આ જીવન મારું નથી, એ તો રાષ્ટ્રને સમર્પિત છે

04 February, 2024 11:34 AM IST  |  Delhi | Gujarati Mid-day Correspondent

ભારત રત્નનું સન્માન સ્વીકારતાં દિગ્ગજ નેતા લાલ કૃષ્ણ અડવાણીએ વધુમાં કહ્યું કે હું આજીવન જે સિદ્ધાંતો અને આદર્શોને અનુસર્યો એનું આ બહુમાન છે

લાલ કૃષ્ણ અડવાણી

એક વ્યક્તિ તરીકે નહીં, બલકે ​​​આજીવન જે સિદ્ધાંતો અને આદર્શોને નિરંતર અનુસર્યો છું એ બદલ મારું સન્માન કરવામાં આવ્યું છે, એમ લાલ કૃષ્ણ અડવાણીએ જણાવ્યું હતું. બીજેપીના પીઢ નેતા લાલ કૃષ્ણ અડવાણીએ શનિવારે ભારત રત્નના અવૉર્ડથી સન્માનના પ્રત્યુત્તરમાં આમ જણાવ્યું હતું.  

અડવાણીએ એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે આજે ભારત રત્ન અવૉર્ડથી મને નવાજવામાં આવ્યો એનો હું નમ્રતાપૂર્વક અને કૃતજ્ઞતાપૂર્વક સ્વીકાર કરું છું. લાગણીશીલ થઈ ગયેલા અડવાણીએ વધુમાં કહ્યું હતું કે આ જીવન કાંઈ મારું નથી, મારું જીવન તો રાષ્ટ્રને સમર્પિત છે.

એક સ્વયંસેવક તરીકે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં હું જોડાયો ત્યારથી જિંદગી મને જે કોઈ કામગીરી સોંપે એ સંદર્ભે મારા વહાલસોયા દેશ માટે સમર્પિત અને નિઃસ્વાર્થ સેવા જ મારે મન રિવૉર્ડ હતો, એમ તેમણે વધુમાં જણાવ્યું હતું. ૧૯૯૦ના દાયકાની શરૂઆતમાં અયોધ્યામાં રામમંદિર બાંધવાની હિમાયત કરી રથયાત્રા મારફત પક્ષને રાષ્ટ્રીય પ્રાધાન્ય અપાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર અગ્રણી નેતા અડવાણીને દેશના સર્વોચ્ચ નાગરિક અવૉર્ડ ભારત રત્નથી સન્માનિત કરવાની જાહેરાત કરવામાં આવી હતી.

અડવાણીને ભારત રત્ન અવૉર્ડથી સન્માનિત કરવા સંદર્ભે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે આથી મને અનહદ આનંદ થયો છે. તેમની સાથે મેં વાત કરી હતી અને અવૉર્ડથી સન્માનિત થવા બદલ અભિનંદન આપ્યાં હતાં. પીઢ નેતા એલ.કે. અડવાણીને ભારત રત્ન અવૉર્ડ એનાયત કરવાની જાહેરાત દરમ્યાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના વિકાસમાં એલ.કે. અડવાણીએ ભજવેલી મહત્ત્વની ભૂમિકા પર ભાર મૂક્યો હતો અને વર્તમાન સમયમાં દેશના એક આદરણીય રાજકારણી તરીકે તેમને બિરદાવ્યા હતા.

દેર આએ, દુરુસ્ત આએ

અડવાણીને ભારત રત્ન અવૉર્ડ ખૂબ મોડેથી અપાયો, પરંતુ અમે એને આવકારીએ છીએ, એમ કૉન્ગ્રેસના નેતા સંદીપ દીક્ષિતે જણાવી કહ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને બીજેપીએ એલ.કે. અડવાણીને મોડે-મોડેથી યાદ કર્યા છે.

કૉન્ગ્રેસના નેતા મલિકાર્જુન ખડગેએ શનિવારે જણાવ્યું હતું કે ભારત રત્ન અવૉર્ડથી એલ.કે. અડવાણીને નવાજવાના કેન્દ્રના નિર્ણયને હું આવકારું છું. વિરોધ પક્ષ શિવસેના (ઉદ્ધવ જૂથ)એ પણ અડવાણીને ભારત રત્ન અવૉર્ડથી નવાજવાના નિર્ણયને આવકાર આપ્યો હતો, પરંતુ સાથોસાથ પ્રશ્ન કર્યો હતો કે બાળાસાહેબ ઠાકરે અને સાવરકરને હજી સુધી કેમ આ અવૉર્ડથી વંચિત રાખવામાં આવ્યા છે.

જાન્યુઆરીમાં બિહારના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન સદ્ગત કર્પુરી ઠાકુરને દેશના સર્વોચ્ચ સન્માનથી નવાજવાની જાહેરાત કરવામાં આવી હતી. અડવાણીના પુત્ર જયંત અને પુત્રી પ્રતિભાએ પિતાને સર્વોચ્ચ અવૉર્ડથી નવાજવાના નિર્ણય બદલ ખુશી વ્યક્ત કરી હતી.

l k advani national news narendra modi india