22 November, 2024 07:36 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રાહુલ ગાંધીએ ગઈ કાલે દિલ્હીમાં પ્રેસ-કૉન્ફરન્સ બોલાવીને ગૌતમ અદાણીની તાત્કાલિક ધરપકડ કરવાની માગણી કરી હતી, આ પ્રેસ-કૉન્ફરન્સમાં બૅકગ્રાઉન્ડ સ્ક્રીન પર નરેન્દ્ર મોદી અને ગૌતમ અદાણીની ‘દોસ્તી’ દેખાડવામાં આવી હતી. રાહુલ બન્નેના ફોટો સાથે ‘હમ અદાણી કે હૈં કૌન’ લખેલું પોસ્ટર પણ આ કૉન્ફરન્સમાં લાવ્યા હતા.
ભારતીય અધિકારીઓને આશરે ૨૦૦૦ કરોડ રૂપિયાની લાંચ આપવાના કેસમાં અમેરિકાની એક કોર્ટે ઉદ્યોગપતિ ગૌતમ અદાણી, તેમના ભત્રીજા સાગર અદાણી સહિત સાત જણ સામે અરેસ્ટ વૉરન્ટ રજૂ કર્યું છે. ન્યુ યૉર્કમાં ગ્રૅન્ડ જ્યુરીએ બુધવારે ૨૬.૫ કરોડ ડૉલર (આશરે ૨૦૨૯ કરોડ રૂપિયા)ની લાંચ લેવાના કેસમાં ૭ વ્યક્તિ પર આરોપ મૂક્યા બાદ વૉરન્ટ રજૂ કરવામાં આવ્યાં છે. અમેરિકાની અદાલતે અદાણી ગ્રુપને ભારતમાં સોલર એનર્જી પ્રોજેક્ટ મેળવવા માટે લાંચ આપવા બદલ દોષી ઠરાવ્યું છે. આ સાથે એમ પણ કહેવામાં આવ્યું છે કે ઇલેક્ટ્રૉનિક પુરાવાનો નાશ કરીને અમેરિકાના જુડિશ્યલ વિભાગ, સિક્યૉરિટીઝ ઍન્ડ એક્સચેન્જ કમિશન અને ફેડરલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (FBI)ને પણ ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
અમેરિકાના જસ્ટિસ વિભાગના ક્રિમિનલ ડિવિઝનનાં ડેપ્યુટી અસિસ્ટન્ટ ઍટર્ની જનરલ લીઝા એચ. મિલરે અદાણી અને તેમના સાથીદારો પર આરોપ લગાવ્યો હતો કે તેમણે અમેરિકાના ઇન્વેસ્ટરોના ભોગે ભારતીય સરકારી અધિકારીઓને લાંચ આપી હતી અને ભ્રષ્ટાચાર તથા ફ્રૉડ કરીને મલાઈદાર સોલર એનર્જી સપ્લાયના કૉન્ટ્રૅક્ટ મેળવ્યા હતા.
ન્યુઝપેપરના અહેવાલ મુજબ હવે ગૌતમ અદાણી વિરુદ્ધ અમેરિકન કાનૂની વ્યવસ્થા હેઠળ પ્રોસિક્યુશનની કાર્યવાહી શરૂ થઈ શકે એમ છે. જોઈએ આ કેસમાં હવે શું થઈ શકે છે?
ગુનાનો આરોપ શું છે?
લૉ ડિક્શનરી મુજબ ઇન્ડિક્ટમેન્ટ એ એક ઔપચારિક લેખિત આરોપ છે, જે કાયદાની પ્રક્રિયાને અનુસરીને સ્ટેપ-બાય-સ્ટેપ જેના પર ગુનાનો આરોપ લગાવવામાં આવ્યો છે એવી વ્યક્તિ સામે રજૂ કરવામાં આવે છે. કથિત ગુનાની તપાસ કર્યા બાદ પોલીસ પુરાવા સરકારી વકીલને સોંપે છે જે વકીલ રાજ્ય કે ફેડરલ ગવર્નમેન્ટનું પ્રતિનિધિત્વ કરે છે. એમાં
નક્કી થાય છે કે આરોપ રાજ્ય કક્ષાનો છે કે ફેડરલ ગવર્નમેન્ટ કક્ષાનો છે. જો ફરિયાદી એમ માને કે ગુનો ઘણો ગંભીર છે અથવા તો ગુનો કરવામાં આવ્યો છે એ પછી તે ગ્રૅન્ડ જ્યુરીની પસંદગી કરી શકે છે.
ગ્રૅન્ડ જ્યુરી શું છે, કેટલા મેમ્બર છે?
ગ્રૅન્ડ જ્યુરી એક પૅનલ છે જે કેસની સુનાવણી કરી શકે એવા કોર્ટના અધિકાર ક્ષેત્રમાં રહેતા નાગરિકના ફેર ક્રૉસ સેક્શનમાંથી રૅન્ડમલી પસંદ કરાયેલા લોકોનું બનેલું હોય છે. ન્યુ યૉર્ક સ્ટેટમાં ૨૩ જેટલા લોકોનો એમાં સમાવેશ છે. વળી એમાં પુરાવા સાંભળવા માટે કમસે કમ ૧૬ જ્યુરીનું હાજર રહેવું જરૂરી હોય છે. આ પગલું નિર્ણાયક હોય છે, કારણ કે સત્તાવાર ગ્રૅન્ડ જ્યુરર્સ હૅન્ડબુક અનુસાર ન્યુ યૉર્કમાં અદાણી અને તેમના સહયોગીઓ પર આરોપ મૂકવામાં આવ્યો છે. ન્યુ યૉર્ક સ્ટેટમાં કોઈ વ્યક્તિને અપરાધ માટે ટ્રાયલ કોર્ટમાં લાવવાની જરૂર હોતી નથી જ્યાં સુધી એ વ્યક્તિને ગ્રૅન્ડ જ્યુરીએ દોષી ઠરાવી ન હોય.
ગ્રૅન્ડ જ્યુરી શું કરે છે?
સિનેમા અને નાટકોમાં જોવા મળે છે કે ટ્રાયલ જ્યુરી આરોપીને દોષી કે નિર્દોષ ઠરાવે છે, પણ અહીં એવું નથી. ગ્રૅન્ડ જ્યુરીનો હેતુ આરોપી વ્યક્તિને નિર્દોષ કે અપરાધી જાહેર કરવાનો અધિકાર નથી. ટ્રાયલ જ્યુરીએ કોઈ વ્યક્તિ વાજબી શંકાથી પર જઈને દોષી છે કે નહીં એ નક્કી કરવાનું
હોય છે, પણ ગ્રૅન્ડ જ્યુરીએ નીચલા ધોરણને પૂર્ણ કરવાની જરૂર હોય છે. ક્રિમિનલ ટ્રાયલ પ્રોસેસના વધારાના પગલા તરીકે ગ્રૅન્ડ જ્યુરીએ એ નક્કી કરવાનું હોય છે કે શું રેકૉર્ડ પરના પુરાવા ટ્રાયલ યોજવા માટે પૂરતા છે. જો ગ્રૅન્ડ જ્યુરી પુરાવાને પૂરતા માને તો તે આરોપી સામેના ઔપચારિક આરોપોની સૂચિ સાથે તપાસ કરી શકે છે. ત્યાર પછી આ કેસને અંતિમ સુનાવણી અને ચુકાદા માટે આગળ વધારવામાં આવશે.
ગુપ્ત રીતે કાર્યવાહી
ટ્રાયલની કાર્યવાહી બધા લોકો માટે ખુલ્લી હોય છે, પણ ગ્રૅન્ડ જ્યુરીની કાર્યવાહી પણ ગુપ્ત રીતે યોજવામાં આવે છે. આરોપ રજૂ કરવા માટે જ્યારે કેસ ટ્રાયલમાં જાય છે ત્યારે જ્યુરીઓ વચ્ચે સર્વસંમતિ હોવી જરૂરી નથી. ન્યુ યૉર્કમાં ૨૩માંથી ૧૬ જ્યુરી પુરાવા સાંભળે છે અને એમાંથી ઓછામાં ઓછા ૧૨ જ્યુરીઓએ આરોપ મૂકવો કે નહીં એ વિશે સંમત થવું જોઈએ.
અદાણીના કેસમાં શું થશે?
ગૌતમ અદાણી સામેના કેસમાં આરોપ મુકાયા બાદ ટ્રાયલ સંભવત: ‘અરેઇનમેન્ટ’ તબક્કામાં જશે. જજ આરોપો રજૂ કરશે અને આરોપી વ્યક્તિઓને જામીન આપવા કે નહીં એ નક્કી કરશે. બીજી તરફ જેની સામે આરોપ મૂકવામાં આવ્યા છે એવી વ્યક્તિઓ પોતે ગુનેગાર છે કે નહીં એનો જવાબ આપશે. જો તેઓ કહેશે કે તેઓ ગુનેગાર નથી તો કેસ ટ્રાયલમાં જશે.
શું છે આરોપ?
અમેરિકાનાં ઍટર્નીએ આરોપ લગાવ્યા છે કે ૨૦૨૦થી ૨૦૨૪ના સમયગાળા વખતે ૬૨ વર્ષના ગૌતમ અદાણી, તેમના ભત્રીજા સાગર અદાણી અને લોકોએ સોલર પાવર કૉન્ટ્રૅક્ટ મેળવવા માટે ભારતીય અધિકારીઓને ૨૫ કરોડ ડૉલરની લાંચ આપી હતી. આના બદલામાં અદાણી ગ્રુપને બે અબજ ડૉલરનો ફાયદો થવાની ધારણા છે. આ બધું અમેરિકન બૅન્કો અને ઇન્વેસ્ટરોથી ગુપ્ત રાખવામાં આવ્યું હતું અને અદાણી ગ્રુપે અબજો ડૉલર મેળવ્યા હતા.
અદાણી ગ્રુપે આરોપ ફગાવી દીધા : તમામ આરોપ નિરાધાર, કાનૂની કોર્ટમાં થશે ફેંસલો
અદાણી ગ્રુપ પર લગાડવામાં આવેલા લાંચ અને ફ્રૉડના ગંભીર આરોપોને અદાણી ગ્રુપે ફગાવી દીધા છે અને ઇન્વેસ્ટરોને ભરોસો અપાવ્યો છે કે ‘કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવશે અને કોર્ટમાં જ આનો ફેંસલો થશે. અદાણી ગ્રીનના ડિરેક્ટરો સામે અમેરિકાના ન્યાય વિભાગ, સિક્યૉરિટીઝ એક્સચેન્જ અને અન્ય વિભાગ દ્વારા લગાડવામાં આવેલા આરોપ નિરાધાર છે, ગ્રુપ આ આરોપોનું ખંડન કરે છે.’
અદાણી ગ્રુપના પ્રવક્તા દ્વારા આ મુદ્દે એક નિવેદન બહાર પાડવામાં આવ્યું છે જેમાં જણાવવામાં આવ્યું છે કે ‘અમેરિકી એજન્સીએ લાંચના લગાવેલા આરોપો ખોટા, પાયાવિહોણા અને નિરાધાર છે. અદાણી ગ્રુપ તમામ કાયદાકીય પ્રક્રિયાનું પાલન કરે છે. અમેરિકી જુડિશ્યલ વિભાગે ખુદ કહ્યું છે કે તેમના દ્વારા લગાવેલા આરોપ હજી માત્ર આરોપ છે અને જ્યાં સુધી પુરવાર થાય નહીં ત્યાં સુધી બધા નિર્દોષ છે.’
શૅરધારકોને ભરોસો અપાવતાં ગ્રુપે કહ્યું હતું કે ‘અદાણી ગ્રુપ હંમેશાં ટ્રાન્સપરન્સી જાળવે છે અને તમામ રેગ્યુલેટરી નિયમોનું પાલન કરે છે અને ભવિષ્યમાં પણ કરતું રહેશે. અમે અમારા શૅરધારકો, પાર્ટનર્સ અને કર્મચારીઓને ભરોસો અપાવીએ છીએ કે આ કાયદાનું પાલન કરનારું ગ્રુપ છે. અદાણી ગ્રુપ આ મુદ્દે સંભવતઃ તમામ કાનૂની પગલાં લેશે.’
રાહુલ ગાંધીએ ગૌતમ અદાણીની ધરપકડ કરવાની માગણી કરી
કૉન્ગ્રેસના સંસદસભ્ય અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ગઈ કાલે એક પ્રેસ-કૉન્ફરન્સ કરીને ગૌતમ અદાણીની ધરપકડની માગણી કરી હતી અને જણાવ્યું હતું કે ‘હવે તો એ સ્પષ્ટ થયું છે કે અદાણીએ ભારતીય અને અમેરિકન કાયદાનું ઉલ્લંઘન કર્યું છે. મને એ વાતનું આશ્ચર્ય છે કે અદાણી હજી સુધી દેશમાં આઝાદીથી કેવી રીતે ફરી શકે છે? ઘણા દેશોમાં અદાણીના પ્રોજેક્ટની તપાસ ચાલી રહી છે અને અદાણી ભ્રષ્ટાચાર કરીને દેશની પ્રતિષ્ઠાને લાંછન લગાવી રહ્યા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નારો આપ્યો હતો કે એક હૈં તો સેફ હૈં, ભારતમાં નરેન્દ્ર મોદી અને અદાણી એક છે એટલે સેફ છે. ભારતમાં અદાણીનું કંઈ કરી શકાતું નથી. મુખ્ય પ્રધાનને જેલમાં મોકલી દેવાય છે, પણ ૨૦૦૦ કરોડનો ભ્રષ્ટાચાર કરનારા આરામથી બહાર ફરી શકે છે, કારણ કે નરેન્દ્ર મોદી તેમની રક્ષા કરે છે. અમારી માગણી છે કે ગૌતમ અદાણીની ધરપકડ કરવામાં આવે. સેબીનાં પ્રમુખ માધબી પૂરી બૂચને પણ પદભ્રષ્ટ કરવામાં આવે અને તેમની સામેના આરોપોમાં તપાસ કરવામાં આવે.’
સાગર અદાણી કોણ છે?
અદાણી ગ્રીન એનર્જીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સાગર અદાણી એ ગૌતમ અદાણીના ભત્રીજા છે અને અમેરિકામાં જે લાંચ અને ફ્રૉડનો આરોપ મૂકવામાં આવ્યો છે એના કેન્દ્રમાં છે. કોર્ટમાં રજૂ કરવામાં આવેલા દસ્તાવેજ મુજબ ૨૦૨૩ના માર્ચમાં FBIના એજન્ટોએ તેની સામે ફૉરેન કરપ્ટ પ્રૅક્ટિસ ઍક્ટ (FCPA), સિક્યૉરિટીઝ ફ્રૉડ અને વાયર ફ્રૉડના કથિત ઉલ્લંઘનની તપાસ માટે સર્ચ વૉરન્ટ બહાર પાડ્યું હતું.