11 January, 2023 11:12 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)
મૉસ્કો-ગોવા ચાર્ટર્ડ ફ્લાઇટમાં બૉમ્બનો ખતરો હોવાની જાણકારી મળી ત્યારે પ્લેન તુર્કમેનિસ્તાન પરથી પસાર થઈ રહ્યું હતું, પરંતુ જામનગરમાં ઍર ફોર્સનો બેઝ આવી ઇમર્જન્સી સ્થિતિનો સામનો કરવા માટે સજ્જ હોવાના કારણે તમામ એજન્સીઓએ સંકલન સાધીને પ્લેનને જામનગરમાં ઇમર્જન્સી લૅન્ડિંગ કરાવવાનો નિર્ણય લીધો
નવી દિલ્હી : બૉમ્બ હોવાની ધમકી અને એના પગલે ખૂબ જ ચેકિંગ બાદ આખરે મૉસ્કો-ગોવા ચાર્ટર્ડ ફ્લાઇટે ગઈ કાલે બપોરે ગોવા માટે ઉડાન ભરી હતી. બૉમ્બ હોવાના ખતરાને જોતાં સોમવારે રાત્રે આ ફ્લાઇટને ગુજરાતના જામનગરમાં ડાઇવર્ટ કરવામાં આવી હતી. એણે જામનગરના ડિફેન્સ ઍરપોર્ટ પર લૅન્ડ કર્યું હતું. જામનગરના કલેક્ટરે જણાવ્યું હતું કે મૉસ્કો-ગોવા ચાર્ટર્ડ ફ્લાઇટમાં બૉમ્બ હોવાની ધમકી વાસ્તવમાં અફવા જ હતી.
સૌપ્રથમ જ્યારે બૉમ્બના ખતરાની માહિતી મળી હતી ત્યારે આ પ્લેન તુર્કમેનિસ્તાન પરથી પસાર થઈ રહ્યું હતું. જોકે તુર્કમેનિસ્તાનમાં આ સ્થિતિને હૅન્ડલ કરી શકાશે એવો વિશ્વાસ નહોતો. એના કારણે એને જામનગરમાં ડાઇવર્ટ કરવામાં આવ્યું હતું, કેમ કે જામનગરમાં ઍર ફોર્સનો બેઝ આવી ઇમર્જન્સી સ્થિતિનો સામનો કરવા માટે સજ્જ છે.
જામનગરના કલેક્ટર સૌરભ પારધીએ જણાવ્યું હતું કે નૅશનલ સિક્યૉરિટી ગાર્ડ, પોલીસ અને બૉમ્બ ડિસ્પોઝલ સ્ક્વૉડની ટીમો દ્વારા આ પ્લેનમાં તપાસ કરવામાં આવી હતી. જોકે કંઈ પણ શંકાસ્પદ મળ્યું નહોતું.
જામનગરના કલેક્ટરે જણાવ્યું હતું કે ‘એનએસજી, પોલીસ અને બૉમ્બ ડિસ્પોઝલ સ્ક્વૉડની ટીમોએ સર્ચ ઑપરેશન કર્યું હતું. પૅસેન્જરોનાં હૅન્ડ બૅગેજ અને ચેક-ઇન બૅગેજ પણ ચેક કરવામાં આવ્યાં હતાં. એ એક અફવા જ હતી.’
જામનગરના પોલીસ સુપરિન્ટેન્ડન્ટ પ્રેમસુખ દેલુએ કહ્યું હતું કે ‘રાત્રે નવ વાગ્યાની આસપાસ ડિસ્ટ્રિક્ટ કન્ટ્રોલને ઍર ટ્રાફિક કન્ટ્રોલ તરફથી એક કૉલ આવ્યો હતો, જેના પછી ડિસ્ટ્રિક્ટ પોલીસ અને બૉમ્બ ડિસ્પોઝલ સ્ક્વૉડની ટીમ ઍરપોર્ટ પર પહોંચી હતી અને રાહત ઑપરેશન શરૂ કર્યું હતું. એ ફ્લાઇટમાં ૨૩૬ પૅસેન્જર અને આઠ ક્રૂ મેમ્બર્સ હતા. તમામ પૅસેન્જર્સ અને ક્રૂ મેમ્બર્સને પ્લેનમાંથી ઉતારીને સુરિક્ષત સ્થળે લઈ જવાયા બાદ તપાસ કરવામાં આવી હતી.’
તેમણે વધુમાં જણાવ્યું હતું કે સોમવારે રાત્રે ૯.૫૦ વાગ્યાની આસપાસ આ ફ્લાઇટ લૅન્ડ થઈ હતી અને ગઈ કાલે સવારે નવ વાગ્યા સુધી સર્ચ ઑપરેશન ચાલતું રહ્યું હતું.
Gujarati News, National News
ગુજરાતી સમાચાર, રાષ્ટ્રીય સમાચાર
ગોવા ઍર ટ્રાફિક કન્ટ્રોલને મળેલી એક ઈ-મેઇલમાં દાવો કરવામાં આવ્યો હતો કે આ ઇન્ટરનૅશનલ ફ્લાઇટમાં બૉમ્બનો ખતરો છે.
આ બૉમ્બના સંભવિત ખતરા વિશે ઇન્ડિયન ઑથોરિટીઝે રશિયન એમ્બેસીને જાણ કરી હતી. રશિયન એમ્બેસીએ એક સ્ટેટમેન્ટમાં જણાવ્યું હતું કે ‘મૉસ્કોથી ગોવા જઈ રહેલી અઝુર ઍરની ફ્લાઇટમાં બૉમ્બના કથિત ખતરા વિશે ઇન્ડિયન ઑથોરિટીઝે એમ્બેસીને અલર્ટ કરી હતી. આ ઍરક્રાફ્ટનું જામનગરમાં ઇન્ડિયન ઍર ફોર્સના બેઝ ખાતે ઇમર્જન્સી લૅન્ડિંગ કરવામાં આવ્યું હતું.’