પદ્‍‍મશ્રી મેળવનારા કર્ણાટકના આ સોશ્યલ વર્કરને વધુ આગળ વધવા સહાનુભૂતિ નહીં, તક જોઈએ છે

10 May, 2024 08:56 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તેઓ મેકૅનિકલ એન્જિનિયર છે અને પૅરાલિમ્પિક્સમાં ગોલ્ડ મેડલ પણ જીત્યા છે.

કર્ણાટકના શારીરિક અક્ષમ સોશ્યલ વર્કર કે. એસ. રાજન્ના

ગઈ કાલે યોજાયેલા પદ્‍‍મ અવૉર્ડ‍‍્સની સેરેમનીમાં કર્ણાટકના શારીરિક અક્ષમ સોશ્યલ વર્કર કે. એસ. રાજન્નાને પદ્‍‍મશ્રી અવૉર્ડ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે એનાયત કરવામાં આવ્યો હતો. પોતાના નામની જાહેરાત થતાં જ તેઓ પહેલાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા અને તેમનો આભાર માન્યો હતો. ત્યાર બાદ અમિત શાહને મળીને રાષ્ટ્રપતિના હસ્તે આ અવૉર્ડ સ્વીકાર્યો હતો.

૬૪ વર્ષના કે. એસ. રાજન્ના ૧૧ વર્ષના હતા ત્યારે તેમણે પોલિયોને લીધે બન્ને હાથ અને પગ ગુમાવ્યા હતા, પણ આ ઘટનાએ તેમનો જુસ્સો ઓછો નહોતો કર્યો. અથાગ પરિશ્રમ કરીને ભણ્યા બાદ તેઓ ૨૦૧૬માં કર્ણાટકમાં કૉન્ગ્રેસની સરકારમાં દિવ્યાંગો માટેના કમિશનર બન્યા હતા. તેઓ મેકૅનિકલ એન્જિનિયર છે અને પૅરાલિમ્પિક્સમાં ગોલ્ડ મેડલ પણ જીત્યા છે. સૌથી નોંધનીય વાત એ છે કે તેમની પોતાની એક કંપની છે જેમાં તેમણે ૫૦૦ શારીરિક અક્ષમોને કામ આપ્યું છે. અવૉર્ડની જાહેરાત થયા બાદ તેમણે કહ્યું હતું કે ‘આપણા દેશમાં શારીરિક અક્ષમો માટે પૉલિટિકલ રિઝર્વેશન નથી. હું આશા રાખું છું કે મારો આ અવૉર્ડ રાજ્ય અને કેન્દ્ર સરકારને વિધાનપરિષદ અને રાજ્યસભામાં શારીરિક અક્ષમોને પ્રતિનિધિત્વ આપવા પ્રેરણા આપશે. અમને સહાનુભૂતિ નહીં, તક જોઈએ છે.’

national news narendra modi padma shri new delhi