26 June, 2023 07:49 PM IST | Chandigarh | Gujarati Mid-day Online Correspondent
ફાઇલ તસવીર
પંજાબી સિંગર સિદ્ધુ મુસેવાલા (Sidhu Moosewala)ની હત્યા કેસમાં મોટી માહિતી સામે આવી છે. ગેંગસ્ટર ગોલ્ડી બ્રારે (Goldy Brar) એક ટીવી ઈન્ટરવ્યુમાં કબૂલાત કરી છે કે તેણે મુસેવાલાને માર્યો હતો. એટલું જ નહીં, તેણે એમ પણ કહ્યું કે ફિલ્મ અભિનેતા સલમાન ખાન પણ તેના નિશાના પર છે અને જ્યારે તેને સમય મળશે ત્યારે તે ચોક્કસ તેને મારી નાખશે. ગોલ્ડી બ્રાર ભારતનો મોસ્ટ વોન્ટેડ ગુનેગાર છે અને ઇન્ટરપોલ પોલીસે તેની સામે રેડ કોર્નર નોટિસ જાહેર કરી છે.
સિદ્ધુ મુસેવાલાની હત્યાની કબૂલાત કરતાં ગોલ્ડી બ્રારે એક ટીવી ન્યૂઝ ચેનલના ઈન્ટરવ્યુમાં કહ્યું કે, “આ ખૂબ જ સમજી વિચારીને કર્યું છે. આ માટે ગમે તેટલું બલિદાન આપવું પડશે, અમે આપીશું, પરંતુ અમે જે જરૂરી હતું તે કર્યું છે.” મુસેવાલાની હત્યા પાછળનું કારણ જણાવતા ગોલ્ડી બ્રારે કહ્યું કે, “તે ખૂબ જ ઘમંડી અને બગડેલ વ્યક્તિ હતી. તેની પાસે પર્યાપ્ત કરતાં વધુ પૈસા હતા. રાજકીય સત્તા અને પોલીસની શક્તિ જરૂરિયાત કરતાં વધુ હતી, જેનો દુરુપયોગ થતો હતો. તેને પાઠ ભણાવવો જરૂરી હતો.”
મુસેવાલાની હત્યા પાછળનું કારણ જણાવ્યું
ગોલ્ડી બ્રારે વધુમાં કહ્યું કે, “તેણે અમારું વ્યક્તિગત નુકસાન કર્યું છે, કેટલીક એવી ભૂલો કરી છે જે માફીને પાત્ર નથી. વિકી મીડુખેડાની હત્યા બાદ મેં ઘણા પત્રકારોને ફોન કર્યા હતા. સિદ્ધુની હત્યા પહેલા એક પત્રકારને ફોન કર્યો હતો કે તેનું નામ જાહેરમાં આવી રહ્યું છે. પોલીસ કંઈ કરતી નથી. કૉંગ્રેસની સરકાર છે. તેને સીએમ સાથે બેસવું પડશે. કોઈને પૂછો તો તેનું નામ આવ્યું અને તે અધિકારીઓ સાથે ખુલ્લેઆમ ફરે છે.”
`દાઉદ સાથે મિત્રતા નથી`
ગોલ્ડી બ્રારે કહ્યું કે, “ઘણા દિવસોથી મીડિયામાં એ વાત ચાલી રહી છે કે અમારું દાઉદ ઈબ્રાહિમ સાથે ગઠબંધન છે. હું સ્પષ્ટ કરવા માગુ છું કે દેશમાં બોમ્બ વિસ્ફોટ કરનારાઓ સાથે અમારી કોઈ મિત્રતા નથી.” તેણે કહ્યું કે, તે પાકિસ્તાનમાં બેઠેલા આતંકી હરવિંદર સિંહ રિંડા સાથે વાત કરતો હતો. તેણે જ સિદ્ધુ મૂઝવાલા સાથે સમાધાન કરાવ્યું હતું.
`સલમાનને ચોક્કસપણે પતાવી દઇશું’
અભિનેતા સલમાન ખાન (Salman Khan) માટે, ગોલ્ડી બ્રારે કહ્યું છે કે, “અમે તેને મારી નાખીશું, ચોક્કસ મારીશું. ભાઈ સાહેબ (લૉરેન્સ)એ તેમને માફી માગવા કહ્યું હતું, પરંતુ તેણે ન કર્યું. જેમ અમે અગાઉ પણ કહ્યું છે. આ વાત માત્ર સલમાન ખાનની જ નથી, જે કોઈ અમારો દુશ્મન હશે, અમે તેને મારી નાખીશું. સલમાન ખાન અમારો ટાર્ગેટ છે.”