02 April, 2023 09:10 PM IST | Kolkata | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર
પશ્ચિમ બંગાળ (West Bengal)માં રવિવારે (2 એપ્રિલ) ફરી એકવાર હિંસા ફાટી નીકળી (Violence in West Bengal) હતી. હુગલીમાં ભાજપની શોભા યાત્રા દરમિયાન ઘણી જગ્યાએ આગચાંપવાના અને પથ્થરમારાની ઘાટનો બની છે. રિસરામાં ભારતીય જાણતા પાર્ટીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ દિલીપ ઘોષના કાર્યક્રમમાં આ હંગામો થયો છે. આ કાર્યક્રમ હુગલીમાં રામનવમીના કાર્યક્રમ બાદ થયો હતો. હિંસા બાદ વિસ્તારમાં તંગદિલીનો માહોલ છે.
હિંસા ફાટી નીકળ્યા બાદ પોલીસ અને કેન્દ્રીય સુરક્ષાકર્મીઓ દિલીપ ઘોષને સલામત સ્થળે લઈ ગયા હતા. ઘટના બાદ વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ભાજપના સાંસદ દિલીપ ઘોષે કહ્યું કે શોભા યાત્રા દરમિયાન મહિલાઓ અને બાળકો પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો.
અગાઉ હાવડામાં હિંસા
આ પહેલા રામનવમીના દિવસે પશ્ચિમ બંગાળના હાવડા શહેરના કાઝીપાડા વિસ્તારમાં હિંસા થઈ હતી. કાઝીપાડા વિસ્તારમાંથી શોભા યાત્રા પસાર થઈ રહી હતી ત્યારે આ ઘટના બની હતી. હિંસા દરમિયાન ઘણી દુકાનો અને ઑટો-રિક્ષાઓમાં તોડફોડ કરવામાં આવી હતી, જ્યારે પોલીસના કેટલાક વાહનો સહિત અનેક કારોને આગ ચાંપી દેવામાં આવી હતી. મુખ્યપ્રધાન બેનર્જીએ આરોપ મૂક્યો હતો કે હાવડામાં થયેલી હિંસામાં ભારતીય જનતા પાર્ટી અને બજરંગ દળ જેવા અન્ય જમણેરી સંગઠનો હથિયારો સાથે સામેલ હતા.
આ પણ વાંચો: જેલમાંથી છૂટ્યા બાદ તરત સિધુની પૉલિટિકલ પિચ પર ફટકાબાજી શરૂ
પોલીસકર્મીઓ પર ફરીથી પથ્થરમારો
તેમણે લોકોને વિસ્તારમાં શાંતિ જાળવવા અપીલ કરી હતી. આ પછી, શુક્રવારે બપોરે કાઝીપાડા વિસ્તારમાં અજાણ્યા લોકોએ પોલીસકર્મીઓ પર પથ્થરમારો કર્યો હતો અને પોલીસે લોકોને વિખેરવા માટે લાઠીનો ઉપયોગ કરવો પડ્યો હતો અને પથ્થરમારામાં ઓછામાં ઓછા ત્રણ પોલીસકર્મીઓ જખમી થયા હતા. ગુરુવારથી અત્યાર સુધીમાં હિંસાના સંબંધમાં 45 લોકોની ધરપકડ કરવામાં આવી છે.