20 October, 2022 09:43 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય : આઇસ્ટૉક)
કેદારનાથ મંદિરથી ગુપ્તકાશી જતું પ્રાઇવેટ કંપની આર્યન એવિયેશનનું હેલિકૉપ્ટર મંગળવારે ગાઢ ધુમ્મસ વચ્ચે તૂટી પડ્યું હતું. કેદારનાથમાં હેલિકૉપ્ટરની દુર્ઘટનાઓ અવારનવાર થાય છે. જોકે, સમસ્યા એ છે કે ઑથોરિટી દ્વારા આ હેલિકૉપ્ટર્સને ઑપરેટ કરતી કંપનીઓ માટે ઍડ્વાઇઝરી ઇશ્યુ કરાય છે, ઑડિટ કરાય છે અને દંડ પણ કરાય છે. આમ છતાં અકસ્માતો અટકતા નથી.
ડિસ્ટ્રિક્ટ ડિઝૅસ્ટર મૅનેજમેન્ટ ઑફિસર નંદન સિંહે કહ્યું હતું કે આર્યન એવિયેશન અને કેદારનાથ યાત્રા રૂટ્સ પર હેલિકૉપ્ટર્સની સવારીને ઑપરેટ કરતી અન્ય ચાર કંપનીઓને કેટલાક નિયમોના ભંગ બદલ ડિરેક્ટરેટ જનરલ ઑફ સિવિલ એવિયેશને તાજેતરમાં જ પાંચ લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. વારંવાર દુર્ઘટના છતાં પણ આ કંપનીઓની કામગીરીમાં કોઈ બદલાવ આવ્યો નથી. એક્સપર્ટ્સ કેદારનાથ પ્રદેશમાં રિક્ષાની જેમ ઉપયોગમાં લેવાતાં હેલિકૉપ્ટર્સથી વનસ્પતિસૃષ્ટિ અને પ્રાણીસૃષ્ટિને જોખમનો મુદ્દો પણ ઉઠાવી રહ્યા છે.
પાઇલટે ગયા મહિને પર્વતીય પ્રદેશમાં હેલિકૉપ્ટર ઉડાડવાનું શરૂ કર્યું હતું
ઉત્તરાખંડમાં મંગળવારે સાત જણની જિંદગી છીનવી લેતા હેલિકૉપ્ટર ક્રૅશ બાદ હકીકત બહાર આવી છે કે ક્રૅશમાં મૃત્યુ પામનારા પાઇલટ કૅપ્ટન અનિલ સિંહ ઑફશૉર પાઇલટ હતા. તેઓ બૉમ્બે હાઈમાં મલ્ટિ-એન્જિન ડૌફિન એન-૩ ઍરક્રાફ્ટ ઉડાવતા હતા. સપ્ટેમ્બરમાં આર્યન એવિયેશનમાં જોડાઈને તેમણે સિંગલ એન્જિન બેલ૪૦૭ ઉડાવવાનું શરૂ કર્યું હતું.