પશ્ચિમ બંગાળના ગવર્નર પર જાતીય સતામણીનો બીજો કેસ

16 May, 2024 08:49 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ પહેલાં એક ભૂતપૂર્વ સ્ટાફરે પણ ગવર્નર સામે સતામણીનો આરોપ લગાવ્યો હતો.

સી. વી. આનંદ બોઝ

પશ્ચિમ બંગાળના ગવર્નર સી. વી. આનંદ બોઝ સામે જાતીય સતામણીનો બીજો કેસ સામે આવ્યો છે. તેમના પર એક ક્લાસિકલ ડાન્સરે આરોપ લગાવ્યો છે કે દિલ્હીની એક ફાઇવસ્ટાર હોટેલમાં ગવર્નરે તેનું શોષણ કર્યું હતું. આ મુદ્દે ૨૦૨૩ના ઑક્ટોબરમાં ફરિયાદ કરવામાં આવી હતી. આ પહેલાં એક ભૂતપૂર્વ સ્ટાફરે પણ ગવર્નર સામે સતામણીનો આરોપ લગાવ્યો હતો. પશ્ચિમ બંગાળ પોલીસે ગયા અઠવાડિયે આ મુદ્દે રાજ્ય સરકારને તપાસનો રિપોર્ટ સોંપ્યો છે. ૧૪ મેએ આ કેસ સામે આવ્યો હતો.

ડાન્સરે ફરિયાદમાં જણાવ્યું હતું કે વિદેશયાત્રાને લઈને ઊભી થયેલી પરેશાનીના પગલે તે ગવર્નર પાસે મદદ માગવા ગઈ હતી. તપાસમાં દાવો કરવામાં આવ્યો હતો કે CCTV ફુટેજમાં ગવર્નરની હોટેલમાં એન્ટ્રી અને એક્ઝિટનો સમય મહિલાએ ફરિયાદમાં બતાવ્યો એ જ છે. જોકે ડાન્સરે એ નથી જણાવ્યું કે ઘટનાને ૧૦ મહિના થયા બાદ ઑક્ટોબર મહિનામાં શા માટે ફરિયાદ નોંધાવી હતી. આ કેસમાં ગવર્નર કે રાજભવન તરફથી કોઈ જવાબ મળ્યો નથી.

આ પહેલાં રાજભવનની ભૂતપૂર્વ મહિલા કર્મચારીએ બીજી મેએ ગવર્નરના વિરોધમાં ફરિયાદ નોંધાવી હતી. તેની ફરિયાદ  હતી કે ૨૪ માર્ચે તે સ્થાયી નોકરી માટેની અરજી લઈને ગવર્નર પાસે ગઈ ત્યારે તેમણે છેડતી કરી હતી. ફરી બીજી મેએ એમ જ થયું એટલે તેણે રાજભવનની બહાર તહેનાત પોલીસ-અધિકારી સમક્ષ ફરિયાદ કરી હતી.

national news west bengal