કોણ છે અરવિંદ કેજરીવાલની જગ્યાએ દિલ્હીનાં યંગેસ્ટ મુખ્ય પ્રધાન બનનારાં આતિશી માર્લેના સિંહ?

19 September, 2024 01:21 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

શનિવારે મુખ્ય પ્રધાનપદના શપથ લે એવી શક્યતા, લેફ્ટનન્ટ ગવર્નરને રાષ્ટ્રપતિની મંજૂરીનો ઇન્તેજાર છે

આતિશી માર્લેના સિંહ

૨૦૧૩માં AAPમાં જોડાયાં, ૨૦૧૯માં લોકસભાની ચૂંટણીમાં ગૌતમ ગંભીર સામે હાર્યાં, ૨૦૨૦માં વિધાનસભ્ય બન્યાં, ૨૦૨૩માં પ્રધાન બન્યાં અને ૨૦૨૪માં મુખ્ય પ્રધાન બનશેઃ શનિવારે મુખ્ય પ્રધાનપદના શપથ લે એવી શક્યતા, લેફ્ટનન્ટ ગવર્નરને રાષ્ટ્રપતિની મંજૂરીનો ઇન્તેજાર છે

આમ આદમી પાર્ટી (AAP)નાં નેતા અને વિધાયક દળનાં નેતા આતિશી ૨૧ સપ્ટેમ્બરે દિલ્હીના નવા મુખ્ય પ્રધાનપદના શપથ લે એવી શક્યતા છે. લેફ્ટનન્ટ ગવર્નર વી. કે. સક્સેનાએ શપથવિધિ સમારોહની જાણકારી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મોકલી છે. તેમની મંજૂરી બાદ શપથગ્રહણ સમારોહ યોજાશે. મંગળવારે સાંજે અરવિંદ કેજરીવાલે દિલ્હીના મુખ્ય પ્રધાનપદેથી રાજીનામું આપી દીધું હતું. ત્યાર બાદ આતિશીએ નવી સરકાર રચવાનો દાવો રજૂ કર્યો હતો.

ત્રીજાં મહિલા મુખ્ય પ્રધાન

મંગળવારે દિલ્હીમાં AAPની વિધાયક દળની બેઠકમાં અરવિંદ કેજરીવાલના સ્થાને ૪૩ વર્ષનાં આતિશી માર્લેના સિંહને વિધાયક દળનાં નવાં નેતા તરીકે પસંદ કરવામાં આવ્યાં હતાં અને આમ તેઓ હવે દિલ્હીનાં મુખ્ય પ્રધાન બનશે. સુષ્મા સ્વરાજ અને શીલા દીક્ષિત બાદ તેઓ દિલ્હીનાં ત્રીજાં મહિલા મુખ્ય પ્રધાન બનશે.

કેજરીવાલનાં ભરોસાપાત્ર સાથી

આતિશી AAPના શરૂઆતના દિવસોથી અરવિંદ કેજરીવાલનાં સૌથી ભરોસાપાત્ર સાથી છે. દિલ્હી કૅબિનેટમાં પણ તેઓ સૌથી વધારે ખાતાં સાથે શક્તિશાળી મિનિસ્ટર રહ્યાં છે. અણ્ણા હઝારેના આંદોલનથી જ તેઓ કેજરીવાલનાં સહયોગી છે. વિધાયક દળની બેઠકમાં આતિશીના નામની જાહેરાત પણ કેજરીવાલે જ કરી હતી.

શિક્ષણ-ક્રા​ન્તિનું મહત્ત્વનું કાર્ય

આતિશીએ દિલ્હીમાં શિક્ષણ-ક્રાન્તિમાં મહત્ત્વની ભૂમિકા અદા કરી છે. દિલ્હીની સરકારી સ્કૂલોમાં શિક્ષણમાં ફેરફાર તેમની રણનીતિના આધારે થયા હતા. જુલાઈ, ૨૦૧૫થી ૧૭ એપ્રિલ, ૨૦૧૮ સુધી આતિશીએ શિક્ષણપ્રધાન મનીષ સિસોદિયાનાં સલાહકાર તરીકે કામ કરીને તેમણે દિલ્હીમાં શિક્ષણ ક્ષેત્રે આમૂલ પરિવર્તન કર્યું હતું. એ સમયે મનીષ સિસોદિયા નાયબ મુખ્ય પ્રધાન હતા. જોકે ૨૦૧૮માં એકાએક તેમને આ પદ પરથી હટાવી દેવામાં આવ્યા હતા.

પંજાબી રાજપૂત પરિવાર

આતિશી પંજાબી રાજપૂત પરિવારમાંથી આવે છે. દિલ્હી યુનિવર્સિટીની પ્રોફેસર જોડી વિજય કુમાર સિંહ અને ત્રિપ્તા વાહીના ઘરે ૧૯૮૧માં ૮ જૂને આતિશીનો જન્મ થયો હતો. જોકે તેમનાં માતા-પિતા સોવિયેટ રશિયાની સરકારના પહેલા હેડ વ્લાદિમીર લેનિન અને જર્મન ફિલોસૉફર કાર્લ માર્ક્સથી બહુ જ પ્રભાવિત હોવાથી Marx અને ​Leninના નામના Mar અને Lenને મિક્સ કરીને તેમનું મિડલ નામ Marlena રાખ્યું હતું.

શિક્ષણ

આતિશી એક તેજસ્વી સ્ટુડન્ટની સાથે શિક્ષક પણ રહી ચૂક્યાં છે. તેમણે પ્રાથમિક શિક્ષણ દિલ્હીની સ્પ્રિન્ગડેલ સ્કૂલમાંથી લીધું છે. ત્યાર બાદ તેમણે ૨૦૦૧માં સેન્ટ સ્ટીફન્સ કૉલેજમાં ઇતિહાસ વિષયમાં ગ્રૅજ્યુએશન કર્યું હતું અને ત્યાર બાદ તેમણે યુનાઇટેડ કિંગડમની ઑક્સફર્ડ યુનિવર્સિટીમાં શેવનિંગ સ્કૉલરશિપ અને રોડ્સ સ્કૉલરશિપથી ૨૦૦૩ અને ૨૦૦૫માં ઇતિહાસ વિષયમાં જ માસ્ટર્સની બે ડિગ્રી મેળવી છે. રાજકારણમાં જોડાતાં પહેલાં તેઓ આંધ્ર પ્રદેશમાં રિશી વૅલી સ્કૂલમાં ઇતિહાસ અને અંગ્રેજી શીખવતાં હતાં.

આતિશીના પતિનું સામાજિક કાર્ય

આતિશીના પતિ પ્રવીણ સિંહ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેકનૉલૉજી (IIT)-દિલ્હી અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મૅનેજમેન્ટ (IIM)-અમદાવાદથી ડિગ્રી ધરાવે છે. તેઓ એક રિસર્ચર અને એજ્યુકેટર છે. ૨૦૦૭માં તેમણે ગ્રામ સ્વરાજના સિદ્ધાંતને સાકાર કરવા મધ્ય પ્રદેશના એક ગામમાં એક કૉમ્યુનની રચના કરી હતી. સાત વર્ષ સુધી આતિશીએ આ કૉમ્યુનમાં જૈવિક ખેતી અને પ્રગતિશીલ શિક્ષણ વ્યવસ્થા સંદર્ભે કર્યું હતું. એમાં કામ કરતાં આતિશી અને પ્રવીણ સિંહ એકબીજાંને ઓળખતાં થયાં હતાં અને પછી તેમણે લગ્ન કર્યાં હતાં.

આતિશીની રાજકીય સફર

AAPની સ્થાપના સમયથી જ પાર્ટીમાં જોડાયેલાં આતિશીએ એક સામાન્ય કાર્યકર્તાથી લઈને મુખ્ય પ્રધાનપદ સુધીની મજલ કાપી છે.

૨૦૧૩માં તેઓ AAPમાં જોડાયાં હતાં અને પાર્ટીના મૅનિફેસ્ટોને તૈયાર કરવામાં મહત્ત્વની ભૂમિકા અદા કરી હતી.

૨૦૧૪માં તેમને લોકસભાની ચૂંટણી પહેલાં પાર્ટીના પ્રવક્તા બનાવવામાં આવ્યાં હતાં.

૨૦૧૫માં તેમણે AAPના નેતા આલોક અગરવાલ સાથે મધ્ય પ્રદેશના ખંડવામાં પાણી-સત્યાગ્રહમાં ભાગ લીધો હતો.

૨૦૧૫થી ૨૦૧૮ વચ્ચે તેમણે શિક્ષણ-ક્રા​ન્તિ મુદ્દે ગ્રાઉન્ડ લેવલનું કામ કર્યું હતું.

૨૦૧૯માં લોકસભાની ચૂંટણીમાં ઈસ્ટ દિલ્હીમાં AAPના ઉમેદવાર તરીકે ઝુકાવીને તેમણે નવી રાજકીય સફરની શરૂઆત કરી હતી. જોકે તેઓ ભારતીય જનતા પાર્ટી (BJP)ના ઉમેદવાર ગૌતમ ગંભીર સામે ૪.૭૭ લાખ મતથી હારી ગયાં હતાં અને ત્રીજા નંબરે ફેંકાયાં હતાં.

૨૦૨૦માં તેઓ કાલકાજી મતવિસ્તારમાંથી વિધાનસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યાં હતાં. તેમણે BJPના ઉમેદવાર ધર્મવીર સિંહને ૧૧,૩૯૩ મતથી હરાવ્યા હતા.

૨૦૨૦માં તેમને ગોવા વિધાનસભાની ચૂંટણીમાં AAPનાં ઇન્ચાર્જ બનાવવામાં આવ્યાં હતાં.

૨૦૨૩માં તેમને દિલ્હીમાં પ્રધાન બનાવવામાં આવ્યાં હતાં અને તેમની પાસે હાલમાં શિક્ષણ, નાણાં, લૉ, ટૂરિઝમ જેવાં મહત્ત્વનાં ખાતાં છે.

૨૦૨૪માં મુખ્ય પ્રધાન બનાવવામાં આવ્યાં છે.

સંપત્તિ - આતિશીના નામે ૧.૪૧ કરોડ રૂપિયાની ડિપોઝિટ્સ છે. જોકે એમાં તેના પતિની આવક પણ સામેલ છે. તેમના નામે જમીન, ઘર કે ગાડી નથી. તેમની પાસે લાઇફ ઇન્શ્યૉરન્સ કૉર્પોરેશનની પાંચ લાખ રૂપિયાની હેલ્થ-પૉલિસી છે.

આતિશીના પરિવારને કઈ રીતે દેશવિરોધી ગણાવ્યો સ્વાતિ માલિવાલે?

આતિશી સિંહને દિલ્હી વિધાયક દળનાં નેતા પસંદ કરવામાં આવ્યા બાદ દિલ્હી મહિલા આયોગનાં ભૂતપૂર્વ ચૅરમૅન અને એક સમયે આતિશીનાં સાથી એવાં સ્વાતિ માલિવાલે આરોપ લગાવ્યો હતો કે આતિશીનાં માતા-પિતાએ અફઝલ ગુરુ માટે લડાઈ લડી હતી અને આ આતંકવાદીની ફાંસીની સજા રદ કરવા માટે રાષ્ટ્રપતિ સામે અરજી કરી હતી.

સ્વાતિ માલિવાલે સોશ્યલ મીડિયા પરની એક પોસ્ટમાં લખ્યું હતું કે ‘આતિશી માર્લેનાનાં માતા-પિતાને સૈયદ અબ્દુલ રહમાન ગિલાની સાથે સારા સંબંધો હતા. ગિલાની પર આરોપ છે કે સંસદભવન પર થયેલા હુમલામાં તેનો હાથ હતો. ૨૦૧૬માં તેમણે અફઝલ ગુરુની યાદમાં દિલ્હી પ્રેસ-ક્લબમાં એક કાર્યક્રમ કર્યો હતો. એ કાર્યક્રમમાં સ્ટેજ પર ગિલાની સાથે આતિશીનાં માતા-પિતા ઉપસ્થિત હતાં. આ કાર્યક્રમમાં નારા લાગ્યા હતા કે એક અફઝલને મારશો તો લાખો અફઝલ પેદા થશે, કાશ્મીર માગે આઝાદી. આતિશીનાં માતા-પિતાએ અરેસ્ટ ઍન્ડ ટૉર્ચર ઑફ સૈયદ ગિલાની નામથી લેખ લખ્યા હતા. ભગવાન દિલ્હીની રક્ષા કરો.’

આ મુદ્દે AAPએ કહ્યું હું કે સ્વાતિ BJPએ આપેલી ​સ્ક્રિપ્ટ વાંચી રહી છે.

દિલ્હી યુનિવર્સિટીના પ્રોફેસર રહેલા એસ.એ.આર. ગિલાનીને ૨૦૦૧ના સંસદભવન પર થયેલા હુમલાના આરોપમાં સ્પેશ્યલ કોર્ટે ફાંસીની સજા આપી હતી, પણ સુપ્રીમ કોર્ટે તેને દોષમુક્ત જાહેર કર્યો હતો. ૨૦૧૯માં હાર્ટ અટૅકથી તેનું મૃત્યુ થયું હતું.

aam aadmi party arvind kejriwal new delhi national news