11 November, 2024 09:13 AM IST | Uttar Pradesh | Gujarati Mid-day Correspondent
સ્વામી અવિમુક્તેશ્વરાનંદ
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ત્રણ નદીઓના સંગમ પર ૧૪ જાન્યુઆરીથી મહાકુંભનું આયોજન થવાનું છે ત્યારે મહાકુંભના આયોજનસ્થળ પર મુસ્લિમોના પ્રવેશના મુદ્દે વિવાદ થયો છે. એક જૂથ માને છે કે મુસ્લિમોને પ્રવેશ આપવો જોઈએ, પણ બીજું જૂથ માને છે કે તેમના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવે. આ મામલે જ્યોતિપીઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદે કહ્યું છે કે મુસ્લિમોનાં ધર્મસ્થાનો પર હિન્દુઓના પ્રવેશ પર પ્રતિબંધ છે તો હિન્દુઓનાં તીર્થસ્થાનો પર મુસ્લિમોનું શું કામ છે?
એક વાતચીતમાં તેમણે કહ્યું હતું કે ‘મુસ્લિમોના સૌથી મોટા ધર્મસ્થાન મક્કામાં ૪૦ કિલોમીટર પહેલાં જ બિનમુસ્લિમોના પ્રવેશ પર પ્રતિબંધ છે. આથી પ્રયાગરાજમાં મહાકુંભમાં પણ મુસ્લિમોનું કોઈ કામ નથી. વળી મુસ્લિમોએ પણ આવી કોઈ માગણી કરી નથી. રાજકીય પક્ષોએ માહોલ બનાવવા માટે આ વિવાદ ઊભો કર્યો છે.’
યોગી સરકાર ગૌમાતાને રાજ્યમાતાનો દરજ્જો આપશે તો અમે બધું તેમના નામ પર કરી દઈશું
ગૌહત્યા પર પ્રતિબંધના મુદ્દે બોલતાં અવિમુક્તેશ્વરાનંદે કહ્યું હતું કે ‘આ મુદ્દે અમને કાશ્મીરના મુસ્લિમોએ કહ્યું છે કે ગૌહત્યા પર મહારાજજી સખત કાયદો બનાવજો. ગૌહત્યા પર પ્રતિબંધ માટે અમને મુસ્લિમો અને ખ્રિસ્તીઓનું સમર્થન મળ્યું છે. જો યોગી સરકાર ગૌમાતાને રાજ્યમાતાનો દરજ્જો આપશે તો અમે અમારું બધું તેમના નામ પર કરી દઈશું. મઠ તેમના નામે કરી દઈશું, તેમના નોકર બની જઈશું. અમને બહુ ખુશી થશે, અમે દિલ ખોલીને આશીર્વાદ આપીશું.’