09 December, 2022 10:55 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ભુવનેશ્વર : બીજુ જનતા દળ (બીજેડી)એ ઓડિશાના પદમપુરની પેટાચૂંટણીમાં શાનદાર વિજય મેળવ્યો હતો. એના ઉમેદવાર બરશા સિંહ બરિહાએ બીજેપીના પ્રદીપ પુરોહિતને ૪૨,૬૭૯ મતોના અંતરથી હરાવ્યા હતા. મતગણતરીના ૨૩મા રાઉન્ડ બાદ બરિહાને કુલ ૧,૨૦,૮૦૭ મત અને પુરોહિતને ૭૮,૧૨૮ મત મળ્યા હતા. અહીં બીજેડીને ૫૮ ટકા મત મળ્યા હતા જ્યારે બીજેપીને ૩૭.૫ ટકા મત મળ્યા હતા.
જયપુર : રાજસ્થાનમાં સરદારશહર વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં કૉન્ગ્રેસના અનિલ શર્માએ બીજેપીના અશોકકુમાર પિંચાને ૨૬,૮૫૦ મતથી હરાવ્યા છે. રાષ્ટ્રીય લોકતાંિત્રકના પાર્ટીના ઉમેદવાર લાલચંદ મૂડ ત્રીજા સ્થાને છે. કુલ ૧૦ ઉમેદવારો મેદાનમાં હતા. મતદારોનો આભાર વ્યકત કરતા કૉન્ગ્રેસના નેતા અને મુખ્ય પ્રધાન અશોક ગહલોટે એવો દાવો કર્યો હતો કે પેટા ચૂંટણીના પરિણામએ સંદેશ આપ્યો છે કે કૉન્ગ્રેસ ૨૦૨૩માં રાજસ્થાનમાં સંપૂર્ણ બહુમતી સાથે સરકાર બનાવશે.
મુઝફ્ફરપુર : બિહારમાં તાજેતરમાં રચાયેલી મહાગઠબંધન સરકારને ગઈ કાલે પેટાચૂંટણીમાં પછડાટ મળી હતી. જેડી (યુ)એ કુરહાની વિધાનસભા બેઠક પર બીજેપીની સામે હાર સ્વીકારવી પડી હતી. ચાર મહિના પહેલાં જેડી (યુ)ના સુપ્રીમો નીતીશ કુમારે બીજેપી સાથે સંબંધો તોડી નાખ્યા હતા. જેડી (યુ)ના ઉમેદવાર મનોજ સિંહ કુશવાહાને ૭૩,૦૦૮ મત મળ્યા હતા, જ્યારે બીજેપીના કેદાર પ્રસાદ ગુપ્તાને ૭૬,૬૫૩ મત મળ્યા હતા. આરજેડીના વિધાનસભ્ય અનિલ કુમાર સહાનીને ગેરલાયક ઠરાવવામાં આવતાં પેટાચૂંટણી યોજાઈ હતી.