24 March, 2023 08:18 PM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
રાહુલ ગાંધી
પૂર્વ કૉંગ્રેસ રાહુલ ગાંધી(Rahul Gandhi)એ પોતાની સભ્યતા રદ્દ થવા અંગે પ્રતિક્રિયા આપી છે. તેમણે ટ્વિટર પર લખ્યું કે " હું ભારતનો અવાજ બનીને લડતો રહીશ. હું દરેક કિંમત ચૂકવવા તૈયાર છું." આજે કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીની લોકસભા સભ્યતા રદ્દ કરવામાં આવી છે. લોકસભા સચિવાલય તરફથી આ સંબંધમાં સુચના જારી કરી દેવામાં આવી છે. રાહુલ ગાંધીને ગુરૂવારે સુરતની અદાલતે મોદી સરનેમ મામલે જોડાયેલા માનહાનીના કેસમાં બે વર્ષની સજા ફટકારી હતી.
2019માં રાહુલ ગાંધીએ મોદી સરનેમને લઈને કરેલી ટિપ્પણીના કેસમાં ગુરુવારે સુરત કોર્ટે ચુકાદો આપ્યો હતો. કોર્ટે તેને કલમ 504 હેઠળ બે વર્ષની જેલની સજા ફટકારી છે. જો કે, કોર્ટે નિર્ણયનો અમલ કરવા માટે 30 દિવસનો સમય આપ્યો હતો. આ સાથે તેમને તાત્કાલિક જામીન પણ આપવામાં આવ્યા હતા.
હકીકતમાં, 2019ની લોકસભા ચૂંટણી દરમિયાન કર્ણાટકના કોલારમાં એક રેલીમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, `બધા ચોરોની અટક મોદી કેમ હોય છે?` જેને લઈને ભાજપના ધારાસભ્ય અને ગુજરાતના પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. તેમણે આરોપ લગાવ્યો કે રાહુલે પોતાની ટિપ્પણીથી સમગ્ર મોદી સમુદાયને બદનામ કર્યો છે. રાહુલ વિરુદ્ધ IPC કલમ 499 અને 500 (માનહાનિ) હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: Rahul Gandhi: માનહાનિ કેસમાં સજા બાદ રાહુલ ગાંધી લોકસભામાંથી અયોગ્ય જાહેર
અગાઉ 2013માં સુપ્રીમ કોર્ટે જનપ્રતિનિધિત્વ અધિનિયમ, 1951ને લઈને ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો. કોર્ટે આ અધિનિયમની કલમ 8(4)ને ગેરબંધારણીય જાહેર કરી હતી. આ જોગવાઈ અનુસાર, ફોજદારી કેસમાં (બે વર્ષ કે તેથી વધુ સજાની જોગવાઈ ધરાવતી કલમો હેઠળ) દોષિત ઠરેલા ચૂંટાયેલા પ્રતિનિધિને તેના વતી ઉચ્ચ અદાલતમાં અપીલ દાખલ કરવામાં આવે તો તેને ગેરલાયક ઠેરવી શકાય નહીં. એટલે કે, કલમ 8(4) એ દોષિત સાંસદ, ધારાસભ્યને કોર્ટના નિર્ણય સામેની અપીલ બાકી હોય ત્યાં સુધી ઓફિસમાં ચાલુ રહેવાની મંજૂરી આપી હતી.