દેશની મુખ્ય નદીઓમાં પાણી ચિંતાજનક સ્તરે

03 April, 2024 09:17 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ગંગામાં ફક્ત ૪૧.૨ ટકા પાણી : દક્ષિણની ૧૩ નદીઓમાં તો પાણી જ નથી

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

કાળઝાળ ગરમીની હજી તો શરૂઆત પણ નથી થઈ ત્યાં દેશની મુખ્ય નદીઓમાં પાણીનું ઘટી રહેલું સ્તર ચિંતાનું કારણ બની શકે છે. ગંગા, ગોદાવરી, નર્મદા, બ્રહ્મપુત્રા, સિંધુ, પેન્નાર, તાપી, સાબરમતી, મહાનદી, કાવેરી સહિત ૧૨ મુખ્ય નદીઓમાં પાણી ગયા વર્ષની સરખામણીએ ઓછું છે.કેન્દ્રીય જળ આયોગે તાજેતરમાં જણાવ્યું હતું કે ‘ભારતનાં ૧૫૦ મુખ્ય જળાશયોમાં પાણીનો સંગ્રહ કરવાની ક્ષમતાથી ૩૬ ટકા ઓછું પાણી છે. ૮૬ જળાશયોમાં પાણી ૪૦ ટકા કે એથી ઓછું છે. મોટા ભાગનાં જળાશયો મહારાષ્ટ્ર, ગુજરાત અને દક્ષિણનાં રાજ્યોમાં છે. જળ આયોગ પાસે ૨૦ નદીઓના બેસિનનો લાઇવ ડેટા રહે છે અને આ રિવર બેસિનમાં ૪૦ ટકાથી ઓછો જળસંગ્રહ જોવા મળ્યો છે.’

૧૧ રાજ્યોની જીવાદોરી સમાન ગંગા નદી ૨.૮૬ લાખ ગામને સિંચાઈ અને પીવાનું પાણી પૂરું પાડે છે અને હાલ નદીમાં ફક્ત ૪૧.૨ ટકા પાણી છે. ગયા વર્ષની સરખામણીમાં આ સ્તર ઘણું ઓછું છે. પાણીના અભાવથી ખેતીવાડી પ્રભાવિત થશે, કારણ કે ગંગા બેસિન ૬૫.૫૭ ટકા કૃષિ વિસ્તારને પાણી પૂરું પાડે છે. નર્મદામાં ૪૬.૨ ટકા, તાપીમાં ૫૬ ટકા, ગોદાવરીમાં ૩૪.૭૬ ટકા, મહાનદીમાં ૪૯.૫૩ ટકા અને સાબરમતીમાં ૩૯.૫૪ ટકા પાણીની ઘટ છે. દક્ષિણ ભારતની ૧૩ નદીઓ એવી છે જેમાં પાણી જ નથી. આ નદીઓ આંધ્ર પ્રદેશ, તેલંગણ, ઓડિશામાંથી પસાર થાય છે. આ વખતે ગરમી વધુ પડવાની છે અને ચોમાસું આવતાં સુધીમાં દેશમાં પાણીની કટોકટી સર્જાઈ શકે છે. 

national news Weather Update