જમ્મુ અને કાશ્મીરમાં નૅશનલ કૉન્ફરન્સ અને કૉન્ગ્રેસની આંધી, ઓમર અબદુલ્લા બનશે આગામી મુખ્ય પ્રધાન

09 October, 2024 09:17 AM IST  |  Jammu and Kashmir | Gujarati Mid-day Correspondent

NCની ૪૨ અને કૉન્ગ્રેસની ૬ મળીને ગઠબંધનને ૪૮ બેઠકો: BJPને ૨૯ બેઠકો મળી: PDP માત્ર ત્રણ બેઠકમાં સમેટાઈ: CPI(M), AAPને ૧-૧ બેઠક મળી

ગઈ કાલે બડગામમાંથી ચૂંટણી જીતી હોવાના સર્ટિફિકેટ સાથે ઓમર અબદુલ્લા, ગઈ કાલે શ્રીનગરમાં મીડિયાને સંબોધન કરતાં મહેબૂબા મુફ્તી.

જમ્મુ અને કાશ્મીરમાં ૯૦ બેઠકો ધરાવતી વિધાનસભાની ચૂંટણીમાં જમ્મુ કાશ્મીર નૅશનલ કૉન્ફરન્સ (NC)અને કૉન્ગ્રેસના ગઠબંધનને ૪૮ બેઠકો પર વિજય મળ્યો છે અને સ્પષ્ટ બહુમતી સાથે તેઓ સરકાર બનાવશે. NCના ફારુક અબદુલ્લાએ જણાવ્યું હતું કે ઓમર અબદુલ્લા આગામી મુખ્ય પ્રધાન બનશે.NCને ૪૨ અને કૉન્ગ્રેસને ૬ બેઠકો પર વિજય મળ્યો છે.
જમ્મુ અને કાશ્મીરમાં ૨૦૧૯નીપાંચમી ઑગસ્ટે આર્ટિકલ 370 રદ કરવામાં આવ્યા બાદ પહેલીવાર ચૂંટણી યોજાઈ હતી. ત્રણ ચરણમાં ૧૮ અને પચીસ સપ્ટેમ્બર તથા પહેલી ઑક્ટોબરે મતદાન થયું હતું.

અબદુલ્લા પરિવારની ત્રીજી પેઢી એવા ઓમર અબદુલ્લાએ બડગામ અને ગાંદરબાલ બેઠક પર ચૂંટણી લડી હતી અને બન્નેબેઠક પર તેમનો વિજય થયો હતો. ચૂંટણીનાં પરિણામ જાહેર થયા બાદ ફારુક અબદુલ્લાએ જણાવ્યું હતું કે ‘૧૦ વર્ષ બાદ રાજ્યના લોકોએ અમને ફરી સરકાર ચલાવવાનો મોકો આપ્યો છે. અમે તેમની મહેચ્છાઓ પૂરી કરવા માટે કામ કરીશું. અહીં પોલીસરાજ નહીં, પણ પબ્લિકરાજ હશે. જે નિર્દોષ લોકોને જેલમાં પૂરવામાં આવ્યા છે તેમને મુક્ત કરવામાં આવશે અને મીડિયા મુક્ત રહેશે. અમારે હિન્દુ અને મુસ્લિમો વચ્ચે વિશ્વાસનો સેતુ ઊભો કરવો પડશે.’

૨૦૦૯થી ૨૦૧૫ સુધી ઓમર અબદુલ્લા રાજ્યના મુખ્ય પ્રધાન રહ્યા હતા. ગઈ કાલે સવારે તેમણે એક્ઝિટ પોલનાં તારણોને સમયની બરબાદી ગણાવ્યા હતા. જોકે વિજય બાદ ૫૪ વર્ષના આ નેતાએ જણાવ્યું હતું કે હું વિજય માટે મતદારોનો આભાર માનું છું, અમે લોકોની ઇચ્છાઓ પૂરી કરવાનો પ્રયાસ કરીશું.

અલગાવવાદી ઉમેદવારોનાં સૂપડાં સાફ થઈ ગયાં

જમ્મુ અને કાશ્મીરમાં મતદારોએ અલગાવવાદી ઉમેદવારોનાં સૂપડાં સાફ કરી દીધાં છે. એન્જિનિયર રશિદની અવામી ઇત્તેહાદ પાર્ટીના ૪૪ ઉમેદવારો અને જમાત-એ-ઇસ્લામીના મોટા ભાગના ઉમેદવારો તેમની ડિપોઝિટ બચાવવામાં પણ નિષ્ફળ રહ્યા છે. જોકે લંગેટ બેઠક પરથી રશિદનો ભાઈ ખુર્શીદ અહમદ શેખ જીત્યો છે જે એક મોટો ઊલટફેર ગણી શકાય એમ છે. કુલગામમાં જમાત-એ-ઇસ્લામીના સમર્થિત ઉમેદવાર સયાર અહમદ રેશીએ સારો દેખાવ કર્યો હતો. અફઝલ ગુરુના ભાઈ એજાઝ અહમદ ગુરુનો સોપોર બેઠક પર ભૂંડો પરાજય થયો હતો. તેને ૧૨૯ મત મળ્યા હતા. તેને તો નોટાના ૩૪૧ કરતાં પણ ઓછા મત મળતાં નાલેશી થઈ છે.

જમ્મુ-કાશ્મીરમાં BJPને મળ્યા સૌથી વધારે મત

જમ્મુ-કાશ્મીર

પાર્ટી

જીત

જમ્મુ-કાશ્મીર નૅશનલ કૉન્ફરન્સ

૪૨

BJP

૨૯

કૉન્ગ્રેસ

૦૬

પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી

૦૩

જમ્મુ-કાશ્મીર પીપલ્સ કૉન્ફરન્સ

૦૧

કમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ઇન્ડિયા (માર્કસિસ્ટ)

૦૧

આમ આદમી પાર્ટી

૦૧

અપક્ષ

૦૭

કુલ

૯૦


ગઈ કાલે જાહેર થયેલા જમ્મુ-કાશ્મીરનાં પરિણામોમાં BJPને ૨૯ બેઠક મળી હતી. જોકે એમાં નોંધનીય વાત એ છે કે આ તમામ સીટ માત્ર જમ્મુમાં જ મળી છે. કાશ્મીરમાં નરેન્દ્ર મોદીની પાર્ટીને એક પણ બેઠક નથી મળી. આમ છતાં ધ્યાનાકર્ષક વાત એ છે કે BJPને સૌથી વધુ ૪૨ બેઠક મેળવનારા નૅશનલ કૉન્ફરન્સ પક્ષના ૨૩.૪૩ ટકા મત કરતાં પણ વધારે ૨૫.૬૪ ટકા વોટ મળ્યા છે. BJP બેઠકોની દૃષ્ટિએ જમ્મુ-કાશ્મીરમાં નંબર ટૂ છે, પણ રાજ્યમાં એનો વોટ-શૅર સૌથી વધારે છે. કૉન્ગ્રેસને ૧૧.૯૭ અને પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (PDP)ને માત્ર ૮.૮૭ ટકા મત મળ્યા છે. 

મેહબૂબા મુફ્તીની દીકરી ચૂંટણી હારી ગઈ

આ ચૂંટણીમાં મેહબૂબા મુફ્તીએ તેમની ૩૭ વર્ષની દીકરી ઇલ્તજા મુફ્તીને સાઉથ કાશ્મીરના બીજબેહરા બેઠક પરથી ચૂંટણીના મેદાનમાં ઉતારી હતી, પણ તે પરાજિત થઈ હતી. મુફ્તી પરિવારની આ પરંપરાગત બેઠક છે.૧૯૯૬માં મેહબૂબા મુફ્તીએ અહીંથી ચૂંટણી લડીને રાજકારણમાં પગ મૂક્યો હતો. પરાજય બાદ ઇલ્તજા મુફ્તીએ પરાજયનો સ્વીકાર કરતી પોસ્ટમાં લખ્યું હતું કે હું પરાજયનો સ્વીકાર કરું છું, મારા મતવિસ્તારના લોકોનો મને ભરપૂર પ્રેમ મળ્યો છે, હું તેમની આભારી છું. જમ્મુ અને કાશ્મીરમાં આર્ટિકલ 370 રદ કરવામાં આવ્યા બાદ ઇલ્તજા પાર્ટીનો ચહેરો બની હતી અને પ્રસિદ્ધિમાં આવી હતી.

BJPના સાથની મેહબૂબાને સજા

અન-ડિવાઇડેડ જમ્મુ અને કાશ્મીરનાં છેલ્લાં મુખ્ય પ્રધાન રહેલાં મેહબૂબા મુફ્તીની પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (PDP) માત્ર ત્રણ બેઠક પર સમેટાઈ ગઈ છે. આ વખતે જોકે મેહબૂબા મુફ્તી ચૂંટણીના મેદાનમાં ઊતર્યાં નહોતાં. રાજ્યના લોકોએ તેમને BJP સાથેના ગઠબંધનની સજા આપી હોય એવું લાગી રહ્યું છે. તેમણે પરાજય બાદ જણાવ્યું હતું કે લોકોએ સ્થિર સરકાર માટે નૅશનલ કૉન્ફરન્સ-કૉન્ગ્રેસના ગઠબંધનને મત આપ્યા છે, પણ BJPને સત્તાથી દૂર રાખી છે; અમારી પાર્ટીનો આ સૌથી ખરાબ દેખાવ છે. ૨૦૧૫માં BJPના સહકારમાં રાજ્યમાં PDP-BJP ગઠબંધન સરકાર બની હતી. મુફ્તી મોહમ્મદ સૈયદના મૃત્યુ બાદ મેહબૂબા મુફ્તી મુખ્યપ્રધાન બન્યાં હતાં, પણ ૨૦૧૮માં BJPએ ટેકો પાછો ખેંચી લીધા બાદ આ સરકાર તૂટી પડી હતી.

હરિયાણા અને જમ્મુ-કાશ્મીરની આંકડાબાજી

૯૮,૪૪૧- હરિયાણામાં ફિરોઝપુર ઝિરકા બેઠક પર કૉન્ગ્રેસના મમ્મન ખાન આટલા માર્જિનથી જીત્યા છે જે સૌથી મોટી લીડ છે.
૩૨- હરિયાણામાં ઉચાના કલાં બેઠક પરથી ભારતીય જનતા પાર્ટી (BJP)ના દેવેન્દર ચતરભુજ અત્રી માત્ર આટલા મતથી જીત્યા છે જે સૌથી ઓછા માર્જિનથી થયેલી જીત છે.
૮૬- હરિયાણામાં કુલ ૫૩૮ કરોડપતિ ઉમેદવાર ચૂંટણી લડ્યા હતા એમાંથી આટલા કરોડપતિ ઉમેદવારની જીત થઈ છે
૬૦ - હરિયાણામાં ૪૭૭ ગ્રૅજ્યુએટ્સ ચૂંટણી લડ્યા હતા એમાંથી આટલા ગ્રૅજ્યુએટ ઉમેદવારની જીત થઈ છે.
૧૨- હરિયાણામાં ૧૩૩ એવા ઉમેદવાર હતા જેમની સામે કેસ છે એમાંથી ગઈ કાલે આટલા કૅન્ડિડેટની જીત થઈ છે. 
૧૩ - હરિયાણામાં કુલ ૧૦૦ મહિલા ઉમેદવારોએ ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું એમાંથી આટલી મહિલાઓનો વિજય થયો છે.
૭૬- જમ્મુ-કાશ્મીરમાં કુલ ૪૧૦ કરોડપતિ ઉમેદવાર ચૂંટણી લડ્યા હતા એમાંથી આટલા કરોડપતિ ઉમેદવારોની જીત થઈ છે

૬૦- જમ્મુ-કાશ્મીરમાં ૪૧૮ ગ્રૅજ્યુએટ્સ ચૂંટણી લડ્યા હતા એમાંથી આટલા ગ્રૅજ્યુએટ ઉમેદવારની જીત થઈ છે.
૯- જમ્મુ-કાશ્મીરમાં ૧૫૨ એવા ઉમેદવાર હતા જેમની સામે કેસ છે એમાંથી ગઈ કાલે આટલા કૅન્ડિડેટની જીત થઈ છે. 
૩- જમ્મુ-કાશ્મીરમાં કુલ ૪૩ મહિલા ઉમેદવારોએ ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું એમાંથી આટલી મહિલાઓનો વિજય થયો છે.
૩૯.૯૪- હરિયાણામાં BJPને આટલા ટકા મત મળ્યા છે જે ગઈ ચૂંટણી કરતાં ત્રણ ટકા જેટલા વધારે છે.
૩૯.૦૯- હરિયાણામાં કૉન્ગ્રેસને આટલા ટકા મત મળ્યા છે જે ગઈ ચૂંટણીની સરખામણીએ ૧૨ ટકા જેટલા વધારે હોવા છતાં એણે હારનો સામનો કરવો પડ્યો છે.

હરિયાણા
પાર્ટી    જીત
BJP    ૪૮
કૉન્ગ્રેસ    ૩૭
ઇન્ડિયન નૅશનલ લોક દલ    ૦૨
અપક્ષ    ૦૩
કુલ    ૯૦

national news india haryana jammu and kashmir assembly elections political news congress bharatiya janata party