26 June, 2024 08:10 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent
અરવિંદ કેજરીવાલ
દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલને કથિત શરાબ-કૌભાંડમાં નિયમિત જામીન આપતા ટ્રાયલ કોર્ટના આદેશ પરના પોતાના વચગાળાના સ્ટેને દિલ્હી હાઈ કોર્ટે યથાવત્ રાખતાં તેમને જેલમાં જ રહેવું પડશે. કોર્ટે કેજરીવાલને કોઈ પણ જાતની રાહત આપવાનો ઇનકાર કરી દીધો હતો અને કહ્યું હતું કે દિલ્હીની રાઉઝ ઍવન્યુ કોર્ટે (ટ્રાયલ કોર્ટે) જામીન આપતી વખતે કોઈ જાતનો વિચાર કર્યો નહોતો.
દિલ્હી હાઈ કોર્ટે ધ્યાન દોર્યું હતું કે ‘આ ચુકાદામાં ઘણી ભૂલો છે. પ્રોસિક્યુશનને દલીલ કરવા માટે પૂરતો સમય અપાયો નહોતો અને પ્રિવેન્શન ઑફ મની લૉન્ડરિંગ ઍક્ટ (PMLA)માં જામીન આપવા માટેની શરતોની યોગ્ય ચર્ચા કરવામાં આવી નહોતી, જ્યારે આ કાયદા હેઠળ જ કેજરીવાલ પર આરોપો મૂકવામાં આવ્યા છે.’
ટ્રાયલ કોર્ટે કેજરીવાલને ૨૦ જૂને જામીન આપ્યા હતા એટલે ૨૧ જૂને EDએ આ જામીનને દિલ્હી હાઈ કોર્ટમાં પડકાર્યા હતા. બીજી તરફ કેજરીવાલે સુપ્રીમ કોર્ટમાં આ મુદ્દે અરજી કરતાં સુપ્રીમ કોર્ટે કેજરીવાલને દિલ્હી હાઈ કોર્ટના ચુકાદાનો ઇન્તેજાર કરવાનું કહ્યું હતું. આજે આ કેસમાં સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થવાની છે.