10 April, 2023 09:30 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
દલાઈ લામાના વિવાદાસ્પદ વિડિયોમાંથી ગ્રૅબ કરેલી ઇમેજ
શાંતિનો સંદેશ આપનારા દલાઈ લામાના એક વિડિયોએ અત્યારે અશાંતિ સરજી છે. આ વિડિયોમાં તેઓ એક બાળકના હોઠ પર કિસ કરતા જોવા મળ્યા હતા. એટલું જ નહીં, તેમણે આ બાળકને તેમની જીભ ચૂસવા પણ કહ્યું હતું. આ વિડિયોને લઈને વિવાદ થયો છે.
આ વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો છે, જેમાં જોવા મળ્યું હતું કે એક બાળક આ આધ્યાત્મિક ગુરુને વંદન કરવા માટે ઝૂક્યું હતું ત્યારે દલાઈ લામાએ તેના હોઠ પર કિસ કરી હતી. એ પછી આ બૌદ્ધ ધર્મગુરુ તેમની જીભ બહાર કાઢીને આ બાળકને એ ચૂસવા માટે કહેતા જોવા મળ્યા હતા. ટ્વિટર યુઝર્સે આ વિડિયો પર રોષ વ્યક્ત કર્યો હતો.
આ વિડિયોને શૅર કરતાં ટ્વિટર યુઝર જુસ્ટ બ્રોકર્સે લખ્યું હતું કે ‘બૌદ્ધ ધર્મને લગતા એક કાર્યક્રમમાં દલાઈ લામા એક ભારતીય છોકરાને કિસ કરી રહ્યા છે અને તેની જીભને ટચ કરવાની પણ તેમણે કોશિશ કરી. તેઓ એ બાળકને તેમની જીભ ચૂસવા પણ કહે છે.’ અન્ય ટ્વિટર યુઝર દીપિકા પુષ્કર નાથે લખ્યું હતું કે ‘આ વાત બિલકુલ ચલાવી ન લેવાય. કોઈએ પણ દલાઈ લામાની આ હરકતને વાજબી ન ગણાવવી જોઈએ.’
નોંધપાત્ર છે કે ૨૦૧૯માં દલાઈ લામાએ એમ કહીને ભારે વિવાદ જગાવ્યો હતો કે જો તેમની અનુગામી કોઈ મહિલા હોય તો એ આકર્ષક હોવી જોઈએ. ૨૦૧૯માં એક બ્રિટિશ મીડિયા ગ્રુપને આપેલા ઇન્ટરવ્યુમાં તેમણે આ વાત જણાવી હતી. બાદમાં તેમણે એ માટે માફી માગી હતી.