ર સ્પષ્ટ થયું હતું કે BJP એકતરફી જીત તરફ આગળ વધી ગઈ છે. હરિયાણામાં BJP એક દશકાથી સત્તામાં છે અને આ વર્ષે ઍન્ટિ-ઇન્કમ્બન્સીને કારણે એની હાર થશે એવું માનવામાં આવતું હતું, પણ એણે સત્તામાં વાપસી કરી છે. કૉન્ગ્રેસના ભૂપિન્દર સિંહ હૂડા જીત્યા છે, જ્યારે INLDના નેતા અભય સિંહ ચૌટાલા હારી ગયા છે. પરાજિતોમાં વિધાનસભાના સ્પીકર અને BJPના ઉમેદવાર જ્ઞાન ચંદ ગુપ્તા, હરિયાણા લોકહિત પાર્ટીના ગોપાલ કાંડા અને BJPના ઓ. પી. ધનખડનો સમાવેશ છે.
દુષ્યંત ચૌટાલાની પાર્ટીનો કારમો પરાજય
૨૦૧૯માં દસ બેઠક મેળવીને સત્તામાં ભાગીદાર રહેલી દુષ્યંત ચૌટાલાની જનનાયક જનતા પાર્ટી (JJP)નાં સૂપડાં સાફ થઈ ગયાં છે. તેમને એક પણ બેઠક પર જીત મળી નથી.
મુખ્ય પ્રધાનપદે નાયબ સિંહ સૈની જ રહેશે
હરિયાણામાં જીતના હીરો રહેલા નાયબ સિંહ સૈનીને જ ફરી મુખ્ય પ્રધાન બનાવવામાં આવશે. BJPએ ચૂંટણી પહેલાં જ સ્પષ્ટ કહ્યું હતું કે જીત બાદ તેઓ જ મુખ્ય પ્રધાનપદે રહેવાના છે. તેઓ અધર બૅકવર્ડ ક્લાસમાંથી આવે છે અને હરિયાણામાં હંમેશાં જાટ નેતા જ મુખ્ય પ્રધાનપદે રહેતા હોય છે. સૈનીની પસંદગી ચૂંટણીના ૨૦૦ દિવસ પહેલાં મુખ્ય પ્રધાનપદે કરવામાં આવી હતી. તત્કાલીન મુખ્ય પ્રધાન મનોહર લાલ ખટ્ટરને લોકસભાની ચૂંટણીમાં ઊભા રાખવામાં આવ્યા હતા અને તેઓ હાલ કેન્દ્રીય પ્રધાન છે. સૈનીએ ટૂંકા સમયગાળામાં પણ રાજ્યમાં વેપારીઓ, યુવાનો અને પછાત વર્ગોને ઉપયોગી થાય એવી અનેક સ્કીમો લાગુ કરી હતી અને ખટ્ટર સરકાર સામેની ઍન્ટિ-ઇન્કમ્બન્સીને દૂર કરવામાં એ કારણભૂત ઠરી હતી. જાટ પ્રભાવ ધરાવતી ૩૩માંથી ૧૭ બેઠક પર BJPને વિજય મળ્યો છે. કૉન્ગ્રેસને માત્ર ૧૪ બેઠક મળી છે.
હરિયાણામાં AAPને એક પણ બેઠક નહીં : ડોડામાં ખાતું ખૂલ્યું : અરવિંદ કેજરીવાલે શું શીખ મેળવી?
AAPના કન્વીનર અરવિંદ કેજરીવાલના હોમ-સ્ટેટ હરિયાણામાં તેમની પાર્ટીને એક પણ બેઠક મળી નથી, એનાથી પાર્ટીના સમર્થકોમાં આઘાત ફેલાયો છે. અહીં તો કેજરીવાલે ૮૯ બેઠક પર ઉમેદવાર ઉતાર્યા હતા અને સરકાર બનાવવાનો દાવો કર્યો હતો. બીજી તરફ જમ્મુ અને કાશ્મીરના ડોડામાં તેમના ઉમેદવાર મેહરાજ મલિકને વિજય મળતાં પણ આશ્ચર્ય ફેલાયું છે. ડોડામાં મલિકની જીત એટલા માટે પણ મહત્ત્વની છે કારણ કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ડોડામાં જ જાહેર સભાને સંબોધીને ચૂંટણીપ્રચારનો આરંભ કર્યો હતો.
હરિયાણામાં પરિણામ જાહેર થયા બાદ દિલ્હીમાં અરવિંદ કેજરીવાલે પાર્ટીના નગરસેવકોને સંબોધતાં કહ્યું હતું કે ‘હરિયાણાનાં પરિણામોથી એક શીખ મળી છે કે કોઈએ પણ ઓવરકૉન્ફિડન્ટ રહેવું જોઈએ નહીં. ચૂંટણીનાં પરિણામ ધાર્યાં કરતાં વિપરીત આવી શકે છે. કોઈ પણ ચૂંટણીને હળવાશથી લેવી જોઈએ નહીં. દરેક ચૂંટણી અને દરેક બેઠકમાં વિજય મેળવવો મુશ્કેલ રહેતો
હોય છે.’
ડોડામાં મલિકે BJPના ઉમેદવાર ગજય સિંહ રાણાને ૪૫૩૮ અને નૅશનલ કૉન્ફરન્સના ઉમેદવાર ખાલિદ નજીબ સુહારવર્દીને ૯૮૯૪ મતથી પરાજિત કર્યા છે. મલિકે ૨૦૨૦ના ડિસેમ્બરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં વિજય સાથે સક્રિય રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. ૨૦૧૪માં આ બેઠક પર BJPના શક્તિ રાજની જીત થઈ હતી. આ બેઠક પર ૧૯૬૨થી કૉન્ગ્રેસ અને નૅશનલ કૉન્ગ્રેસના ઉમેદવારો વારાફરતી વિજયી થતા રહ્યા છે.
હિસારમાં સાવિત્રી જિન્દલની જીત : BJPના કમલ ગુપ્તાને હરાવ્યા
હિસાર વિધાનસભા બેઠક પર ભારતનાં સૌથી શ્રીમંત મહિલા અને ઉદ્યોગપતિ ૭૪ વર્ષનાં સાવિત્રી જિન્દલે વિજય મેળવ્યો છે. તેમણે BJPના ઉમેદવાર અને શહેરી વિકાસપ્રધાન કમલ ગુપ્તાને ૧૮,૯૪૧ મતથી હરાવ્યા છે. કૉન્ગ્રેસના રામનિવાસ રારા ત્રીજા સ્થાને ફેંકાયા હતા. સાવિત્રી જિન્દલ આ બેઠક પર ૨૦૦૫ અને ૨૦૦૯માં કૉન્ગ્રેસની ટિકિટ પર ચૂંટાઈ આવ્યાં હતાં. જીત બાદ તેમણે સોશ્યલ મીડિયા પર આભાર હિસાર પરિવાર લખીને લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો. કમલ ગુપ્તા ૨૦૧૪ અને ૨૦૧૯માં આ બેઠક પર ચૂંટાઈ આવ્યા હતા, પણ હરિયાણાના શહેરી વિકાસપ્રધાન જીતની હૅટ-ટ્રિક કરી શક્યા નહોતા.
કૉન્ગ્રેસના પરાજયનાં પાંચ કારણ
કૉન્ગ્રેસના પરાજયનાં પાંચ કારણોમાં આંતરિક જૂથબાજી અને જાટ મતદારોની નારાજી મુખ્ય છે. આંતરિક જૂથબાજી : ૨૦૧૯માં કૉન્ગ્રેસને ૩૧ બેઠક મળી હતી અને આ વખતે સત્તામાં વાપસી કરવાનો મોકો હતો, પણ ભૂપિન્દર સિંહ હૂડા અને કુમારી સેલજાની વચ્ચે આંતરિક ખટપટ અને જૂથબાજીને કારણે કોઈ સર્વમાન્ય ચહેરો મતદારોને દેખાયો નહીં. સત્તા હાથમાં આવી નહોતી એ પહેલાં મુખ્ય પ્રધાન કોણ બનશે એની આંતરિક લડાઈ શરૂ થઈ હતી. કૉન્ગ્રેસ મોવડીમંડળે હૂડાને છૂટો દોર આપ્યો હતો, પણ એ ભારે પડ્યો. એણે આંતરિક જૂથબાજીનો ઉકેલ લાવવા પ્રયાસ કરવા જરૂરી હતા.
અપક્ષોએ બાજી બગાડી : કૉન્ગ્રેસનો વોટ-શૅર વધ્યો છે, પણ એ જીતમાં પરિણમ્યો નથી. અપક્ષો અને લોકલ પાર્ટીના ઉમેદવારોએ તેમની જીત મુશ્કેલ બનાવી હતી. આવા ઉમેદવારોએ ઍન્ટિ-ઇન્કમ્બન્સી વોટ કાપ્યા હતા, જેનો BJPને ફાયદો થયો હતો.
જાટવિરોધી મત : કૉન્ગ્રેસે જાટનેતા ભૂપિન્દર સિંહ હૂડાને મેદાનમાં ઉતાર્યા હતા, પણ એને કારણે BJPને નૉન-જાટ મતદારોનું સમર્થન મળ્યું હતું.
BJPનું ગ્રાઉન્ડવર્ક : BJPનો આ ચૂંટણીમાં પરાજય થશે એવી આગાહી કરવામાં આવી હતી, પણ પાર્ટીએ ખૂબ જ છૂપી રીતે ગ્રાઉન્ડવર્ક કર્યું હતું અને કેન્દ્રીય પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનને આ કામગીરી સોંપવામાં આવી હતી.
શહેરોમાં BJPનો પ્રભાવ : શહેરી મતદારોમાં BJPનો ખાસ્સો પ્રભાવ જોવા મળે છે અને ફરી એક વાર એ સાબિત થયું છે. ગુરુગ્રામ, ફરીદાબાદ અને બલ્લભગઢમાં એ સ્પષ્ટ થયું છે. કૉન્ગ્રેસ ગ્રામીણ વિસ્તારોમાં પણ એનો પ્રભાવ જમાવી શકી નથી.
કૉન્ગ્રેસે ધીમી મતગણતરી સામે ઉઠાવ્યા સવાલ, ચૂંટણીપંચે કહ્યું કે આરોપો બદઇરાદાવાળા
કૉન્ગ્રેસે હરિયાણામાં ધીમી મતગણતરી સામે સવાલ ઉઠાવીને કહ્યું હતું કે આ ચુકાદો સ્વીકારી શકાય એમ નથી. કૉન્ગ્રેસના નેતા જયરામ રમેશે સોશ્યલ મીડિયામાં ધીમી મતગણતરી સામે સવાલ ઉઠાવ્યા હતા. જોકે સામા પક્ષે ચૂંટણીપંચે કહ્યું હતું કે ‘મતગણતરી પચીસ રાઉન્ડમાં થાય છે અને દરેક રાઉન્ડના અંતે દર પાંચ મિનિટે આંકડા અપડેટ કરવામાં આવે છે. જયરામ રમેશે જે સવાલો ઉઠાવ્યા છે એ ચૂંટણીપંચની વિશ્વાસહર્તા સામે છે. આ બદઇરાદાપૂર્વક લગાવેલા આરોપો છે.’
સાંજે પાંચ વાગ્યે પત્રકાર-પરિષદમાં જયરામ રમેશે કહ્યું હતું કે ‘હરિયાણાની ચૂંટણીનું પરિણામ અણધાર્યું છે. એ હકીકતથી પર છે. હરિયાણામાં લોકો બદલાવ ચાહતા હતા, અમે આ પરિણામ સ્વીકારી શકીએ એમ નથી. પરિણામો સાથે ચેડાં કરવામાં આવ્યાં હોય એમ લાગી રહ્યું છે. અમારી પાસેથી જીત છીનવી લેવામાં આવી છે એવું અમને લાગી રહ્યું છે.’
વિનેશ ફોગાટની જીત : કહ્યું, સત્યનો વિજય થયો
કૉન્ગ્રેસની કુસ્તીબાજ ઉમેદવાર ૩૦ વર્ષની વિનેશ ફોગાટે જુલાના બેઠક પર વિજય મેળવ્યો છે. તેણે BJPના ઉમેદવાર યોગેશ કુમાર બૈરાગીને ૬૦૧૫ મતથી હરાવ્યા છે. વિનેશ ફોગાટ સામે ભૂતપૂર્વ આર્મી-ઑફિસર યોગેશ કુમાર બૈરાગી ઉપરાંત AAPનાં કવિતા દલાલ હતાં, તેઓ પણ પ્રોફેશનલ રેસલર રહી ચૂક્યાં છે. આ જીત બાદ વિનેશે કહ્યું હતું કે ‘સત્યનો વિજય થયો છે. હવે હું નવી ઇનિંગ્સની શરૂઆત કરું છું. હું ઇચ્છું છું કે ખેલાડીઓને એ બધી બાબતોનો સામનો ન કરવો પડે જેવો મારે કરવો પડ્યો છે. મારી જીત માટે હું કૉન્ગ્રેસનો પણ આભાર માનું છું.’