પે વિથ પામ : હાથ હલાવીને પેમેન્ટ કરી શકાય એવી ટેક્નૉલૉજી આવી ગઈ છે

04 April, 2024 11:07 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હાલ માત્ર ટ્રાન્સપોર્ટેશન માટે ‘પે ​વિથ પામ’ની શરૂઆત કરવામાં આવી છે

વાઇરલ વિડિયોની તસવીર

ડિ​જિટલ પેમેન્ટની સુવિધાએ કૅશ રાખવાની કડાકૂટનો અંત લાવી દીધો અને લોકો મોબાઇલ ફોનમાંથી જ પેમેન્ટ કરતા થઈ ગયા. જોકે હવે ટેક્નૉલૉજીના નવા લેટેસ્ટ વર્ઝનમાં પેમેન્ટ કરવા માટે મોબાઇલ ફોનની જરૂરિયાત પણ નથી રહેવાની. ચીનમાં માત્ર હથેળીને વેવ કરીને પેમેન્ટ કરી શકાય એવી ટેક્નૉલૉજી આવી ગઈ છે. ભારતના જાણીતા ઉદ્યોગપતિ અને RPG ગ્રુપના વડા હર્ષ ગોએન્કાએ હમણાં જ માઇક્રોબ્લૉગિંગ સાઇટ એક્સ પર એક વિડિયો પોસ્ટ કર્યો હતો. એમાં ઍરપોર્ટના એક્સપ્રેસ લાઇન સબવેમાં પ્રવેશવા માટે એક યુવતી પોતાની હથેળી વેવ કરીને પેમેન્ટ કરી રહી છે. ચીનમાં ૨૦૨૩ના જૂનથી વિક્સિન પામે પેમેન્ટ નામની આ ટેક્નૉલૉજી શરૂ થઈ ગઈ હતી. એમાં હથેળીની પ્રિન્ટને પેમેન્ટ અકાઉન્ટ સાથે ​લિન્ક કરવામાં આવે છે એટલે પેમેન્ટ કરવાની જરૂર પડે ત્યારે સેન્સરની સામે હથેળી બતાવી દેવાથી તમારા ડિ​જિટલ વૉલેટમાંથી આપમેળે પૈસા કપાઈ જાય છે.

હાલ માત્ર ટ્રાન્સપોર્ટેશન માટે ‘પે ​વિથ પામ’ની શરૂઆત કરવામાં આવી છે; પણ આગામી સમયમાં શૉપિંગ, રેસ્ટોરાં બિલ પેમેન્ટ સહિતનાં વિવિધ પેમેન્ટ માટે પણ આ સુવિધા શરૂ થઈ જશે એવું કહેવાય છે. હર્ષ ગોએન્કાએ ​વિડિયો સાથેની પોસ્ટમાં લખ્યું હતું કે ‘આવી ટેક્નૉલૉજીને કારણે પ્રાઇવસીનો છેદ ઊડી જવાનો છે એ નક્કી છે. આવી ટેક્નૉલૉજીનો મિસયુઝ થવાના ચાન્સિસ પણ વધારે છે એટલે હું તો મૅગ્નેટિક રીડર સાથેના મારા કાર્ડથી જ કામ ચલાવવાનો છું.’ આપણા જ્યોતિષી હાથની રેખાના આધારે કેટલા પૈસા આવશે એનો અંદાજ આપતા હોય છે, પણ ટેક્નૉલૉજીને કારણે હવે હાથ પોતે જ કેટલું બૅન્ક-બૅલૅન્સ છે એ બતાવી દેશે.

offbeat videos offbeat news social media technology news