25 April, 2023 12:33 PM IST | Kolkata | Gujarati Mid-day Correspondent
કલકત્તામાં ગઈ કાલે મીટિંગ બાદ જૉઇન્ટ પ્રેસ-કૉન્ફરન્સ દરમ્યાન પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બૅનરજી, બિહારના મુખ્ય પ્રધાન નીતીશ કુમાર અને બિહારના નાયબ મુખ્ય પ્રધાન તેજસ્વી યાદવ. તસવીર પી.ટી.આઇ.
આગામી લોકસભાની ચૂંટણી પહેલાં વિરોધ પક્ષોને એક કરવાની ખૂબ કોશિશ થઈ રહી છે. પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બૅનરજી ગઈ કાલે બિહારના સીએમ નીતીશ કુમાર અને નાયબ મુખ્ય પ્રધાન તેજસ્વી યાદવને મળ્યાં હતાં. એ પછી તેમણે જણાવ્યું હતું કે બીજેપીની વિરોધી પાર્ટીઓના મહાગઠબંધનના સંબંધમાં તેમને ‘ઈગો’ નથી. સાથે જ તેમણે એમ પણ કહ્યું હતું કે આવતા વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણીમાં ખરી લડાઈ બીજેપી વિરુદ્ધ જનતાની રહેશે. તેમણે દાવો કર્યો હતો કે મેં આ પહેલાં પણ જણાવ્યું હતું એમ ચૂંટણીની મોટી લડાઈમાં સમાન વિચારસરણીવાળી વિરોધી પાર્ટીઓ સાથે આવે એની સામે તેમને કોઈ વાંધો નથી.
બિહારના બે ટોચના નેતાઓની સાથે મીડિયાને સંબોધતી વખતે મમતાએ કહ્યું હતું કે ‘મેં નીતીશ કુમારને માત્ર એક વિનંતી કરી છે. જયપ્રકાશ નારાયણજીની મૂવમેન્ટની શરૂઆત બિહારથી થઈ હતી. જો બિહારમાં જ સર્વપક્ષીય મીટિંગ યોજાય તો પછી અમારે આગળ ક્યાં જવું છે એના વિશે અમે નિર્ણય કરી શકીએ.’
આ પણ વાંચો : ૨૦૨૪ની ચૂંટણીમાં બીજેપીનો સામનો કરવા તમામ વિપક્ષોને સાથે લાવવા કોશિશ શરૂ
નીતીશ કુમારે કહ્યું હતું કે ‘ખૂબ જ હકારાત્મક ચર્ચા રહી હતી. અત્યારે સત્તા પર રહેલા લોકો માત્ર તેમની પોતાની પબ્લિસિટી કરી રહ્યા છે. દેશના વિકાસ માટે કંઈ પણ કરવામાં આવી રહ્યું નથી.’