07 September, 2024 07:31 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent
બજરંગ પુનિયા અને વિનેશ ફોગાટ ગઈ કાલે દિલ્હીમાં કૉન્ગ્રેસના હેડક્વૉર્ટરમાં.
કુસ્તીબાજ બજરંગ પુનિયા અને વિનેશ ફોગાટ ગઈ કાલે કૉન્ગ્રેસ-અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને તેમના નિવાસસ્થાને મળ્યાં હતાં અને પછી કૉન્ગ્રેસ-મુખ્યાલયમાં પહોંચીને તેમણે વિધિવત્ કૉન્ગ્રેસમાં પ્રવેશ કર્યો હતો. આ મુદ્દે મલ્લિકાર્જુન ખડગેએ સોશ્યલ મીડિયાની પોસ્ટમાં લખ્યું હતું કે ‘ચક દે ઇન્ડિયા, ચક દે હરિયાણા, ટૅલન્ટેડ ચૅમ્પિયન્સ વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયાને મળ્યો, તેમણે ભારતનું ગૌરવ વધાર્યું છે, અમને તેમના માટે ખૂબ માન છે.’
કૉન્ગ્રેસ-મુખ્યાલયમાં પત્રકારો સાથેની વાતચીતમાં વિનેશ ફોગાટે કહ્યું હતું કે ‘મુશ્કેલીના સમયમાં જ જાણ થાય છે કે કોણ તમારી સાથે ઊભું છે. અમારા મુશ્કેલ સમયમાં કૉન્ગ્રેસ અમારી સાથે હતી. જ્યારે અમને ઢસડીને રોડ પર લાવવામાં આવ્યાં હતાં ત્યારે ભારતીય જનતા પાર્ટી (BJP) સિવાયની તમામ બીજી પાર્ટીઓ અમારી સાથે ઊભી હતી. તેઓ અમારી પીડા અને અમારા આંસુઓને સમજી શક્યાં હતાં. આ પાર્ટી સાથે જોડાઈને હું ગૌરવ અનુભવું છું. મહિલાઓ સામે થતા અત્યાચાર અને ગેરવર્તનની સામે આ પક્ષ ઊભો છે. જે રીતે અમે કુસ્તીની લડાઈ લડીએ છીએ એ જ ભાવનાથી અમે દેશના લોકો માટે લડીશું. જે પોતાને અસહાય સમજે છે તેવી તમામ મહિલાઓની સાથે અમે ઊભાં છીએ. જંતરમંતરમાં વિરોધ નોંધાવીને મેં કુસ્તી છોડી દીધી હોત, પણ હું ઑલિમ્પિક્સની ફાઇનલમાં પહોંચી હતી. ભગવાન પાસે બીજો પ્લાન હતો અને તેણે હવે મને દેશના લોકોની સેવા કરવાનો મોકો આપ્યો છે.’
જંતરમંતરમાં વિરોધ-પ્રદર્શન વખતે કૉન્ગ્રેસનો સાથ મળ્યો હતો એ મુદ્દે બજરંગ પુનિયાએ જણાવ્યું હતું કે ‘તેમણે અમને માગ્યા વિના સાથ આપ્યો હતો. BJPના સંસદસભ્યોને સમર્થન માટે લખેલા પત્રનો તેમણે જવાબ પણ આપ્યો નહોતો. દેશની દીકરીઓના સમર્થનમાં અવાજ ઉઠાવવા માટે અમારે કિંમત ચૂકવવી પડી છે. અમે દેશના લોકોની સેવા કરીશું અને કૉન્ગ્રેસના સંગઠનને વધુ મજબૂત કરીશું. વિનેશ ફોગાટ ઑલિમ્પિક્સમાં ફાઇનલ સુધી પહોંચી હતી, પણ તે જ્યારે ડિસક્વૉલિફાય થઈ ત્યારે કેટલાક લોકોએ એની ઉજવણી કરી હતી.’
કૉન્ગ્રેસમાં જોડાતાં પહેલાં વિનેશ ફોગાટે નૉર્ધર્ન રેલવેમાંથી ઑફિસર ઑન સ્પેશ્યલ ડ્યુટીના પદ પરથી વ્યક્તિગત કારણોસર રાજીનામું આપી દીધું હતું.
કુસ્તીબાજોનો વિરોધ કૉન્ગ્રેસનું ષડ્યંત્ર હોવાનું મેં પહેલાં કહ્યું હતું : બ્રિજ ભૂષણ
રેસલિંગ ફેડરેશન ઑફ ઇન્ડિયાના ભૂતપૂર્વ પ્રમુખ અને ભારતીય જનતા પાર્ટીના સંસદસભ્ય બ્રિજ ભૂષણે ગઈ કાલે રાજસ્થાનમાં એક કાર્યક્રમમાં બોલતાં કહ્યું હતું કે ‘મારી સામે કુસ્તીબાજોએ કરેલા આંદોલનમાં કૉન્ગ્રેસનો હાથ હોવાનું મેં ત્યારે કહ્યું હતું અને આજે એ સત્ય થયું છે. મારી સામેના આંદોલનની પાછળ કૉન્ગ્રેસના ભૂપેન્દ્ર હૂડા અને દીપેન્દ્ર હૂડાનો હાથ હતો. ત્યારે હું કહેતો હતો અને આજે આખી દુનિયા કહી રહી છે. મારે હવે વધુ કંઈ કહેવાની જરૂર નથી.’ કુસ્તીબાજો બજરંગ પુનિયા અને વિનેશ ફોગાટે બ્રિજ ભૂષણ સામે મહિલા કુસ્તીબાજોના જાતીય શોષણના આરોપ લગાવ્યા હતા. આ બેઉ કુસ્તીબાજો કૉન્ગ્રેસમાં સામેલ થયાં છે અને હરિયાણામાં વિધાનસભાની ચૂંટણી લડવાનાં છે એ મુદ્દે પ્રતિક્રિયા આપતાં બ્રિજભૂષણે આમ જણાવ્યું હતું.
વિનેશ રાહુલ ગાંધીને મળી, રેલવેએ શો કૉઝ નોટિસ આપી
કુસ્તીબાજ વિનેશ ફોગાટ કૉન્ગ્રેસમાં જોડાઈ એ પ્રસંગે તેની ઓળખ કરાવતાં કૉન્ગ્રેસના નેતા કે. સી. વેણુગોપાલે આરોપ લગાવ્યો હતો કે ૪ સપ્ટેમ્બરે વિનેશ ફોગાટ દિલ્હીમાં કૉન્ગ્રેસના નેતા અને સંસદસભ્ય રાહુલ ગાંધીને મળી હતી એ પછી ભારતીય રેલવેએ તેને શો કૉઝ નોટિસ ફટકારી હતી, તેનો ગુનો માત્ર એટલો હતો કે તે રાહુલ ગાંધીને મળી હતી. રેલવેએ આ મુદ્દે રાજકારણ ન રમવું જોઈએ અને તેમણે વિનેશને નોકરીમાંથી છૂટી કરવાની ઔપચારિકતાઓ પૂર્ણ કરવી જોઈએ એમ તેમણે ઉમેર્યું હતું.