07 October, 2024 03:27 PM IST | Birbhum | Gujarati Mid-day Correspondent
ખાણમાં જ્યાં બ્લાસ્ટ થયો હતો ત્યાં પાર્ક કરેલા વાહનના સળગેલા અવશેષો (તસવીર સૌજન્ય : પીટીઆઇ)
પશ્ચિમ બંગાળ (West Bengal)ના બીરભૂમ (Birbhum) જિલ્લામાં કોલસાની ખાણમાં આજે જોરદાર વિસ્ફોટ (Birbhum Blast) થયો હતો. આ બ્લાસ્ટમાં સાત લોકોનાં મોત થયા છે. બ્લાસ્ટનું કારણ હજી સુધી જાણી શકાયું નથી. બચાવ અને રાહત કામગીરી ચાલી રહી છે.
પોલીસે માહિતી આપી હતી કે, બીરભૂમ જીલ્લામાં આવેલા ગામમાં એક ખાનગી કોલસાની ખાણમાં બ્લાસ્ટિંગ દરમિયાન અકસ્માત થયો હતો. શરૂઆતમાં વિસ્ફોટ બાદ ખાણ તૂટી પડી હતી. જેના કારણે આ અકસ્માત વધુ ખતરનાક બન્યો છે. ઘણા મજૂરોના મૃતદેહ વિકૃત હાલતમાં મળી આવ્યા છે. પોલીસનું કહેવું છે કે હાલમાં મૃતકોની ઓળખ થઈ નથી. નજીકમાં તપાસ કરીને મૃતદેહોની ઓળખ કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ઘટનાસ્થળે હજુ પણ રાહત કાર્ય ચાલુ છે. મૃત્યુઆંક વધી શકે છે.
બીરભૂમ જીલ્લામાં સોમવારે સવારે બનેલી આ ઘટનામાં ઓછામાં ઓછા સાત મજૂરોનાં મોત થયા હતા. બાકીનાને બચાવવાના પ્રયાસો ચાલુ છે. ખાણની અંદર અન્ય લોકો ફસાયા હોવાની આશંકા છે. એવું પણ સાંભળવામાં આવી રહ્યું છે કે, આ વિસ્ફોટમાં ઘણા લોકો ઘાયલ થયા છે. ઘાયલોને હૉસ્પિટલ લઈ જવામાં આવ્યા છે.
પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે, સોમવારે સવારે ગંગારામચક માઇનિંગ પ્રાઇવેટ લિમિટેડ કોલિયરી (Gangaramchak Private Limited Colliery) કોલસાની ખાણમાંથી કોલસો કાઢવા માટે વિસ્ફોટ કરવામાં આવ્યો હતો. પરંતુ કામદારો અંદર શું કામ કરે છે તેના પર કોઈએ ધ્યાન આપ્યું ન હતું અને તે બેદરકારીને કારણે કામદારો ફસાઈ ગયા હતા. બાદમાં ત્યાંથી સાત મજૂરોના મૃતદેહ મળી આવ્યા હતા. હાલ આ વિસ્તારમાં ભારે તણાવ છે. મોટી સંખ્યામાં પોલીસ ફોર્સ તૈનાત કરવામાં આવી છે. બચાવકાર્ય ચાલુ જ છે.
સૂત્રોનો દાવો છે કે કોલસાના પિલાણ માટે કોલસાની ખાણમાં બ્લાસ્ટ કરતી વખતે આ અકસ્માત અજાણતા થયો હતો. વિસ્ફોટ થતાં જ સ્થળ પર હાજર ગંગારામચક માઇનિંગ પ્રાઇવેટ લિમિટેડ કોલિયરીના ઘણા અધિકારીઓ અને કર્મચારીઓ ત્યાંથી ભાગી ગયા હતા.
સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને બાકીના કામદારોને સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત સ્થાનિક ભાજપના ધારાસભ્યો પણ સ્થળ પર છે. હાલમાં બચાવ અને રાહત કાર્ય ચાલુ છે. પોલીસ મૃતકોના પરિવારજનોની પણ માહિતી એકઠી કરી રહી છે અને તેમનો સંપર્ક કરી રહી છે.
તમને જણાવી દઈએ કે પશ્ચિમ બંગાળમાં આ પ્રકારની દુર્ઘટના પહેલા પણ થઈ ચૂકી છે. જાન્યુઆરી ૨૦૨૩માં, પશ્ચિમ બંગાળના કુલ્ટીમાં ગેરકાયદેસર રીતે કોલસાની ખાણ ખોદી રહેલા ઘણા લોકો ખાણની છત તૂટી પડતાં ફસાઈ ગયા હતા. જે ખાણમાં આ કામ ચાલી રહ્યું હતું તે ભારત કોકિંગ કોલ લિમિટેડ (BCCL)ની હતી. તપાસમાં બહાર આવ્યું હતું કે, ફસાયેલા લોકો ખાણમાંથી ગેરકાયદેસર રીતે કોલસાનું ખાણકામ કરતા હતા.