પશ્ચિમ બંગાળના ગવર્નરે જાહેર કર્યો મમતા બૅનરજીનો સામાજિક બહિષ્કાર

14 September, 2024 08:52 AM IST  |  West Bengal | Gujarati Mid-day Correspondent

ગઈ કાલે પણ મુખ્ય પ્રધાન મમતા બૅનરજી સાથેની ડૉક્ટરોની વાતચીત થઈ નહોતી. તેમણે તેમની હડતાળ ચાલુ રાખી છે.

આનંદ બોઝ, મમતા બૅનરજી

પશ્ચિમ બંગાળના ગવર્નર સી. વી. આનંદ બોઝે ગઈ કાલે એક વિડિયો-મેસેજમાં મુખ્ય પ્રધાન મમતા બૅનરજીનો સામાજિક બહિષ્કાર કરવાની જાહેરાત કરી હતી અને જણાવ્યું હતું કે તેઓ હવે મુખ્ય પ્રધાન સાથે મંચ શૅર નહીં કરે.

કલકત્તામાં આર. જી. કર હૉસ્પિટલમાં ડૉક્ટર પર બળાત્કાર અને હત્યાના કેસથી આખા રાજ્યના લોકોમાં રોષ છે એવા સમયે ગવર્નરનું આ નિવેદન આવ્યું છે. તેમણે કહ્યું છે કે ‘બંધારણીય જોગવાઈઓનું ઉલ્લંઘન કરવાના કેસમાં તેમની સામે પગલાં લેવામાં આવશે. ગવર્નર તરીકે મારી ભૂમિકા બંધારણીય જવાબદારી સુધી જ સીમિત રહેશે. હું પશ્ચિમ બંગાળના લોકો પ્રત્યે પ્રતિબદ્ધ છું. રાજ્ય સરકાર એની જવાબદારી પૂરી કરવામાં નિષ્ફળ રહી છે.’ 

કલકત્તામાં હડતાળ પર ઊતરેલા ડૉક્ટરોએ રાષ્ટ્રપતિ અને વડા પ્રધાનને પત્ર લખ્યો

કલકત્તામાં આર. જી. કર હૉસ્પિટલમાં ડૉક્ટર પર બળાત્કાર અને હત્યાની ઘટના બાદ ૯ ઑગસ્ટથી જુનિયર ડૉક્ટરો હડતાળ પર ઊતરી ગયા છે ત્યારે ગઈ કાલે તેમણે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને આ કેસમાં દખલગીરી કરવાની અને જુનિયર ડૉક્ટરોને ન્યાય અપાવવાની માગણી કરી છે. ગઈ કાલે પણ મુખ્ય પ્રધાન મમતા બૅનરજી સાથેની ડૉક્ટરોની વાતચીત થઈ નહોતી. તેમણે તેમની હડતાળ ચાલુ રાખી છે.

national news west bengal kolkata mamata banerjee political news