કેન્યામાં હિંસા: ઉચ્ચ આયોગે ભારતીય નાગરિકોની સુરક્ષા માટે જાહેર કરી એડવાઇઝરી

26 June, 2024 09:24 PM IST  |  Nairobi | Gujarati Mid-day Online Correspondent

આ દરમિયાન સંસદમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહેલા પ્રદર્શનકારીઓ પર પોલીસે ગોળીબાર કર્યો હતો જેમાં અમુક લોકોનું મૃત્યુ થયું હતું અને ઘણા લોકો ઘાયલ થયાં હતાં

કેન્યામાં હિંસાની તસવીરો

પૂર્વ આફ્રિકન દેશ કેન્યામાં સરકારના પ્રસ્તાવિત ટેક્સ વધારા સામે ચાલી રહેલી હિંસક ઘટનાઓ (Violence in Kenya)ને ધ્યાનમાં રાખીને, ભારતીય ઉચ્ચાયોગે મંગળવારે તમામ ભારતીયો માટે સાવચેતીના પગલા તરીકે એક એડવાઈઝરી જાહેર કરી છે.

કેન્યામાં ટેક્સમાં વધારો થવાથી નાખુશ થયેલા હજારો લોકો મંગળવારે સંસદ પરિસરમાં પ્રવેશ્યા હતાં. આ દરમિયાન સંસદમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહેલા પ્રદર્શનકારીઓ (Violence in Kenya) પર પોલીસે ગોળીબાર કર્યો હતો જેમાં અમુક લોકોનું મૃત્યુ થયું હતું અને ઘણા લોકો ઘાયલ થયા હતાં.

કોઈપણ પ્રતિકૂળ પરિસ્થિતિને ટાળવા માટે, કેન્યાની રાજધાની નૈરોબી (Violence in Kenya)માં ભારતીય ઉચ્ચાયોગે તમામ ભારતીયો માટે એક એડવાઈઝરી જાહેર કરીને કહ્યું છે કે અહીં પરિસ્થિતિ તંગ છે, તેથી તમામ ભારતીયોને સલાહ આપવામાં આવે છે કે ખૂબ જ સાવધાની રાખો, બિનજરૂરી હિલચાલ ટાળો અને પ્રદર્શનો અને હિંસાથી પ્રભાવિત વિસ્તારોથી દૂર રહો.

ભારતીય ઉચ્ચાયોગે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું, “કેન્યામાં ભારતીય નાગરિકો માટે સલાહ. હાલની તંગ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, કેન્યામાં તમામ ભારતીયોને અત્યંત સાવધાની રાખવાની, બિનજરૂરી હિલચાલ ટાળવાની અને જ્યાં સુધી સ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી વિરોધ અને હિંસાથી પ્રભાવિત વિસ્તારોમાં ન જવાની સલાહ આપવામાં આવે છે.”

ઉચ્ચાયોગે અન્ય એક પોસ્ટમાં કહ્યું છે કે હિંસાને લગતી લેટેસ્ટ માહિતી માટે સ્થાનિક સમાચાર,  ભારતીય ઉચ્ચાયોગની વેબસાઈટ અને સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર નજર રાખો. એક અહેવાલ અનુસાર, કેન્યાના રાષ્ટ્રપતિ વિલિયમ રૂટોએ હિંસક ઘટનાઓની નિંદા કરી છે અને કહ્યું છે કે તેઓ `હિંસા અને અરાજકતા` વિરુદ્ધ કડક વલણ અપનાવશે. બીજી તરફ, સંયુક્ત રાષ્ટ્રએ એ વાત પર ભાર મૂક્યો છે કે લોકોને શાંતિપૂર્ણ રીતે પ્રદર્શન કરવાનો અધિકાર છે. અમેરિકાએ કેન્યાની સરકારને ધીરજ રાખવા માટે વિનંતી કરી છે.

નવા ટેક્સનો વિરોધ કરી રહ્યા છે દેખાવકારો

વિપક્ષના નેતા રૈલા ઓડિંગાએ વિરોધીઓ સામેની હિંસાનો તાત્કાલિક અંત લાવવાની માંગ કરી છે અને સંવાદ અને આંતરરાષ્ટ્રીય હસ્તક્ષેપની હાકલ કરી છે, એક અહેવાલમાં જણાવાયું છે. વિરોધીઓ નવા ટેક્સનો વિરોધ કરી રહ્યા છે, જેમાં ઇકો-લેવી પણ સામેલ છે. તેનાથી ડાયપર જેવી વસ્તુઓની કિંમતમાં વધારો થશે. જોકે, લોકોના વિરોધ બાદ બ્રેડ પર ટેક્સ લાદવાની દરખાસ્ત પડતી મૂકવામાં આવી હતી.

કેન્યાના માનવાધિકાર પંચે વિરોધીઓ પર ગોળીબાર કરતા અધિકારીઓનો વીડિયો શેર કર્યો અને કહ્યું કે તેઓને જવાબદાર ઠેરવવા જોઈએ.

રાષ્ટ્રપતિ વિલિયમ રુટો સામે વિરોધ પ્રદર્શન

કેન્યા લૉ સોસાયટીના પ્રમુખ ફેથ ઓધિયામ્બોને સંબોધીને કમિશને જણાવ્યું હતું કે, તેના અંગત સહાયક સહિત 50 કેન્યાની પોલીસ અધિકારીઓ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે, “દુનિયા તમારા અત્યાચારો જોઈ રહી છે! આ કાર્યવાહી લોકશાહી પર હુમલો છે.”

nairobi new delhi kenya india international news